ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/હાઈકુ — સ્નેહરશ્મિ
સ્નેહરશ્મિ
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
(૧)
ઝાપટું વર્ષી
શમ્યું; વેરાયો ચંદ્ર
ભીનાં ઘાસમાં
(૨)
ફરતી પીંછી
અંધકારની : દીપ
નહીં રંગાય
(3)
નવવધૂએ
દીપ હોલવ્યો : રાત
રૂપની વેલ
(૪)
રાત અંધારી:
તેજ-તરાપે તરે
નગરી નાની
(૫)
હિરોશીમાની
રજ લઈ જનમાં
ઘૂમે વસન્ત !
(૬)
શાન્ત જળમાં
પ્રતિબિંબ, ફૂલનું
જુએ યૌવના
(૭)
ભરું પાણીડાં
સવા લાખની મારી
ચૂંદડી કોરી
- સ્નેહરશ્મિ
સત્તર અક્ષરમાં અઢાર વાત તો ક્યાંથી થાય ? માંડીને વાત કરવી હોય તો આખ્યાન લખવું, છાંડીને વાત કરતાં આવડે તો હાઈકુ. ભાવક પર ભરોસો ન હોય તેણે હાઈકુના ધંધામાં પડવું નહિ. હાઈકુ એટલે શું? ત્રિપગી ચમત્કૃતિ? સત્તરાક્ષરી ઉખાણું ? પંદરમી સદીમાં સોકાને લખ્યું,
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
મૂકી શકાય
ચન્દ્રે દાંડી તો પંખો
ફૂટડો થાય
ચાલો, પંખો તો થયો, પણ કવિતા ? સ્નેહરશ્મિનાં હાઈકુ વાંચીએ. ઝાપટું શમી ગયું છે. ઘાસની કેડે બાઝેલું એક બચુકડું ટીપું ઊંચે જુએ છે ને મલકાય છે. ચાંદીનું ચૂર્ણ ચમકતું ચારેકોર. જાણે મોતી વેરાણાં ચોકમાં –
સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે
હું નથી માનતો, આ ચન્દ્ર તો ગપોડી છે.
રાત પડી; અંધકારનો ખડિયો ખૂલ્યો; આકારો ઓગળ્યા નિરાકારમાં; ગોરી ધેનુ, લીલા કદંબ અને જામલી મોરપિચ્છ હવે શ્યામમય થયાં. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
અલકમલક સીમને છેડે
વડની તળે જલમાં કાળી શાહીનું ટીપું ભળે
(મણિલાલ દેસાઈ)
ફરતી પીંછી અંધકારની. પણ જ્યોતિનો સ્વભાવ જ અડવો. તિમિરોના સ્નેહસંમેલનમાં ભળી ન શકે. જમાનાના રંગે બધાં રંગાતાં નથી. અડાબીડ અન્યાયો વચ્ચેય કેટલાંક ઉજ્જ્વળ રહી શકે છે. અંધકાર સામે પ્રકાશની પટાબાજી ખેલતો દીપક નવોઢાની પહેલી જ ફૂંકે પરાસ્ત થઈ જાય છે અને જાગી જાય છે રાતનું રૂપ. ‘શું કોઈ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે?’ દીવો હોલવીને કવિ કલ્પનાને સંકોરી મૂકે છે. રાતને સમે હિલ સ્ટેશનેથી ઊતરતાં ઊતરતાં તળેટીના કાળા જળમાં તેજનો તરાપો તરતો દેખાય છે. આ તે કઈ નગરી ? ને આ નગરીમાં ‘ન’ ‘ત’ ‘૨’ ની કેવી નવતર ‘વર્ણ’વ્યવસ્થા ! હિરોશીમા ને નાગાસાકીમાં શું મહોરી શકે, સિવાય કે અસ્થિફૂલો ? પરંતુ બસંતીબાઈ તો બડી બેશરમ નીકળી. મૈયતમાં આવીને મહોબ્બતનાં ગાણાં ગાઈ ગઈ! ભસ્મને ગુલાલવત્ ઉડાડતી ચાલી ! ‘વનમાં ઘૂમે વસંત’ લખી ‘વ’નો વાણીવ્યાપાર કરવો સહેલો હતો, પરંતુ કવિએ વસંતને વનમાં નહિ, જનમાં ઘુમેડાવી. પહેલા ચરણમાં પંચાક્ષરી શબ્દ પછી બે-ત્રણ અક્ષરના શબ્દો ઉપરાઉપરી આવીને વાયરાને વેગ આપે છે. કુદરતે કોની સાડીબાર રાખી છે? કરમચંદ ગાંધીના છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે પડખેના જ ખંડમાં પુત્ર મોહનની રતિક્રીડા ચાલતી હતી. રાજા ઓડિસિયસના સાથીદારોને ટાપુ પરનો દૈત્ય કાચા ને કાચા ખાઈ ગયો તે રાત્રે વહાણ પર રાજાએ અને તેના રસાલાએ શું કર્યું ? તો કે’ રડ્યા, કકળ્યા, પણ પછી ભરપેટ જમીને ઘસઘસાટ સૂતા. મોત તો છે જ. સાથે ખાવું-પીવું, નાહવું-ચાહવું, બધું છે. બુલડોઝર ફરી વળેલી બસ્તી પર બુલબુલો ગાય છે, કબર ફરતે કુંડાળું લઈ પતંગિયાં ગરબે રમે છે. આ હાઈકુને શીર્ષક આપી શકાય : વસંતવિજય. છઠ્ઠા હાઈકુની યુવતી પુષ્પવત્ સુંદર છે, તેનું ચિત્ત જળવત્ શાંત. પુષ્પ દેખી તેને ચૂંટવાનું મન પહેલું થાય, સરવર દેખી કાંકરી નાખવાનું. આખી પરિસ્થિતિ કાચના કાચા વાસણ જેવી છે. ફૂલનું પ્રતિબિંબ જોતી યુવતીને ક્યાંથી ખબર કે બિમ્બ એ પોતે જ છે? આપણે કદીક ફૂલ તરફ, કદીક પ્રતિબિંબ તરફ, કદીક યુવતી તરફ જોતાં રહેવામાં શ્વાસ લેવું ભૂલી જઈએ છીએ. આશાના આભલે ટંકાઈ, મનોરથના મોરલે ચિતરાઈ, પછી કુંવારિકાની ચૂંદડી કાં ન હોય સવા લાખની ? પાણિયારેથી આવતી બાળા શૃંગારરસનું વહન કરી રહી છે, પાન નહિ, એટલે તરસી જ છે. સંત અને કવિમાં આટલો ફેર. એક ચુનરિયા કોરી રાખવા માગે, બીજો રસછાંટણે ભીંજવવા. કોક વાર એક જ પનઘટ પે સરખેસરખી બે સૈયરો પાણીડાં સાથે સીંચતી હોય. સરખાવો:
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
સોળ વરસની છોરી,
સરવરિયેથી જળને ભરતી
તોયે એની મટકી રહેતી કોરી
(પ્રિયકાંત મણિયાર)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ***