રામચન્દ્ર પટેલની કવિતા/હવે તું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હવે તું...

તમે પ્હેલાંવ્હેલાં મુજ સમય મોંઘો બની અહીં
વહી આવ્યાં ત્યારે જડ પથર હું ઉંબર હતો
પડેલો દ્વારેઃ ત્યાં કુસુમ સરખાં કંકુપગલાં
અડ્યાં; જાગી ઊઠ્યો તરત થઈને મોર-કલગી
જઈ બેઠો સાખેઃ પછી નીરખું તો તોરણ તમે
રહ્યાં મ્હેકી... પાછો હું સરકી જઈ કુંજર સમ
થયો પાણિયારું... ઉતરડ, બની તામ્રવરણી
ઊગી મોરી ઊઠ્યાં, ઝગુંમગું થઈ ચોક ટહુક્યો.
વલોણું, સાંબેલું, જલ-સભર બેડું, વળગણી,
તવી, ચૂલો, ઘંટી, વળી દહીંની દોણી, નિસરણી.
બધાંની વચ્ચે તું ઊજળું ઊજળું છાપરું થઈ
ઠરે એ પ્હેલાં તો ઊતરી ગઈ લૂખા લીંપણમાં.
હવે તું લોહીમાં હલચલી પછી લિસ્સું સરતી
ચિતા બે આંખોની નિત સળગી ચિત્કાર ભરતી.