કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/પેગાસસ
૧૦. પેગાસસ
રે એક માત્ર પદઘાતથી માર્ગ કાઢી
લાવે રસાતળ પ્રદેશનું વારિ પીવા,
પાતો સહુ ય કવિ-સર્જકને જલો એ.
રે અશ્વમેધ હય તું, તુજ સાથ પૃથ્વી–
પાટે ફરે, જય ધજા ફરકાવતો તે
સમ્રાટ કવિ પૃથિવીનો નહિ કેમ થાય?
એકી ફલંગ થકી ઇન્દ્રધનુ કુદાવી
જ્યોતિષ્પથે ગતિ કરે નિજ પાંખ ખોલી
દિક્ કાલની સીમ પરે લઈને કવિને
શીર્ષે ધરે મુકુટ તું ભુવન ત્રણેનો.
અંતસ્તલો મહીં ય તું કવટી ઉખેડી
પીછો લઈ જગવતો મન, જે સૂતેલું;
ક્યારેક અંતરપટે ઊતરી પડીને
હૈયે અજાણ કવિને તું પ્રવેશ પામે!
૨૧-૧૨-૧૯૪૧ (‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૯)