પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/વિવેકભ્રષ્ટનો વિનિપાત


વિવેકભ્રષ્ટનો વિનિપાત

કવિતા કે કળા સામે પ્લેટોનો બીજો આક્ષેપ એ છે કે એ માનવસમાજ પર બૂરી અસર પાડે છે અને એને માટે અહિતકર નીવડે છે. એક વ્યક્તિ તરીકે માનવની આદર્શ સત્યની પ્રાપ્તિનો હોય તો માનવસમાજના એક અંગ તરીકે, નાગરિક તરીકે એનો આદર્શ હોવો ઘટે સદાચારી, સમાજોપયોગી જીવનનો. કવિતા કે કળા માનવને જો વધારે સદાચારી બનાવવામાં ફાળો આપતી હોય, એનામાં નાગરિક ગુણ ખીલવતી હોય તો એની ઉપયોગિતા સિદ્ધ થાય ખરી. લોકો એમ માને છે ખરા કે કવિઓ તો મહાન ગુરુઓ છે અને હોમરે માનવજીવનના પ્રત્યક્ષ પાઠ જેવા ભણાવ્યા છે એવા તો કોઈ ભણાવી ન શકે. પણ લોકોની આ માન્યતા સાચી છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ. પ્લેટો આ તપાસ આદરે છે અને અંતે એને લાગે છે કે કવિતાએ જીવનઘડતર કરવાનું કામ કર્યું નથી અને એની કામ પાડવાની રીત જોતાં એ એવું કામ કરી પણ ન શકે. જીવનઘડતરની અને નીતિ કે નાગરિક ગુણની દૃષ્ટિએ કવિતા સામે જે આક્ષેપો પ્લેટો કરે છે તેમાં કેટલાક તો પ્રાસંગિક છે. દાખલા તરીકે, ગ્રીક નાટકો અને મહાકાવ્યોમાં સ્વર્ગનરકની વાતો આવતી. પ્લેટો કહે છે કે જે દુનિયા વિશે કવિ કશું જાણતો નથી તેના વિશે આવી વાતો કરવાનો એને શો અધિકાર છે? આવી વાતો કરી એ માણસોના મનમાં ભ્રામક ખ્યાલો પેદા કરે છે અને તેમને અવળે માર્ગે દોરે છે. એ જ રીતે કવિઓ દેવોને લડતા-ઝઘડતા બતાવે છે તે ખોટું છે, તેમજ માણસમાં લડાઈ-ઝઘડાની વૃત્તિ પ્રેરનારું છે. વળી કવિતામાં ઘણી વાર દુષ્ટ લોકોને સુખી અને ભલા માણસોને દુઃખી થતા બતાવવામાં આવે છે. આ તો કેટલું ખરાબ કહેવાય? આથી તો એવી છાપ પડે કે દુષ્ટતા, પકડાય નહીં તો, લાભદાયક છે અને સચ્ચાઈ કે પ્રામાણિકતા પડોશીને ઉપકારક થતી હશે, પોતાને તો અહિતકર જ નીવડે છે. પણ પ્લેટોનો મુખ્ય આક્ષેપ તો એ છે કે કવિતા માણસની લાગણીઓને ઉશ્કેરે છે – અને પ્લેટોને મતે લાગણીઓ માનવઆત્માનો હીન અંશ છે – અને એનામાં જે ગુણો ખીલવવા જોઈએ તેને બદલે ઊલટા જ ગુણોને પોષવાનું કામ કરે છે. ઉદાહરણ તરીકે, સારા માણસનું લક્ષણ એ ગણાય કે એ વિપત્તિને સમયે ભાંગી ન પડતાં ધૈર્ય દાખવે અને વિપત્તિને સહન કરી લે; એ બુદ્ધિથી વિચાર કરે અને રસ્તો કાઢે; બીજા માણસની હાજરીમાં તો એ ખસૂસ પોતાની જાતને ટકાવી રાખે અને એને રડતાંયે શરમ આવે. ત્યારે નાટકમાં બને છે શું? વીરપુરુષ જે પોતાને સદાચારી કે સંસ્કારી મનાવે છે તે દુઃખને સમયે રોદણાં રડે છે, અને આપણે બધાં એ જોઈને આનંદ અનુભવીએ છીએ. આપણને એ વિચાર નથી આવતો કે પોતાની બુદ્ધિ ઉપરનો કાબૂ ગુમાવીને કોઈ માણસ દુઃખને સમયે આંસુ સાર્યા કરે એમાં આપણે કશું ખોટું માનવાને બદલે આનંદ માણીએ, તો આપણા હૃદયને એથી કેવી કેળવણી મળશે? હૃદય આપણા દુઃખને સમયે, પછી, ધૈર્ય રાખી શકશે ખરું? વળી, આપણે જાતે જે મશ્કરીઓ ન કરીએ તે કૉમિક (વિનોદી) નાટકમાં સાંભળીને આપણે રાજી થઈએ છીએ, અને એની અશિષ્ટતાની સૂગ આપણને ચડતી નથી. કવિતા કે નાટક આવી રીતે આપણી વિવેકબુદ્ધિનો ભ્રંશ કરે છે. શોક, ક્રોધ, લાલસા, સુખ, દુઃખ, ભય, હાસ આ બધી લાગણીઓ આપણી બધી ક્રિયાઓ સાથે જોડાયેલી હોય છે, પણ માવનજાતને જો સુખી અને સદાચારી થવું હોય તો એ લાગણીઓ પર નિયંત્રણ મૂકવું જોઈએ અને વિવેકબુદ્ધિપૂર્વકનું જીવન જીવવું જોઈએ. પણ કવિતા તો આ લાગણીઓને નિર્મૂળ કરવાને બદલે પોષે છે. ઉછેરે છે, બળ આપે છે અને વિવેકબુદ્ધિને નેવે મુકાવે છે. અને કવિતા પાસે આ સિવાય બીજો માર્ગ પણ કયો છે? ઊર્મિલ અને અસ્થિર મનોદશાનું એ અનુકરણ ન કરે તો કરે પણ શું? સ્વસ્થ શાંત પ્રકૃતિનું અનુકરણ કરવું ખૂબ અઘરું છે, એટલું જ નહીં, એનું અનુકરણ કરવામાં આવે તો એની કદર બૂઝવાનું પણ મુશ્કેલ છે. વિવેકહીન, આવેશયુક્ત, ચંચળ મનોવૃત્તિના આલેખનમાં તો ઘણું વૈવિધ્ય પણ લાવી શકાય; જ્યારે સ્વસ્થ અને શાણી પ્રકૃતિ તો હંમેશાં લગભગ એકસરખી જ જોવા મળે છે. વળી, નાટકમાં જ્યાં ભિન્નરુચિ લોકસમાજ એકઠો થયો હોય ત્યાં સ્વસ્થ પ્રકૃતિનું નિરૂપણ ભાગ્યે જ આકર્ષણ જમાવી શકે. (એટલે જ કદાચ ભરતમુનિએ નાટ્યરસોમાં શાંત રસને સ્થાન નહીં આપ્યું હોય અને લૌકિક રસોની રેલમછેલ પ્લેટો જેવા અધ્યાત્મચિંતક કેમ માન્ય કરી શકે ?) આ રીતે, પ્લેટોની દૃષ્ટિએ કવિતા કે કળામાં ઊતરતા પ્રકારનું સત્ય હોય છે, એને સંબંધ છે આત્માના હીન અંશ સાથે અને એ બુદ્ધિને રૂંધી લાગણીઓને જગાડે છે, પોષે છે, સબળ બનાવે છે. આથી આદર્શ રાજ્યમાં એનું સ્થાન હોવું ન ઘટે.