પરમ સમીપે/૬૦

૬૦

હે પરમ પ્રભુ,
અમારા વિચારોને એટલા ઉદાર કરો કે
બીજા માણસનું દૃષ્ટિબિંદુ અમે સમજી શકીએ.
અમારી લાગણીઓને એટલી મુક્ત કરો કે
બીજાઓ પ્રત્યે અમે તેને વહાવી શકીએ.
અમારા મનને એટલું સંવેદનશીલ કરો કે
બીજાઓ ક્યાં ઘવાય છે તે અમે જોઈ શકીએ.
અમારા હૃદયને એટલું ખુલ્લું કરો કે
બીજાઓનો પ્રેમ અમે ઝીલી શકીએ.
અમારા ચિત્તને એટલું વિશાળ કરો કે
પોતાના ને પારકાના ભેદથી ઉપર ઊઠી શકીએ.
હે પરમાત્મા,
અમારી દૃષ્ટિને એટલી ઉજ્જ્વળ કરો કે
જગતમાં રહેલાં તમારાં સૌંદર્યો ને સત્યો
અમે નીરખી શકીએ.
અમારી ચેતનાને એટલી સૂક્ષ્મ કરો કે
તમારા તરફથી અનેકવિધ રૂપમાં આવતા
સંકેતો પારખી શકીએ
અને તમારું માર્ગદર્શન પામી શકીએ.