ધ્વનિ/તને ‘મધુરયામિની’


તને ‘મધુર યામિની’

તને ‘મધુર યામિની' પ્રિય!
રજની વિપ્રલબ્ધા સમી
ઢળી'તી ઉરભગ્ન થૈ, ત્યહીં શી પાછલા પ્હોરમાં
સુધાકરથી જ ખીલી, ઉભયની લહી ખેલના
હસન્મુખ દડી જતી નભથી ઉત્તરાફાલ્ગુની.
ચલો, પ્રિય! અહીં ઘટે ન અવ આપણું થોભવું.
તને 'મધુર યામિની' પ્રિય!
મિલન ધન્ય આજે કશું!
નહીં વિગતનાં મીઠાં સ્મરણનાં, ન વા જેહને
વિમુગ્ધકર ભાવિની સ્વપન કુંજનાં ગુંજન...
તથૈવ મળવું કશું? ઉછળતી ઝીણી ઊર્મિઓ
પરસ્પર ભણી વહી સહજ, પ્રેમથી મંથર
બન્યાં હૃદયથી હવે સુલભ ના જવું, તે છતાં
તને 'મધુર યામિની' પ્રિય!
નયન કેરું આલિંગન,
વદાયતણી આ પળે ચરમ, કેવું ભીનું દૃઢ!
સુગંધ જ્યમ ફૂલમાંથી વહી ફૂલને છાવરી
રહે, પ્રણય આપણાં હૃદયને ય તેવો ગ્રહે.
ફરી કવણ દેશ-કાળમહીં મેળ? રે ભાવિથી
અજાણ, પણ આપણા અલગ માર્ગ માંહે કદિ
સ્મરીશું, સુખમાં ઝૂરીશું, ઈહ ભાન સાથેપ્રિય!
તને ‘મધુર યામિની'.
૧૬-૧-૪૪