બરફનાં પંખી/આડી બિલાડી એક ઉતરી

આડી બિલાડી એક ઊતરી

કોઈ દિ' નહીં ને ભાઈ નોકરીએ ચાલ્યા
ને આડી બિલાડી એક ઊતરી.
મારગમાં મોગરાનું ઊઘડેલું ફૂલ જોઈ
લેંઘામાં રામ રહ્યા મૂતરી

પાછી ફરેલ કોઈ વાણીની જેમ
અમે ભાંગીને પડી ગયા હેઠા
નાગાબાવાને ઘેર દરજી બેસેને
એમ પંડિતજી ઓસરીમાં બેઠા

ચીકુની છાલ જેવી ચામડી ઓઢીને
અમે છટકીને આમતેમ ભાગતા
કામગરા માણસના ટોળામાં ચર્ચાતી
નવરાની વાત સમા લાગતા

કોઈ દિ’ નહીં ને ભાઈ નોકરીએ ચાલ્યા
ને આડી બિલાડી એક ઊતરી
મારગમાં મોગરાનું ઉઘડેલું ફૂલ જોઈ
લેંઘામાં રામ રહ્યા મૂતરી

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ***