હરિલાલ જાદવજી ઉપાધ્યાય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ઉપાધ્યાય હરિલાલ જાદવજી (૨૨-૧-૧૯૧૬): નવલકથાકાર. જન્મ મોસાળ મોટા ખીજડિયા (જિ. અમરેલી)માં. પ્રાથમિક શિક્ષણ પડધરીમાં ૧૯૨૩થી ૧૯૩૧. એ પછી ૧૯૩૪ સુધી જામનગરની સંસ્કૃત પાઠશાળામાં પાણિનીય કૌમુદીનો અભ્યાસ. ૧૯૩૬થી ૧૯૪૨ દરમિયાન ચારણ કવિ-વાર્તાકારોનો સંપર્ક. ૧૯૪૪થી ૧૯૫૯ સુધી મુંબઈમાં ખાનગી પેઢીમાં નોકરી, ત્યાર બાદ નવલકથાલેખન. વાચકવર્ગને પ્રસંગપ્રવાહમાં જકડી રાખનારી ‘પડતા ગઢના પડછાયા – ૧-૨' (૧૯૬૨), ‘રુધિરનું રાજતિલક' (૧૯૬૩), ‘નારી હતી એક નમણી' (૧૯૭૧), ‘મેવાડનો કેસરી' (૧૯૭૬), શૌર્ય પ્રતાપી અનુવંશ' (૧૯૭૮) જેવી વીસેક ઐતિહાસિક નવલકથાઓ તેમ જ ‘ગૌરી' (૧૯૫૩), ‘પ્રીતે પરોવાયાં’ (૧૯૬૧), ‘નથી સૂકાયાં નીર' (૧૯૬૪), ‘કુન્દન ચડ્યું કાંટે' (૧૯૬૭), ‘કુંવારી માતા' (૧૯૭૭), ‘મંગળફેરા' (૧૯૮૩) જેવી પાંત્રીસેક સામાજિક નવલકથાઓ એમણે લખી છે. આ ઉપરાંત એમણે બાળવાર્તાસંગ્રહ ‘પુષ્પમંગલ' (૧૯૫૧) તથા ‘સૌરાષ્ટ્રની રસગાથા – ૧-૨’ (૧૯૫૭), ‘સોરઠી લોકવાર્તા’ (૧૯૫૬), ‘સૌરાષ્ટ્રની વીરગાથા: ૧-૫’ (૧૯૭૧) વગેરે લોકસાહિત્યનાં પુસ્તકો પણ લખ્યાં છે.