પરમ સમીપે/૬

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

નમ: શમ્ભવાય ચ મયોભવાય ચ
નમ: શંકરાય ચ મયસ્કરાય ચ
નમ: શિવાય ચ શિવતરાય ચ

સુખકરને નમસ્કાર, કલ્યાણકરને પણ નમસ્કાર,
સુખના આકરને નમસ્કાર, કલ્યાણના આકરને પણ નમસ્કાર,
મંગલ-સ્વરૂપને નમસ્કાર, ચરમમંગલ-સ્વરૂપને પણ નમસ્કાર.

નમ: પાર્યાય ચાવાર્યાય ચ
નમ: પ્રતરણાય ચોત્તરણાય ચ
નમસ્તીર્થ્યાય ચ કૂલ્યાય ચ
નમ: શષ્પ્યાય ચ ફેન્યાય ચ

પેલે પાર રહેલાને નમસ્કાર, આ પાર રહેલાને પણ નમસ્કાર,
જળમાં તારનારને નમસ્કાર, સામે પાર ઉતારનારને નમસ્કાર,
જે તીર્થમાં અને નદીતટ પર રહેલા છે તેમને નમસ્કાર,
જે નરમ ઘાસમાં અને મોજાંનાં ફીણમાં છે તેમને નમસ્કાર.

નમ: સિક્ત્ત્યાય ચ પ્રવાહ્યાય ચ
નમ: કિંશિલાય ચ ક્ષયણાય ચ
નમ: કપર્દિને ચ પુલસ્તયે ચ
નમ: ઇરિણ્યાય ચ પ્રપથ્યાય ચ

રેતીમાં વિદ્યમાનને નમસ્કાર, પ્રવાહમાં વહેનારને નમસ્કાર,
કંકરમાં રમનારને નમસ્કાર, સ્થિર જળમાં વસેલાને નમસ્કાર,
જે જાાજૂટવાળા છે, સર્વાન્તર્યામી છે, તેમને નમસ્કાર,
જે મરુભૂમિમાં રહે છે અને રાજમાર્ગ પર વિચરે છે તેમને નમસ્કાર.

નમ: શુષ્કાય ચ હરિત્યાય ચ
નમ: પાંસવ્યાય ચ રજસ્યાય ચ
નમ: લોપ્પાય ચ ઉલપ્યાય ચ
નમ: ઊર્વ્યાય ચ સૂર્વ્યાય ચ

સૂકાં લાકડાંમાં અને લીલાં વૃક્ષોમાં રહેનારને નમસ્કાર,
ધૂળમાં જે ખેલે છે અને પુષ્પના પરાગમાં મહેકે છે તેમને નમસ્કાર,
અગમ્ય પ્રદેશમાં જે અદૃશ્ય રહે છે તેમને નમસ્કાર,
ઘાસના બીડમાં વિહરનારને નમસ્કાર,
પૃથ્વીરૂપે સર્વને ધારણ કરનારને નમસ્કાર, અને
પ્રલયકાળે વિશ્વનો અંત આણનારને પણ નમસ્કાર.
(રુદ્રાષ્ટાધ્યાયી : ૪૧-૪૨-૪૩-૪૫)