કથાલોક/ગુજરાતી નવલકથામાં ગુજરાતીતા



ગુજરાતી નવલકથામાં ગુજરાતીતા

આજની નવલકથા સાચે માર્ગે છે? આ ચર્ચાવિષયમાં થોડી ઉશ્કેરણી અને ઉત્તેજના હોવા છતાં એમાં વદતોવ્યાઘાતનો દોષ રહેલો છે. નવલકથા નામને પાત્ર કોઈ પણ કૃતિ–કલાકૃતિ–કદી ખોટે માર્ગે હોઈ જ ન શકે; જેમ કલાકૃતિ કદી અમંગલ કે અભદ્ર ન હોઈ શકે...એ અભદ્રતાનું આલેખન કરે છતાં. ચર્ચ્ય વિષય તો એ હોઈ શકે કે સાચો માર્ગ કોને કહેવો. ઈશ્વરની જેમ જ કલાપદાર્થને પામવાના માર્ગો એકથી વધારે હોઈ શકે. એમાં આ જ માર્ગ સાચો છે અને બીજા માર્ગો ખોટા છે એવો ફતવો બહાર પાડી ન શકાય. આજના જમાનાની આબોહવા મુજબ હતાશાની, વિફલતાની કે મૃત્યુની જ નવલકથા સાચે માર્ગે છે અને અન્ય કથાઓ ગેરમાર્ગે છે એમ કેમ કહી શકાય? મને મૃત્યુને બદલે જીવનનો અનુભવ વધારે પ્રબળ થયો હોય અને હું જીવનનું આલેખન કરું તો એ મારે અપરાધ ગણાય? પશ્ચિમના લેખકો ફ્રસ્ટ્રેશન–હતાશા, વૈફલ્યની વાતો કરે તો આપણે પણ તાબડતોબ એવી જ નવલકથા લખવા માંડીએ એ તો ભયંકર દાસ્ય ગણાય. આપણા કોઈ નવલકથાકારને ખરેખર ફ્રસ્ટ્રેશનનો અનુભવ થયો હોય, એ અનુભૂતિ એના અંતરમાંથી ઊગી હોય અને તેનું આલેખન પોતાની નવલકથામાં કરે તો એ આવકાર્ય ગણાય. પણ દેખાદેખીથી, લોલમાં લોલ પુરાવવાની ઢબે એકીસાથે અરધો ડઝન નવલકથાઓમાં છિન્નભિન્નતાનાં એકસરખાં જ ચિત્રણો આવવા માંડે ત્યારે એ પ્રવૃત્તિની સચ્ચાઈ અંગે જ શંકા જાગે. કલાકાર બનવા માટે ‘ફ્રસ્ટ્રેશન’ ફરજિયાત ન ગણાવું જોઈએ. એ મરજિયાત રહેવું જોઈએ; સર્જક માટે એ સ્વયંભૂ હોવું ઘટે, ફેશનપરસ્તીની નીપજ રૂપે નહિ. પશ્ચિમમાં પણ આજકાલ હતાશા અને વૈફલ્યની નવકથાઓ લખાય છે એમ માની લેવામાં આપણી ભૂલ થવા સંભવ છે. આ જેટયુગમાં પણ આપણે વિદેશી વિચારોની આયાત કરવામાં ખાસ્સાં પછાત છીએ. વિદેશોની સર્જક ચેતના અંગેનું અલ્પજ્ઞાન જોખમી નીવડવાનો ભય છે. પશ્ચિમમાં સરરિયલિઝમ અને ડેડેઈઝમ શરૂ થઈને ક્યારનાં પંચત્વ પામી ગયાં છે ત્યારે આપણે અહીં એ શૈલીએ લખવા માંડીએ એ કેવું વિચિત્ર લાગે! ફ્રેન્ચ સાહિત્ય માટે તો કહેવાય છે કે ત્યાં રોજ સવારે એક નવતર સાહિત્યપંથ જન્મે છે અને સાંજે એનું અવસાન થાય છે. સાહિત્યની જીવન્તતા અને ચેતનશીલતાની આ નિશાની ગણાય. પણ આપણે અહીં બેઠા એ સાહિત્યના અમુક જ અંશ કે વલણને સમગ્ર સમજીને, એને જ ઇતિશ્રી ગણીને એનાં અનુકરણોમાં અટવાયાં કરીએ એ આપણું સર્જનદૌર્બલ્ય જ ગણાય. મને વસવસો તો એ વાતનો રહે છે કે ગુજરાતી નવલકથાઓમાં ગુજરાતીતાની મુદ્રા કેમ નથી ઊપસતી? સંકુચિત દૃષ્ટિએ વાત નથી કરતો, પણ સાહિત્યસર્જનમાં વૈયક્તિતા જોવાની ઝંખના રજૂ કરું છું. આ વૈયક્તિતા શી ચીજ છે? આ અઠવાડિયે જ જાપાનના વિખ્યાત, સાહિત્યકાર યુકીઓ મિશિમા મુંબઈ આવેલા ત્યારે એમની મુલાકાતમાંથી બે-ત્રણ સૂચક વાતો જાણવા મળી. એ બહુવખારી સાહિત્યકારે જાપાનના પરમ્પરિત લોકનાટ્યના ઢાંચામાં અર્વાચીન ‘નો પ્લેઝ’ લખ્યાં છે. આજકાલ તેઓ પુનરાવતારના કથાવસ્તુ પર નવલકથા લખી રહ્યા છે. મેં એમને પૂછ્યું : ‘જાપાની સાહિત્ય પર અમેરિકી અસર કેવીક છે?’ એમણે ભારપૂર્વક કહ્યું : ‘જરાય નહિ.’ જાપાન ઉપર તો અમેરિકી ઑક્યુપેશન આર્મીનો રાજવહીવટ ચાલ્યો. છતાંય જાપાની સાહિત્ય એની ‘જાપાનિયત’ જાળવી શક્યું હોય તો આપણે આપણી નિજી સર્જક પ્રતિભા ન વિકસાવી શકીએ? ફ્રાન્ઝ કાફકા પોતાના કથાનાયકનું નામ આખું લખવાને બદલે એને એકાક્ષરી ‘ક’ તરીકે જ ઓળખાવે તેથી આપણે આપણા નાયકનું નામ એકાક્ષરી ‘સ’ જ પાડવાનું શા માટે ફરજિયાત ગણાવું જોઈએ? અર્વાચીનોના આરાધ્યદેવ ગણાતા કાફકાના આ ઉલ્લેખ પરથી એને અંગેની બીજી એક વિગત સાંભરી આવે છે. કાફકાની સરજત ગમે તેટલી ક્રાન્તિકારી હોય તો પણ એના ઉપર ચાર્લ્સ ડિકન્સનું ઋણ હોવાનું સિદ્ધ થયું છે. ‘ટ્રૉપિક્સ’ના કર્તા હેન્રી મિલર પણ ડિકન્સથી જ પ્રભાવિત થયા છે. આવા સમર્થ અર્વાચીનો ડિકન્સ જેવા વિકટોરિયનયુગી કથાકારમાંથી પ્રેરણા પામ્યા હોય તો આ૫ણને આપણા પુરોગામીઓથી પ્રભાવિત થતાં કોણ રોકી શકે છે? તેથી જ, જૂનવાણી ગણવાનો ભય વહોરીને પણ હું ‘સરસ્વતીચન્દ્ર’ને જૂનવાણી નવલકથા ગણવાની ના પાડું છું. મારે મન ગોવર્ધનરામ હજી અર્વાચીન જ છે. સાહિત્યમાં કશું જૂનું–નવું નથી હોતું, કાલનું કે આજનું નથી હોતું, સઘળી કૃતિઓ એકીસાથે, એકસરખી અર્વાચીન હોય છે, એ એઝરા પાઉન્ડનું કથન સ્મરણપટમાં કોતરી રાખવા જેવું છે.

[વિલે પારલે (મુંબઈ) સાહિત્યસભાને ઉપક્રમે બોલાયેલું. સપ્ટેમ્બર ૩૦, ૧૯૬૭]