દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/છજામાંથી જોઉં તો...

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઘર
૫. છજામાંથી જોઉં તો

છજામાંથી જોઉં તો
ખીચોખીચ તારા એકમેકને વળગીને
કેવડું નાનું કરી દીધું આકાશ?
કેટલું નજીક?
આઘેથી લીલા ચંપાની લહર
મારા શ્વાસ ગણું કે ધબકારા?
ઘર તું આટલું મોટું હશે એની જાણ પણ ન પડી
આટલાં વરસ તારી સાથે આવડી જિંદગી વિતાવીને

તારા રસોડાની હૂંફે લહેકતાં ખેતર-વાડી
તારી ચોકડીની પાળે હાંડે ભૂંભવતા કૂવા
તારી નહાણીમાં ઊછળતી નદીઓ
તારા ઓછાડમાં સમદરની ભાતીગળ ઓકળીની રેત
તારા ગલેફે વાદળાં

તારી ખીંટીએ અભેરાઈએ મિજાગરે
ભીંતે દરવાજે નળિયે
ખિસકોલીઓ ને સસલાં ને હરણાં ને બપૈયા ને છીપલાં
ને ગરમાળા ને કાતરા ને ફણસ
ને ઓટલેથી અધરાતેય ખોવાયલાને ઓરું બોલાવતાં ફાનસ

ઘર
આ ઘરડાને માટે તને હજીય આટલાં હેત!