ધ્વનિ/ફરી ફરી ફાગુન આયો રી
૨૭. ફરી ફરી ફાગુન આયો રી
ફરી ફરી ફાગુન આયો રી
મલય કેરે વાયરે વાયો
ફાગુન આયો રી!
મંજરીની ગંધ,
પેલા કિંશુકનો રંગ,
કોકિલ કેરો કંઠ
મને સહુનો લાગ્યો છંદ;
હોજી મારો જીવ લુભાયો રી!
દુનિયા કેરા ચોકમાં આજે
કોણ છોરી કોણ છેલ?
ગાનમાં ઘેલાં, રંગમાં રોળ્યાં
રમતાં રે અલબેલ!
આવી સુખ સુહાગન વેળ,
ચારિ ઓર લાલ ઉડાયો રી.
૧૧-૯-૪૮