પરમ સમીપે/૬૬

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬૬

આ દુનિયામાં એવા અસંખ્ય લોકો છે,
જેમને ઘર નથી કે પોતાનું કહેવાય તેવું કુટુંબ નથી
જેઓ છેક છેવાડે રહેલા છે કે સમાજથી તિરસ્કૃત થયેલા છે
જેઓ અંધ કે બધિર છે, કે અકસ્માત અથવા રોગમાં
જેમણે અંગો ખોયાં છે;
જેઓ ઉઘાડાં મેદાનોમાં, ફૂટપાથ પર, ખૂણેખાંચરે
જેમતેમ દિવસો વિતાવે છે, ઠંડી ને વરસાદમાં થથરે છે,
ઉનાળામાં દાઝે છે, ભૂખના કારમા દુઃખથી વ્યાકુળ રહે છે.
જેઓ અસાધ્ય રોગથી ઇસ્પિતાલના બિછાને પડેલા છે.
જેઓ જેલમાં છે અને કરેલા કે ન કરેલા ગુનાની સજા ભોગવે છે
જેઓ ગુપ્ત ભયોથી ભરેલા ને દુર્દમ્ય ટેવોથી જકડાયેલા છે
માંદગી કે નબળાઈએ જેમને સમૂહથી અળગા પાડી દીધા છે,
જેમણે પોતાનાં પ્રિયજનોને કોઈક રીતે ગુમાવ્યાં છે
અને આ પળોમાં જેઓ તીવ્રપણે એકલતા અનુભવે છે,
આ સહુને માટે હું પ્રાર્થના કરું છું.
તેમની જિંદગી નીરસ, કષ્ટપૂર્ણ, બોજભરી છે,
તેમના જીવનને ક્યારેય આનંદનો સ્પર્શ થતો નથી,
અને સૌથી કરુણ બાબત તો એ છે કે
તેમને તારા અસ્તિત્વની સુધ્ધાં જાણ નથી.
ઊંડા હૃદયથી હું, પ્રભુ,
તેમને માટે તારા આશીર્વાદ માગું છું.
આ પરિસ્થિતિનો સામનો કરવાનું તેમને વીરત્વ આપો
પોતાની અંદર જે શક્તિ સૂતેલી છે, તેને કાર્યાન્વિત કરવાનું
તેમને બળ આપો
ગમે તેવી વિકટતામાંથી પણ
તારી કૃપા વડે, ઊગરવાનું શક્ય છે એ વિચાર તેમના
મનમાં ઊગવા દો.
તારા પ્રેમ ભણી તેમને ખુલ્લા થવા દો.
મારી સ્થિતિ કાંઈ બહુ સારી નથી,
પણ એમની વ્યથા ઘણી મોટી છે.
એમને હું કોઈક પણ રીતે મદદરૂપ થઈ શકું
એવી મને શક્તિ આપો.
એમાંના કોઈનીયે સાથે આજે મારો મેળાપ થાય
તો મારા થકી, ભલે થોડી વાર માટે પણ
તેઓ હળવા અને પ્રસન્ન થઈને જાય
એવો મને અવસર આપો.