કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/વ્હેતું ના મેલો

૧૦. વ્હેતું ના મેલો

રાધાનું નામ તમે વાંસળીના સૂરમહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ.
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકળિયું ગામ.

વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી
કે ખાલી બેડાંની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાતડી
મારા મોહનની પંચાત.

વળી વળી નીરખે છે કુંજગલી : પૂછે છે, કેમ અલી! ક્યાં ગઈ'તી આમ!
રાધાનું નામ તમે વાંસળીના સૂરમહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ.

કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ?
એની પૂછી પૂછીને લિયે ગંધ;
વહે અંતરની વાત એ તો આંખ્યુંની ભૂલ,
જો કે હોઠોની પાંખડીઓ બંધ.

મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ.
રાધાનું નામ તમે વાંસળીના સૂરમહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ૧૯૬૧(કાવ્યસૃષ્ટિ, પૃ. ૫૦)