ધ્વનિ/દૂરનો વસનારો ઓરો આયો રે
૩૮. દૂરનો વસનારો ઓરો આયો રે
દૂરનો વસનારો ઓરો આયો રે,
પરવાસી વીરા!
ઓરો તે થૈ અપને ઓળખાયો.
આલી લીલી છોડી તેં તો ઘરકેરી છાંયડી ને
પોતાનાંથી બનિયો તું પરાયો,
વગડાની વાટે તરુમાં, ફૂલમાં, જીવલોકમાંહીં
હૈયાને ધબકારે તું લહાયો રે. —પરવાસી.
દુનિયાના દવને ઠંડા દવથી તેં ઠારિયો ને
કાંટાને કાંટાથી બ્હાર આણ્યો,
ઘડી પળના રંગ સામે મીંચી દીધાં પોપચાં ને
અંધારાનો અંજવાસ માણ્યો રે. —પરવાસી.
મનખાનો બોજો જ્યારે શિરથી ઉતારિયો ને
હવાથી ય હલકો થ્યો સવાયો,
ઊંડાં અંકાશમાંહીં ઝંખાની જાહ્નવીને–
તીરે વણપાંખે તું ઊંચકાયો રે. —પરવાસી.
૨૮-૧-૪૬