કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/મરણોન્મુખ બોદલેરને

૯. મરણોન્મુખ બોદલેરને

તું પૃથ્વીએ વિહરતો નભનો પ્રવાસી!
સંશુદ્ધ કિલ્બિષ પદચ્યુત દેવદૂત!
દુઃખો દમે, સુખ કઠે, અસહાય તોયે
આનંદ–ક્રંદન–વિષાદ–નિમગ્ન યોગી.
આત્માનુતાપ થકી દેહ ઉજાળતો, ને
ત્વદ્દેહ મીણ સમ બાળી ઉજાળતો તું
આત્મા; અને ઉભયનાં તપનો મહીં તેં
પીધાં વિષો જીવનનાં અમૃતો ગણીને.

૨૦-૨-૧૯૪૨ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૮)