પરમ સમીપે/૨૫

૨૫

હે નમ્રતાના સ્વામી,
ભંગીજનની રંક ઝૂંપડીના વાસી
ગંગા, બ્રહ્મપુત્ર અને જમુનાનાં જળથી સિંચિત
આ સુંદર ભૂમિમાં સર્વ સ્થળે તને શોધવામાં અમને મદદ કર.
અમને ગ્રહણશીલતા આપ, ખુલ્લું હૃદય આપ,
અમને તારી નમ્રતા આપ.
ભારતના લોકસમુદાય સાથે અમારી જાતને એકરૂપ કરવા માટે
શક્તિ અને તત્પરતા આપ.
હે ભગવાન,
માણસ પોતાને સંપૂર્ણપણે દીન અનુભવે
ત્યારે જ તું મદદ કરે છે.
અમને વરદાન આપ
કે સેવક અને મિત્ર તરીકે અમારે જે લોકોની
સેવા કરવાની છે, તેમનાથી ક્યારેય અમે અળગા
ન પડી જઈએ.
અમે મૂર્તિમંત આત્મસમર્પણ બનીએ
મૂર્તિમંત દિવ્યતા બનીએ
મૂર્તિમંત નમ્રતા બનીએ
જેથી આ દેશને વધુ સમજી શકીએ
અને વધુ ચાહી શકીએ.
મો. ક. ગાંધી