ધૂળમાંની પગલીઓ/૧૦


૧૦

‘मासानां मार्गशीर्षोडहम्!’ – શ્રીકૃષ્ણે પ્રોઢ વયે આમ ભાખ્યું. દ્વારિકા પહોંચ્યા પછી; પરંતુ ગોકુળમાં રહીને, બાળકૃષ્ણ હતા ત્યારે જ ભાખવાનું હોત તો? કદાચ એ કહેત : ‘मासानाममहमश्विने:|’ ( - મહિનાઓમાં હું આસો છું.) બાળકોને ઉત્સવોભર્યો આસો જ ગમે ને! 'આસો માસો શરદપૂનમની રાત જો! ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં' – આ ગરબીએ અમર કરેલા આસો માસને કોઈ ભૂલે? આસોમાં નવરાત્રિ ને દશેરા, શરદપૂનમ ને દિવાળી. તહેવારો જ તહેવારો – નૃત્યગાનની રમઝટવાળા. ધરતી ખાઈપીને ફૂલીફાલી હોય, તાજીમાજી હોય ને એવાં જ કંઈક તાજા માજાં જીવન હોય ધરતીજાયાઓનાં. અષાઢ ને ભાદરવાનું મલિન ને મ્લાન આકાશ જોનારને આસોનું સ્વચ્છ આકાશ કંઈક વધારે વિશદ ને સાથે વિશાળ ને ઊંડેરું લાગે તો એમાં શી નવાઈ? અમને આસોનો ચંદ્રમાયે જરા વધારે તાજો ને વધારે ઊઘડેલો દેખાતો! ધરતીની લીલપ ને ચાંદનીની શીતળતા કોઈ નિગૂઢ રીતે પરસ્પરમાં ઓતપ્રોત થયેલાં પ્રતીત થતાં. આસો આવે ગર્ભદીપ સાથે ઘૂમતો ઘૂમતો. દીપ સાથે એનો સાદ્યંત ગાઢ નાતો. એટલા માટેય એને પેલા કવિ કાલિદાસને જે આપેલું તે 'દીપશિખા'નું બિરુદ આપવું જોઈએ ‘દીપશિખા' આસો! નવરાત્રિના તહેવારામાં તો બાળકોએ ઘેર ઘેર ઘૂમીને ઘી-તેલ ઉઘરાવ્યાં જ હોય. વળી પાછાં દિવાળીમાં તેઓ નીકળે :

‘આજ દિવાળી, કાલ દિવાળી
પરમે દહાડે સેવસુંવાળી
ચાંદામામા, ઘી પૂરો કે તેલ પૂરો.’

ને મેરૈયાં લઈ નીકળેલાં આ બાળકોને ઘી-તેલ આપીને ચાંદામામા થવાની તક કોઈ જતી કરે કે?! એક બાજુ ચંદ્રમાનો ઉજાસ ને બીજી બાજુ આ કોડિયાં ને મેરૈયાંનો ઉજાસ – મન તો આ બેય ઉજાસથી એવું તો તરબતર છે કે જે જરાક સ્મૃતિ સળવળતાં અંધકારમાંય એ પેલા ઉજાસની ઝાંય ઝમે. જેમ નવરાત્રિની માંડવડીની તેમ દશેરાનીચે ગામમાં બોલબાલા. અમારા દરબારગઢમાંથી દશેરાની સવારી નીકળે. સવારી નીકળવાની હોય બપોરના ત્રણચાર વાગ્યે, પણ તૈયારી વહેલી સવારથી થવા માંડે. દરબારનાં દસપંદર ઘોડાં. એમને ગામ વચ્ચેથી તબડક તબડક તળાવે લઈ જવામાં આવે. ત્યાં એમનો કાળજીભર્યો ખરેરો ને સ્નાનવિધિ ચાલે. એમને લીલું ઘાસ, ને ચંદી નીરવામાં આવે. એમની પીઠ પર ચડાવવા માટેનો જે સાજ હોય તેની પણ સફાઈ ચાલે. દરબારનાં ગાડાં-ડમણિયાંના પૈડાંમાં દિવેલની ચીંદરડીઓ નાખીને ઊંજણ થાય. બળદનાં શિંગડાં પર તેલ ચોળાય કે રંગ ચડાવાય. તલવાર, ભાલા, કટાર વગેરે હથીયારોનો કાટ ઉતારવામાં આવે ને બંદૂકો-તમંચાઓનીયે સંશુદ્ધિ ચાલે. અમારા દરબારના ગઢવી એમની મૂછોના વળ વધારે મજબૂત કરતા જતા હોય ને રાજસ્થાની મોજડીઓનેય ચમકતી કરતા હોય. કેટલાક સાફા માટે કાપડને ગડી પાડીને તૈયાર કરે તો કોઈ વળી સુરવાળ ને શેરવાણીને દશેરાના ટાણાસર ધોબી પાસે ' સ્પેશ્યિલ’ ધોવડાવે ને ઇસ્ત્રી કરાવે, કોઈ મિલિટરી-સૂટ સિવડાવે તો કોઈ નિશાન-ડંકા ને છડી–ચમરી વગેરે તૈયાર કરાવે. કોઈ કોઈ વળી નાઈની મદદથી રજગાડી કટે વાળ ને દાઢીમૂછની રોનક વધારવા પ્રયત્ન કરે. માત્ર દમયંતીના સ્વયંવરટાણે જ નહીં, આવા દશેરાટાણેય અનેકને વતાં કરાવતાં છર વાગતા. દશેરાની સવારે આખો દરબારગઢ સજધજ થઈને સૂર્યનારાયણના રથ પર ચડીને ધસમસાટ દોડવાને જાણે અધીરપ દાખવતો ન હોય! મળસકાની આલબેલ સાથે જ દરબારગઢના દરવાજે ઢોલ-પિપૂડાની જુગલબંધી શરૂ થઈ જાય. અમે બાળકોય નીંદરના પડખામાંથી ખસીને ઓટલે આવી જઈએ. દરમિયાન હરિજનવાસમાંથી કોઈ હીરિયા કે વીરિયો રણશિંગું લઈને આવી ગયો હોય. એ ગાલ ફુલાવી ફુલાવીને જ્યારે રણશિંગું વગાડે ત્યારે અમારા પગમાં જુસ્સાની ધમક આવી જતી. અમે સટપટ દાતણ કરીએ, બેચાર લોટા શરીર પર આમતેમ ઢોળીને ગોદાવરીકાવેરી કરી લઈએ, લુસલુસ પાંચપંદર કોળિયા પેટમાં પધરાવી દઈએ - પણ આ બધુંય પેલા ઢોલ-પિપૂડાના તાલમાં. અમે વહેલી તકે તૈયાર થઈને દરબારગઢના દરવાજે પહોંચી જતા અને દશેરાની સવારીની તૈયારીઓનું તલસ્પશીઁ નિરીક્ષણ શરૂ કરી દેતા. અમે ખાસ તો મોટાબાપુના ધોળા ઘોડાની મુલાકાત લેતા. એ ઘોડો પડછંદ હતો. આજે તો એની જે સરભરા થતી...! અમને થતું કે આજની દશેરાની સવારી પૂરતું ભગવાન અમનેય આવો ઘોડાનો અવતાર આપી દે તો તો વાહ વાહ! આ તો મોટા બાપુનો ઘોડો એટલે સરસ રીતે માલિશ કરાતું, નવડાવાય પણ વધુ કાળજીથી. એ પછી એના પગમાં ચાંદીની ઘૂધરિયાળી સાંકળીઓ ચડાવાતી. કોટમાં ચાંદીનો હાર. ચાંદીનો આખી પીઠને ઢાંકતો સાજ ને લગામ ચડાવાતાં. એ સાજ ચડાવાતાં પહેલાં ને પછી તેની પાંચપંદર વાર ' ટ્રાયલ' - અજમાયશ પણ થઈ જતી. એ ઘોડાની દેખભાળ કરનારો અમારો જે મીરિયો, એનો તો આજે મિજાજ ને રુઆબ જ કંઈ જુદો હોય. ધોયેલો ઇસ્ત્રીવાળો મિલિટરીનો પોશાક એણે ચડાવ્યો હોય. માથે ખાખી કાપડનો સાફો. બંધ ગળાનો પિત્તળનાં ચમકતાં બોરિયાંવાળો ખાખી શિકારી-કોટ ને ઇજાર. ઢીંચણ સુધી ચામડાના કવરવાળા દમામદાર બૂટ ને કમ્મરે પિત્તળના ચમકતા બકલવાળો પહોળો લાલ ચામડાનો મજબૂત પટ્ટો. છાતીએ દરબારસાહેબે વારતહેવારે આપેલા પાંચસાત ચાંદીનાં ચકતાંયે લટકાવ્યાં હોય ને સાથે કારતૂસને પટોય તે. કાળી અણીદાર વળવાળી મૂછો. સુરમો આંજેલી ધારદાર આંખો ને કરડાકીભર્યો શિસ્તે સજેલે ચહેરો. રોજનો અમારો મીરિયો આજે તો મીરખાન જ. ને તેમાંય એ જ્યારે બાપુના આ શ્વેત ઘોડાને પલાણે ત્યારે? તે પાંચ-પંદર વાર તો ઘોડાને દરબારગઢના દરવાજેથી ગામમાં, મંદિર ને બજાર સુધી અમથો અમથો દોડાવે. ઘોડાને બે પગે અધ્ધર કરે ને ઘુમાવે. ક્યારેક તો અમને બાળકોનેય વહેમ જતો કે ઘોડા કરતાં એનો સવાર જ વધારે તોફાની છે. મીરખાન અમથો અમથો હવામાં ચાબુક ચલાવતો ને એમાંય જ્યારે ગામની સરખી સાહેલીઓનાં ટોળાં એને જોતાં હોય ત્યારે બાપુના ઘોડા કરતાં એના મનનો ઘોડો જ વધુ બેલગામ થતો લાગે! આ દશેરાના નિમિત્તે અમારા ગામના રામજી મંદિરના બાવાજી પણ પધારે. એમના વિશે અનેક ઉત્તેજક કિંવદન્તીઓ અમારામાં ચાલતી. બાવાજીને જોતાં જ લાગે કે એમનો મુખ્ય રસ બુદ્ધિ કરતાં શરીર કસવાનો હશે. રામજીની ભક્તિ કરતાં પોતાની શક્તિનું માહાત્મ્ય સ્થાપવા-પ્રચારવામાં એમને વધુ રસ હશે એમ કોઈને થાય. જોકે એમનાં સ્મૃતિ ને બુદ્ધિ બંનેય સતેજ હતાં તે એવો જ તેજ હતો એમનો મિજાજ. એકાદ શિષ્યનો, ગુસ્સે થતાં, છુટ્ટો ધોકો મારીને હાથ તોડેલો એવી વાત અમારા કાન સુધી પહોંચેલી. આ બાવાજી પોતાની લૂંગી તથા ઉપરણો સફેદ રાખતા. એ માટેના કાપડની એમની પસંદગી દાદ માગી લે એવી હતી. એ વસ્ત્રોમાંથી એમના કસરતી દેહની સૌષ્ઠવ-રેખાઓ આકર્ષક રીતે પ્રગટ થતી ને છતાંય મર્યાદાયે સચવાયેલી લાગતી. આ બાવાજીનો ચહેરો મૂળેય તેજસ્વી હતો ને તેલથી ચમકતી ને સરસ રીતે સમારેલી જટાને કારણે વધુ તેજસ્વી લાગતો. આ બાવાજી અમારા દરબારસાહેબના ગુરુજી હતા અને એથી એમની હાજરીનો અમુક ચોક્કસ પ્રભાવ હતો. દશેરાની સવારીમાં જોટાળી સાથે એ જોડાતા ત્યારે સવારીની રોનક વધતી જ. આ દશેરાટાણે એકાદ બૅન્ડને પણ બાપુ બોલાવતા. ત્રણ-ચાર ગામના ઢોલ-પિપૂડીવાળા તો હોય જ. બૅન્ડ જ્યારે વાગતું ત્યારે અમારા ગામઠી ઢોલ-પિપૂડીવાળા બિચારા ઝંખવાયેલા - નિમાણા હોય એમ શાંત પડી જતા; દરબાર-સાહેબના પાળેલા કોઈ વિદેશી કૂતરા આગળ અમારું ગામનું કૂતરું ડઘાઈને જેવું શાંત પડી જાય તેમ જ. પણ પછી આ ગામડિયા ઢોલ-પિપૂડીવાળાને દયાદાનની રીતે જ્યારે એમની કળા દેખાડવાનો અવકાશ મળતો ત્યારે તેઓ જાણે જીવ પર આવીને વગાડતા ને નાચતા. આ ઢોલીવાળાઓમાં અમારા ગામના ભીખા રાવળિયાની વળી વાત જ જુદી હતી. એ તો બેન્ડવાળાયનેય ઝાંખા પાડે એવો. સ્ત્રીનાં (અમે એ માટે ' રંડી' શબ્દ જ વાપરતા – રંડીનાં ) કપડાં લગાવીને ફૂમતાળા ઢોલને હવામાં લલિત રીતે ગોળ ઘુમાવતો જે રમઝટ ચલાવતો એની તો મજા જ અનોખી. એ ભીખો સોહામણો જુવાન હતો. ધારાળા-બારૈયા કોમમાં એની ભારે બોલબાલા. થાક્યા વિના આખી રાત ઢોલ ઢબૂકતો રાખે; ને જાનડીઓ સાથે નાચે-ઘૂમે. એના ઢોલના જાદુએ કંઈક જાનડીઓનાં મન એણે જીતેલાં. આડે દહાડેય ગળે લાલ રૂમાલ ભરાવી, કાનમાં અત્તરનું પૂમડું નાખી ને મોઢામાં પાન જમાવી તે બજારમાંથી નીકળતો ત્યારે તેને કોઈક ટીખળખોર તરુણી તો મળતી જ, જે ઘૂમટામાંથી આંખ નચાવતી એને ટપારતી હોય, 'કાં ભીખાભાઈ, આમ એકલા એકલા જ પાન ખાશે કે?' ને ત્યારે આપણા આ ભીખલાભાઈના કાળા પહેરણના ખિસ્સામાં દોરે બાંધેલા પડીકામાં બીજુ પાન આવી તીખી તરુણીને નજાકતથી આપવા માટે હોય જ. આ તો કંઈ નહીં, આથીયે ચડિયાતી ભીખાભાઈની કંઈક રસિકલીલાના અમે સ્વનિયુક્ત-(સેલ્ફ-ઍપોઈન્ટેડ) સાક્ષી થઈ ચૂક્યા હતા. વળી દરબારસાહેબનો ‘મૂડ' હોય તો દશેરાટાણે સવારી દરમિયાન ફોડવાને થોડું દારૂખાનુંયે વડોદરેથી આવતું ને ત્યારે અમે દારૂખાનું ફોડનારની પૂઠે પૂઠે જ ચાલવાની ખાસ કાળજી લેતા. અમે દરબારી અમલદારોનાં સંતાન, એટલે બેચાર ટેટા કે કોઠી જેવું દારૂખાનું, ફોડનારના દલમાં જો રામ ઊતરે તો, અમારા હાથમાંયે આવી પડતું ને અમેય આ સવારીમાં એ ફોડવાનો વ્યક્તિગત કાર્યક્રમ દરબારસાહેબની મંજૂરી વિના ઘુસાડી દેતા. આ દશેરાની સવારીમાં ગામ આખું જોડાતું. દરબારનું હટાણું જ્યાંથી થતું એ કોઠારીયે ખરા. એ કોઠારી દેખાવે સુદામા જેવા. બારે મહિના ને બારે માસ ઢીંચણ સુધીના પંચિયાભેર જ રહેતા. બહુ ઠંડી કે વરસાદ હોય ને જાડી પછેડી ઓઢે તો માફ. બાકી પોતાને પહેરવાનું એકેય અંગરખું જ નહીં. જરૂર પડ્યે પોતાના છોકરા-છૈયાનાં ફૅશનેબલ ખમીસ પોતે ચડાવીને દરબારસાહેબની સેવામાં હાજર થાય. એમની કંજૂસાઈની ખ્યાતિ હતી અને તેનો એમને જરાય વાંધો કે રંજ નહોતો. આ કોઠારીકાકા તેલવાળી ને આકાર છતાં આકાર વિનાની લાગે એવી કાળા જેવી લાગતી ટોપી માથે કોઈક રીતે ગોઠવીને આ સવારીમાં જોડાઈ જતા. એમની એ ટોપીને સવારી દરમિયાન ચારપાંચ વાર તો કોઈના ટીખળે ભૂમિસ્પર્શ કરવાનો થતો જ. કેટલાકને તો રોજ કંગાળ વેશમાં, ઉઘાડે માથે કે ધોળી, કાળી કે કાશ્મીરી ટોપીમાં જોયા હોય ને તેઓ આજે દશેરામાં પૂરા રજપૂતી લેબાસમાં હાજર હોય. સુરવાળ, શેરવાણી, ને માથે સાફો કોઈ કોઈ તો બાપડા સાવ ઘસાઈ ગયેલા હોય; દરબારના ટેકાએ જીવતા હોય ને માંડ જમા-ઉધારનાં બે પાસાં સરખાં કરતા હોય. તેઓ દશેરાના ટાણે ગોદડા નીચે દબાવીને ગડી પાડેલાં કંઈક જૂનાં જર્જર પણ રજવાડી શૈલીનાં કપડાં ચડાવે ને માથે પત્નીના જ એકાદ સાડલાનો સાફો બાંધે ત્યારે એમનો એ લેબાસ જાણે આનંદનો નહીં પણ કોઈ મજબૂરીનો આઘાતપ્રેરક દેખાવ રજૂ કરતો હોય એવી લાગણી થતી. દશેરાની સવારી નીકળવાની થતી ત્યારે દરબારમાં રાજગોર દ્વારા કેટલેક ધાર્મિકવિધિ થતો. શ્લોકો બોલાતા. રાવણ પર વિજય મેળવવા રામચંદ્રજીએ વિજય આરંભેલો તેનું પવિત્ર સ્મરણ થતું. દરબારસાહેબનો ચોપદાર મોટેથી છડી પોકારતો. ગઢવી દરબારસાહેબની પ્રશંસાના છંદ ઉચ્ચારતા. બંદૂકના ને પછી દારૂખાનાના ભડાકા થતા; રણશિંગું વાગતું ને દરબારના મુખ્ય દરવાજેથી દશેરાની સવારીનું મંગલ પ્રસ્થાન થતું. સૌ આગળ બહારગામથી તેડાવેલ ઘૂઘરિયાળી સાંઢણી પર નિશાનડંકા રહેતા. એ પછી દારૂખાનાવાળા. પછી બૅન્ડ ને ઢોલીવાળા, પછી ઘોડાઓની પલટણ. એમાં ગામના છોગાળા જવાનોનાય ઘોડલા સામેલ થતા. એ પછી રામજીમંદિરમાં બાવાઓની જમાત આવી હોય તો એ. પછી દરબાર ને ગામના આગેવાન માણસો, એમની વચ્ચે શ્વેત અશ્વ પર બાપુ ને બીજા કેટલાક અશ્વો પર નાના બાપુ ને બીજા બેત્રણ વડીલો. એ પછી ગાડાં-ડમણિયાં વગેરે. અમારી ટોળીનું સ્થાન સવારીમાં સર્વત્ર હોય. ક્યારેક દારૂખાનું ફૂટતું હોય તો સવારીમાં આગળ હોઈએ ને બાવાઓની જમાત અખાડાના ખેલ કરે ત્યારે સવારીમાં વચ્ચે હોઈએ. બાવાઓ તલવારથી લીંબુનાં ફાડિયાં કરવાની કે ખીલાવાળી પથારી પર સૂવાની અને એવી બીજી ખેલબાજી કરતા ત્યારે અમને તે જોવાની ખૂબ મજા આવતી; અને એથીયે વધુ મજા એમણે કરેલાં લીંબુનાં ફાડિયાંને શોધીને, સાફ કરી, મોંમાં મૂકીને ચૂસવાની આવતી! આ સવારી ગામ વીંધીને ભાગોળ બહાર જ્યાં શમીનું ઝાડ હતું ત્યાં પહોંચતી. ત્યાં શમીવૃક્ષનું પૂજન થતું. પ્રસાદ વહેંચાતો. સવારીમાં આવેલા અનેક જણ શમીના વૃક્ષનાં પાન તોડીને ખિસ્સામાં રાખતા. એ અંગે પૂછતાં અમને જાણવા મળ્યું કે આ શમીનાં પાંદડાં તો સોનું લેખાય. વળી કોઈકે એમ પણ સમજાવ્યું કે આ પાંદડાં સાચવીને રાખીએ તો એમાંથી સોનું થાય. એ પછી અમે જરાય કસર કર્યા વિના શમીનાં ઠીક ઠીક પાંદડાં તોડીને ખિસ્સે ભર્યાં. મહિનાઓ સુધી સાચવ્યાં પણ શુષ્કતાની પીળાશ સિવાય બીજી કોઈ પીળાશ – ખાસ તો અપેક્ષિત સુવર્ણની પીળાશ તો ન જ આવી. ‘અમને કોઈએ બનાવ્યા' એવી તીવ્ર લાગણી થઈ ને તેથી 'બીજી વાર શમીવૃક્ષના પૂજન માટે અમે ગયા ત્યારે પાછા ફરતાં પેલા શમીવૃક્ષને અમે ગુસ્સાથી કોઈ ન જુએ એમ બેપાંચ પાદપ્રહાર પણ કરીને આવેલા. સારું હતું કે શમીવૃક્ષ આસોપાલવનું વૃક્ષ નહોતું ને અમારા પાદ પદ્મિનીના પાદ નહોતા, નહીંતર તો પાદપ્રહારે ફૂલ જ ફૂટત ને! આ દશેરાની સવારીની વાત આવતાં અમારા ગામથી ત્રીસ-ચાલીસ માઈલ દૂર આવેલા વડોદરામાં ગાયકવાડ મહારાજની દશેરાની રોનકદાર સવારી નીકળતી – એની અનેક મસાલેદાર વાતો એ સવારી જોઈ આવેલા ભાગ્યશાળીજનો કરતા. અમે કોઈ જાદુઈ રંગીન ચિત્રપટ્ટી જતા હોઈએ એમ એમના આંખે દેખ્યા અહેવાલમાંથી ઊપસતા સવારીના ચિત્રને કલ્પનાચક્ષુથી જોઈ રહેતા. દરબારસાહેબ પણ વડોદરાની સવારીવાળી વાત મૂંગા મૂંગા સાંભળી રહેતા; પણ ત્યાં જ મીરખાન જેવા કોઈક બોલી ઊઠતા, 'બાપુસાહેબ, બધી વાત ખરી; સોના-રૂપાની ગાડીઓ, હાથી ને અંબાડીઓ, આ બધુંયે ખરું; પણ મને આ પચાસ થયાં. આપનો આ ઘોડો છે ને, એવો ઘોડો તો મેં ગાયકવાડબાપુની માઈલેક લાંબી સવારીમાંયે જોયો નથી.' ને આ સાંભળતાં બાપુના ચહેરા પર પ્રસન્નતાનું નૂર સ્ફુરી રહેતું. જોકે કોઈ એવો અવળચંડો ત્યાં હતો નહીં એ સારું હતું, જે કદાચ મીરિયાને પૂછત કે 'એલા, તું અહીં વરસોથી બાપુના ઘોડાની સેવામાં પડેલો, તે કઈ દશેરાએ કયા રૂપે વડોદરા પહોંચેલો એ તો ચોખવટથી કહે!' આ સવારી પૂરી થાય પછી પણ ગામમાં તેની ચારપાંચ દહાડા હવા બની રહેતી. અમે છોકરાઓ રામજી મંદિરે જમાત ઊતરી હોય તો તેના દર્શને જતા. વીસ-પચીસ બાવાઓની આ જમાતમાં વૈવિધ્યનો તો પાર નહીં. રાખથી ચોળેલાં શરીર, લાંબી જટાઓ, વિચિત્ર વળાંકોવાળી લાકડીઓ, ચીપિયા, તલવાર, ભાલા, ફરસી, બરછી, ત્રિશૂળ ને એવાં એવાં અનેક હથિયારો. એકાદ હાથી એમના પડાવ આગળ ઝાડને બાંધેલો ઝૂલતો હોય ને તે સાથે એમની ધૂણીનું લાકડુંયે રાતદિવસ અવિરત ધધખતું હોય. આ બાવાઓમાંથી કોઈ આડા પડયા હોય, કોઈ ચોપાઈ ગાતા હોય, કોઈ ચચ્ચામમ્મા સમાણી ગાળો કાઢતા હોય, કોઈ પોતાની ભગવી ડગલી સાંધતા હોય તો કોઈ માળાના મણકા આંગળી પર દોડાવતા હોય. કોઈ પોતાની લાંબી જટાને રાખ ચોળી ચોળીને વળ દેતા હોય તો કોઈ શરીર પરના રુદ્રાક્ષના બેરખા ને માળાઓ ઠીકઠાક કરતા હોય. કોઈ ગેરુચંદનથી શ્રીમુખને શણગારતા હોય તો કોઈ ચીપિયાથી ધૂણીની આગ સંકોરતા હોય. એક અનોખું ચિત્ર એ હતું. અમને આ બાવાજીઓ વિશે ભય ને કૌતુક બંનેય હતાં. આ બાવાઓ છોકરાઓને પકડી જાય છે એવી પણ વાત અમને ઠસાવવામાં આવેલી. તેથી અમે શક્ય તેટલી સાવધાની સાથે જ એમને મળતા; એકલદોકલ તો નહીં જ. અમે જ્યારે આ જમાતના દર્શને જતા ત્યારે અમે અમારો ઠીક ઠીક સમય હાથીના વૈજ્ઞાનિક અવલોકનમાં આપતા. હાથી કેમ બેસે છે, ઊઠે છે, કેમ સૂંઢથી ઝીણામાં ઝીણી વસ્તુ પકડે છે, કેવી રીતે પૂંછડી હલાવે છે ને કેવી રીતે ખાય છે - આ બધું અમે બારીકીથી જોતા. અમારી આ નિરીક્ષણશક્તિ જોઈને અમને જો સમયસર યોગ્ય માર્ગદર્શન મળ્યું હોત તો આજે અમે મહાન પ્રાણીશાસ્ત્રી હોત; પરંતુ ખેર, ગુજરાત ને ભારતના નસીબમાં એ નહીં, એટલે અમે આ સ્મરણે માત્ર લખનારા થયા. અમને બાળકોને એ હાથી પર બેસવાનુંચે ઘણું મન થતું ને એક વાર એક બાવાએ મને એના પર બેસાડવાની તૈયારીયે બતાવેલી, પણ ત્યારે હું ભારેનો ડરી ગયેલા ને મેં અમળાઈને ના પાડેલી. હું કહું છું, આ ડર તે કેવી ચીજ છે? જાણે આપણી અંદરની છૂપી ઊધઈ જ! જેનામાં એ પેઠો હોય છે તેને અંદરથી કોરી ખાય છે, એને નિર્માલ્ય કરી દે છે. માણસ સડેલા લાકડા જેવો બની રહે છે - કોઈ જવાબદારી, કોઈ ભાર - કોઈ મોભ એ વેંઢારી શકતો નથી. ડર એ રીતે પૌરુષઘ્ન છે. ડરની પાછળ કેટલીક વાર વધુ પડતી આત્મરતિ કારણભૂત હોય છે. આવી આત્મરતિ મારામાં હશે? હું ઘણી વાર મૂંઝાઉં છું ત્યારે ચિઠ્ઠી ઉપાડીને મારી જાતને ગંભીરમાં ગંભીર પરિસ્થિતિમાં પણ કુદરતને હવાલે કરતાં જરા પણ ખમચાતો નથી. 'કમ વોટ મે'ના જુસ્સાથી ત્યારે ચાલતો હોઉં છું. દરિયામાં મારી નાવને પવન જે રીતે ધકેલે એ રીતે ધકેલાવામાં ક્યારેક મને ઊંડી નિરાંત અનુભવાય છે. મને પોતાને ડૂબવાની બીક, તેનેયે ક્યારેક દૃઢતાથી અવહેલી શકું છું; પરંતુ મારા કારણે કોઈક ડૂબશે એ ભય-ચિંતા હું સહેલાઇથી અવહેલી શકતો નથી અને એની જ આધિ મને સવિશેષ વ્યગ્ર કરે છે, મને પાછો પાડી દે છે; મારી મોંઘેરી મિરાત જેવી મોકળાશને એ હરી લે છે. અવારનવાર એવું બન્યું છે કે ઊડવાની વૃત્તિ, શક્તિ ને અવકાશ છતાં હું ઊડતાં ઊડતાં અધવચ્ચ પાછો પડયો હોઉં. કોઈ અજ્ઞાત ભય મારી પાંખોને એકાએક અટકાવી દે છે. વધુ પડતા વિચારો – ખાસ તો ભયપ્રેરિત આત્મરક્ષાના - મારા અંદરના ઝરણાની ગતિને જાણે નહેરની ગતિમાં ફેરવી નાખે છે. આમાંથી મારે કેમ ઊગરવું? આટલાં વરસેય એની જડીબુટ્ટી હાથ લાગી નથી, જડીબુટ્ટીનું જ્ઞાન તો ઘણું મળ્યું; પણ એ શું કરવાનું? સુદામાની પત્ની સાથે મારેય કહેવાનું : ‘એ જ્ઞાન મને ગમતું નથી ઋષિરાયજી રે.’