ગિરીશ ભટ્ટની વાર્તાઓ/સંપાદકનો પરિચય


સંપાદકનો પરિચય

મણિલાલ હ. પટેલ જન્મઃ ૦૯/૧૧/૧૯૪૯ ગોલાના પાલ્લા, લુણાવાડા જિલ્લો મહીસાગર. બા વગરના કુટુંબમાં, અભાવોની વચ્ચે વતનમાં ને મધવાસમાં શિક્ષણ લીધું. મોડાસા કોલેજમાં આચાર્યશ્રી ધીરુભાઈનાં પ્રેમ-કાળજી તથા માર્ગદર્શનમાં તૈયાર થયા-ઘડાયા. ‘ગુજરાતી કવિતામાં પ્રેમનિરૂપણ' શોધ-નિબંધ પ્રકાશિત કર્યો. ૧૯૭૩ થી ૧૯૮૭ ઇડર કૉલેજમાં અને ૧૯૮૭ થી ૨૦૧૨ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં અધ્યાપન કરાવ્યું. અનેક છાત્રો તૈયાર કર્યાં. ઉત્તમ અધ્યાપક તથા લોકપ્રિય વક્તા તથા સર્જક વિવેચક તરીકે એમને બધા ઓળખે છે. આ સંદર્ભે એમને ૨૦૧૯નો ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાયો છે. કવિતા-વાર્તા-નવલ-નિબંધ-વિવેચનનાં ૭૨ થી વધુ પુસ્તકો અને ૩૫ જેટલાં સંપાદનો આપ્યાં છે. એમનાં સુખ્યાત પુસ્તકો છેઃ માટી અને મેઘ, રાતવાસો, ભૂંસાતાં ગ્રામચિત્રો, માટીવટો, ધૂળમાં ઊડતો મેવાડ, અંધારું, લલિતા, અંજળ, તરસી માટી, તરસ્યા મલકનો મેઘ, સર્જક રાવજી, કથા અને કલા, કર્તા અને કૃતિ, તોરણમાળ, ગામવટો, સાતમી ઋતુ ! એમને ૩૦ થી વધુ પરેતોષિક મળ્યાં છે. બે વાર તેઓ રાજ્ય સરકાર દ્વારા સન્માનિત થયા છે. નર્મદ ચંદ્રક, ધનજી કાનજી સુવર્ણચંદ્રક, સુરેશ જોષી નિબંધ પારિતોષિક, જોસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર, ઉમાશંકર જોશી વાર્તા પુરસ્કાર, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિકઃ પરિષદનાં ૭, અકાદમીનાં ૫ પારિતોષિક! દેશવિદેશમાં કાવ્યપઠન ઉપરાંત સેંકડો વ્યાખ્યાનો આપ્યાં છે. અનેક સંપાદનોમાં એમના લેખો તથા એમની રચનાઓ સ્થાન પામ્યાં છે.