મંગલમ્/તુજ પગલી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તુજ પગલી

તુજ પગલી ઢૂંઢતાં પ્રભુજી,
ભમું ભમું હું ગલી ગલી!
જગત નગરની ગલી ગલી!…જગત…
ગગન ભુવનની શેરી શેરીએ,
તેજ તિમિરની દેરી દેરીએ;
રખડું ભટકું ગલી ગલી!…જગત…
અંબરચૂંબી મહેલ મેડીએ,
ઘન વન વનની ગીચ કેડીએ,
તલસત ભટકું ગલી ગલી!…જગત…
કોમળ કોમળ તરુ કૂંપળીએ,
પરિમલ-પૂર્યાં પુષ્પ પગથીએ;
મનમનની મ્હોરી વલ્લરીએ,
જનજનની અંતર-ઓસરીએ;
મૂર્છિત ભટકું ગલી ગલી!…જગત…

— સુન્દરમ્