મંગલમ્/મોહન-ગીત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મોહન-ગીત

ગાઓ મનભર મોહન ગીત…ટેક
ભારતમાના પુનિત ઉછંગે, દેવદીધી ચિનગારી સંગે,
જનમ ધરીને જીવન જંગે, ખેલ્યા મોહન અદ્ભુત રીત…
ગાઓ…(૧)
જીવનના મંગળ આરંભે, યૌવનના ઊછળતા રંગે,
વૃદ્ધ વયે ભરપૂર ઉમંગે, પીરસ્યું જીવનનું નવનીત…
ગાઓ…(૨)
એક સમે એ મોહન નાના, ચોર બન્યા ને બહુ શરમાણા,
તાત કને જઈ ચતુર સુજાણા, ભૂલ કબૂલી એ મહાવીર…
ગાઓ…(૩)
અન્ય સમે એ અજ્ઞાન પઠાણે, શિર પર ઘા કીધો એ ટાણે,
માન્યો નાના ભાઈ પ્રમાણે જાગી એને અંતરપ્રીત…
ગાઓ…(૪)
સ્વરાજનાં વહાણાં ઓ વાયાં, ને વાદળ ઘનઘોર છવાયાં,
કોમ કોમનાં હૃદય ઘવાયાં, ત્યાં રેલી સંજીવન પ્રીત…
ગાઓ…(૫)
રામ વસ્યા’તા હૃદય ભવનમાં, પ્રેમ છલોછલ એ અંતરમાં,
ભેદ કદી ના જન્મ્યો મનમાં, માનવતાનું મંગળ ગીત…
ગાઓ…(૬)
અંત ઘડી અણધારી આવી, હત્યારાએ ગોળી ચલાવી,
“રામ-રામ” પ્રેમે ઉચ્ચારી, મૃત્યુ જીત્યા જીવનવીર…
ગાઓ…(૭)
રામઋષિ મુનિઓના ત્રાતા, કૃષ્ણતણી મહાભારત ગાથા,
સત્ય – અહિંસા મંત્ર વિધાતા મોહન દીન-દુઃખી જનમીત…
ગાઓ…(૮)
રેંટીડામાં રામ નિહાળ્યા, સર્વોદયના મંત્ર ઉકેલ્યા,
ભેટ ધરીએ માનવરાયા, જીવનપથ અજવાળે નિત…
ગાઓ…(૯)
યુગ યુગનાં મંથન માનવનાં, પ્રગટાવે આ જગ મંદિરમાં,
વિરલા મોહન શા મનુકુળમાં, ઈશ્વરનું શિવ સુંદર ગીત…
ગાઓ…(૧૦)
સત્ય વિના જગ સૂનું બાબા, પ્રેમ વિના અતિઊણું બાબા,
સેવા વિહીન અધૂરું બાબા, ગાંધીનું એ ગૌરવગીત…
ગાઓ…(૧૧)