મંગલમ્/પ્રભુજીને પડદામાં રાખ મા
પ્રભુજીને પડદામાં રાખ મા
પ્રભુજીને પડદામાં રાખ મા,
પૂજારી, તારા આતમને ઓઝલમાં નાખ મા!
વાયુ વીંઝાશે ને દીવડો હોલાશે એવી
ભીતિ વંટોળિયાની ભાખ મા.
આડે ઊભો તારો દેહ અડીખમ,
ભળી જાશે એ તો રાખમાં… પૂજારી…
ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી,
થાક ભરેલો એની પાંખમાં,
સાત સમંદર પાર કર્યા એનું,
નથી રે ગમાન એની આંખમાં… પૂજારી…
આંખનાં રતન તારાં છોને હોલાય,
છોને હીરા લૂંટાય તારા લાખના,
હૈયાનો હીરો તારો નહિ રે લૂંટાય કોઈથી,
ખોટા હીરાને ખેંચી રાખ મા… પૂજારી…
— ઇન્દુલાલ ગાંધી