કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/સીમાડા

૪૧. સીમાડા

હૈયાના બારણાની ભોગળો ભેદવી,
ઉંબર સીમાડો ઓળંગવો જી.
અજવાળી રાતડીએ શેરીઓ છોડીને
ચોક ને ચૌટામાં ભમવું જી.
વહેલે પરોડિયે કૂકડો બોલાવે
ગામના સીમાડા એ છોડવા જી.
કપાસકાલાંનાં ખેતરો ખૂંદતાં
ઊંડા તે વનમાં ચાલવું જી.
વનના સીમાડાએ છોડવા છે મારે
રણની વાટડીએ દાઝવું જી.
રણની તે રેતીમાં ભૂલા પડીને
સાગરને સીમાડે પહોંચવું જી.
સાતે સાગરને ખૂંદી વળીને
ધ્રુવનું નિશાન મારે ધરવું જી.
ધરણી સીમાડા એ છોડવા છે મારે
ઊંચા ગગનમાં જાવું જી.
પહેલો સીમાડો આ હૈયાનો છોડવે
એને આપું ભવોભવની પ્રીતડી જી.

૫-૩-૧૯૪૧(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૨૫૩)