પરમ સમીપે/૩૯
૩૯
હે પ્રભુ, મૃત્યુ લગીના હે માર્ગદર્શક,
તને મારી પ્રાર્થના છે કે,
તું અમને જ્યાં લઈ જાય ત્યાં અમે તને અનુસરીએ
એવી અમારા પર કૃપા કર.
અમારાં રોજિંદાં નાનાંમોટાં કાર્યોમાં તું અમને જોડે ત્યારે
તારી આજ્ઞામાં અમે અમારી ઇચ્છાને નમાવીએ
પીડા કે ઉશ્કેરણી વચ્ચે ધીરજ રાખીએ
વાણી અને વર્તનમાં અણિશુદ્ધ સચ્ચાઈ રાખીએ
નમ્રતા અને માયાળુતા દાખવીએ;
અને કર્તવ્ય અને પૂર્ણતાનાં મહાન કાર્યો માટે તું
અમને સાદ કરે,
તો અમને એટલા ઊંચા ઉઠાવ
કે અમે આત્મ-બલિદાન આપી શકીએ
વીરત્વભરી હિંમત દાખવી શકીએ
તારા સત્યને કાજે, કે કોઈ બંધુને કાજે,
પ્રાણાર્પણ કરી શકીએ.
સી. જી. રોઝેટી