નિરંજન ભગતના અનુવાદો/‘રોગશજ્જાય’ ૬

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ‘રોગશજ્જાય’ ૬


Niranjan Bhagat na Anuvado 3.png

ઓ મારી નાનકડી ચકલી!
ઓ મારી પહેલા પહોરની ચકલી!
જો હજુ આકાશમાંથી અંધારું તો ગયું નથી
ને હજી થોડીક ઊંઘ બાકી છે
ને તું મારી બારી પાસે આવીને ચીં ચીં ચીં ચીં કરી રહી છે
જાણે તું મને પૂછી રહી છે :
‘આજે કોઈ નવા સમાચાર છે કે?’
અને પછી કોઈ પણ કારણ વિના જ
તું મન ફાવે તેમ નાચી રહી છે
તું મન માને તેમ ચીં ચીં ચીં ચીં કરી રહી છે.
તારી નઠોર પૂંછડીને કશું નડતું નથી
સવારે જ્યારે દોયલ કચકચ કરતી હોય છે
ત્યારે કવિજન તો તેનાં જ વખાણ કરે છે
આખી સવારે જ્યારે કોયલ છાનીમાની કુહૂ કુહૂ કરતી હોય છે
ત્યારે કાલિદાસ બીજાં બધાં પંખીને અવગણીને
એકમાત્ર એની જ વાહ વાહ કરે છે.
તું કોઈનીય કેર કરતી નથી
તને ઊંચા કે નીચા કોઈ સ્વરની કશીય પરવા નથી
કાલિદાસના ઘરમાં પ્રવેશીને
તું તો છંદના બંધન વિના જ બસ ચીં ચીં ચીં ચીં જ કરતી હોય છે
નવરત્નની સભામાં કવિ જ્યારે ગાન કરે છે
ત્યારે સભાના તોરણ પર બેસીને તું કંઈક શોધતી હોય છે
કવિની પ્રિયતમાના ખોળામાં બેસીને
આખી સવાર તું કુદંકૂદા કરતી હોય છે
તારું આ નાટક કરીને
તું આવતી કાલની વસંતની ખુશામત કરતી નથી.
તું મન માને તેમ નાચતી હોય છે.
એમાં નથી કોઈ શિસ્ત કે નથી કોઈ તાલ
અરણ્યના ઉત્સવ-મંડપમાં પ્રવેશીને
તું એનું માનસન્માન કરતી નથી.


Niranjan Bhagat na Anuvado 4.png


પ્રકાશની સાથે તું મારી ગામઠી બોલીમાં જ ગુસપુસ કરતી હોય છે.
કોઈ ડીક્શનેરી એનો અર્થ સમજાવી શકતી નથી
એકમાત્ર તારું હૃદય જ એનો અર્થ સમજે છે.
ડાબે ને જમણે તારી ડોક ફરતી હોય છે
ભગવાન જાણે તું કઈ રમત રમતી હોય છે
ધરતી તને છાતીસરસી ચાંપે છે
એની ધૂળમાં તું નહાતી હોય છે
લઘરા જેવો તારો વેશ છે
એથી ધૂળ તને લાગતી નથી
એની શરમ પણ તને આવતી નથી.
રાજાના મહેલની અટારી પર તું તારો માળો બાંધે છે
ત્યાં પણ તું કારણ વિના સંતાકૂકડી રમતી હોય છે.
મારી દુઃખની રાત્રિ ઊંઘ વિના જ વીતી જાય છે.
ત્યારે હું આતુરતાથી તારી રાહ જોઉં છુ
મારા આંગણામાં તું તારા ચંચલ નિર્ભય હૃદયની વાણી સાથે આવ
જો, દિવસનો પ્રકાશ મને સાદ કરે છે.
ઓ મારી નાનકડી ચકલી.