પરમ સમીપે/૧૬

૧૬

જગદંબા, હું મારી જાતને તારી કૃપા પર છોડું છું.
મને સતત તારા સ્મરણમાં રાખ.
ઇન્દ્રિયોનાં સુખો હું શોધતો નથી, મા!
શોધતો નથી કીર્તિ કે અલૌકિક શક્તિઓ,
હું તો કેવળ તારે માટેનો પ્રેમ માગું છું —
નિર્ભેળ પ્રેમ, ઇચ્છાથી ખરડાયા વિનાનો.
તેને દુન્યવી વસ્તુઓમાં કોઈ ભાગ જોઈતો નથી.
વળી હે મા,
તારો આ બાળ દુનિયાનાં પ્રલોભનોથી મોહાઈને
તને ભૂલી ન જાય, એવું કરજે.
સુવર્ણની કે વાસનાની મોહજાળ
મને કદી ખેંચી ન જાય, એવું કરજે.
મા, તું શું સમજતી નથી કે મારે
તારા સિવાય બીજું કોઈ નથી?
તારા નામનું ગાન કેમ કરવું તે હું જાણતો નથી.
મારામાં એ ભક્તિ કે જ્ઞાન નથી,
જે મને તારા ભણી દોરી જાય.
મારામાં સાવ સાચો પ્રેમ પણ નથી.
તારી અસીમ કૃપા વડે મારા પર એ પ્રેમ વરસાવ
એ હું માગું છું.
રામકૃષ્ણ પરમહંસ