પરમ સમીપે/૯૬
૯૬
આ પૃથ્વીને તેં
આટલી સુંદર અને પ્રકાશિત બનાવી છે,
તે માટે પ્રભુ, હું તારો આભાર માનું છું.
અહીં પ્રકાશ અને વૈભવ અને આનંદ
અઢળકપણે રહેલા છે.
આર્દ્ર ભાવો અને આર્દ્ર કાર્યો અમને
એવાં તો ઘેરી રહેલાં છે કે
અંધારામાં અંધારા ખૂણે પણ
પ્રેમનો થોડોક અંશ તો મળી જ આવે.
તું જાણે છે પ્રભુ, કે
અમારાં હૃદય કેવાં નિર્બળ, વળગી પડે એવાં છે!
એટલે તો તેં અમને
મૃદુ ને સાચા આનંદો આપ્યા છે,
પણ તે બધાને પાંખો છે.
વળી એ માટે તો હું તારો
વધારે આભાર માનું છું કે
અમારા આનંદને પીડાનો સ્પર્શ થયેલો છે,
પ્રકાશથી ઝળહળતી વેળા પર છાયા પથરાય છે,
કાંટાઓ ભોંકાય છે,
અને આ એટલા માટે છે, કે
પૃથ્વીનો આનંદ અમારો માર્ગદર્શક બને,
અમને બાંધી રાખતી બેડી નહિ.
કઝાન સ્પિરિચ્યુઅલ (આભારદર્શન)