ગિરીશ ભટ્ટની વાર્તાઓ/બે તારીખો વચ્ચે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બે તારીખો વચ્ચે

૬ ઓગસ્ટ, ૧૯૪૫ આજનું પરોઢ વાદળછાયું હતું. માર્ગ પરના દીવાઓ ટમટમવા લાગ્યા હતા. સાઈરનો રાતભર શાંત રહી હતી. એક પણ ઍરોપ્લેન રાત દરમિયાન હિરોશિમાના આકાશમાં ઊડ્યું નહોતું. નગરજનોએ રાહત અનુભવી હતી. નાગાસાકી જતી ખડખડપંચમ બસ સમયસર ઊપડી હતી. પંદર નંબરની બેઠકવાળા શ્રીમાન કોસિજી સાઠીમાં પ્રવેશી ચૂક્યા હતા. કદાચ સૌથી વયસ્ક હતા. પુત્રનો પરિવાર ગઈ રાતે ટોકિયો રવાના થઈ ગયો હતો. સરસ તક મળતી હતી : યેનની થેલી, મકાન અને વાહનની સુવિધા. પછી વધુ શા માટે વિચારે? આઠ વર્ષના પૌત્રને તેમણે આશિષ આપી હતી : કુળને ઉજાળજે. જાપાનની રક્ષા કરજે. સમ્રાટ જેવો મહાન બનજે. વિદાય એટલે દુઃખ. અને તોપણ અનિવાર્ય. ના ગોઠ્યું ખાલી ઘરમાં. આમ તો નવમી તારીખે જવાનું હતું, પરંતુ આજે જ બેસી ગયા, પરોઢની પહેલી બસમાં. ને અચાનક જમણી તરફ જોવાયું તો એક સ્ત્રી પ્રવાસી! આખી બસમાં તે એક જ સ્ત્રી! એટલું તો ખાસ ધ્યાન ના પણ ખેંચે, પરંતુ એક બીજી વાત હતી : એ યુવાન સ્ત્રી અપ્રતિમ સુંદર હતી. ગૌર વાન, નમણો ચહેરો, સપ્રમાણ દેહ, કમનીય વળાંકો, કાળી તેજસ્વી આંખો. કોસિજીને ક્ષોભ થયો. આ રીતે કોઈ સ્ત્રીને ના જોવાય. નજરો મળી ને તે હસી બોલી : નમસ્કાર, આપને શુભ દિવસ, કોસિજીએ સામો વિવેક કર્યો : શુભ દિવસ. પછી થયેલા ક્ષોભને છેદવા જ જાણે બોલ્યા : નાગાસાકી જાઉં છું. મુખ્ય ચોકની દક્ષિણે જે મઠ છે ત્યાં ધર્મદીક્ષા લઈ રહ્યો છું. ત્યાં સુધી મારા જૂના નામ કોસિજીને ચલાવવું પડશે. પરિવર્તનો સાથે એ પણ જશે. પેલીએ ભાવથી કહ્યું : તુનાકીના આપને પ્રણામ. હું પણ નાગાસાકી જાઉં છું. આપના સંગાથ માટે નસીબદાર છું. બેચાર પળ પછી ઉમેર્યું : હું એક ગેઈશા છું. ત્યાં મનોરંજનશાળામાં જોડાવાની છું. કોસિજી ચમક્યા : ગેઈશા? પુરુષોને રીઝવનારી સ્ત્રી! પણ પછી તટસ્થ થઈ ગયા : મને તારી નિખાલસતા ગમી. તારું કલ્યાણ થાઓ. બે પળ પછી ઉમેર્યું : આપણે સૌ ઈશ્વરના સંતાન છીએ. બસ ઉબળખાબળ માર્ગ પર મંથર ગતિએ સરી રહી હતી. યુદ્ધે ઘણું નુકસાન કર્યું હતું, પરંતુ લોકોનું મનોબળ મજબૂત હતું. તુનાકી વિચારતી હતી કે તે નસીબદાર હતી કે આ સંતપુરુષનો સંગાથ મળ્યો હતો. ત્યાં જઈને પાછું એ જ પ્રવૃત્તિમાં જોડાવાનું હતું. સખીએ તેને ત્યાં બોલાવી હતી. નાગાસાકીના પુરુષો ઉદાર હતા. ગેઈશાઓને યેનથી નવડાવી દેતા હતા. આખરે જાત નહીં ચાલે ત્યારે પૈસા કામ આવવાના હતા. એ લોકોને શું? તરત જ કહી દેવાના કે બીજું સરસ કામ શોધી લો. અને કોસિજીના ચિત્તમાં તુનાકી ઘૂસી હતી. શા માટે ગેઈશા બની હશે? કેટલી સુંદર હતી? ઇચ્છે તો સમ્રાટની રાણી પણ થઈ શકે, કોઈ ધનપતિના ઘરની શોભા બની શકે. ને શું કરવાનું? પત્નીઓથી છૂટા પડેલા પુરુષોને ખુશ કરવાના? નૃત્ય, ગીત અને વાજિંત્રોથી, લટકા-મટકાના મોહભાવથી? પણ એ રાજી થાય ખરા? શું ઇચ્છતા હોય એ? અને તે પણ પુરુષ હતા. જ્ઞાતા હતા સર્વથી. વળી સભાન થવાયું : અરેરે! ક્યાં પહોંચી જવાયું? કોસિજીએ તરત જ ગુટકામાંથી ધાર્મિક પુસ્તક કાઢ્યું અને ખોલ્યું. તુનાકીએ નજીક આવીને વિનંતી કરી. આપ જરા મોટેથી વાંચી શકશો. મારા કાન પવિત્ર થાય. અવિનય માટે ક્ષમા માગું છું. કોસિજી બે વાતે પ્રસન્ન થયા : આ સ્ત્રીએ ઉત્તમ માગણી કરી હતી અને તેનો અવાજ મંજુલ હતો - સતત સાંભળવો ગમે તેવો અને કેટલી વિનમ્રતા? આ શું ગેઈશાના ગુણો હશે? ખાસ જાણતા નહોતા. ‘ભલે... ભલે...’ કોસિજી બોલ્યા ખરા પણ તેમ કરી ના શક્યા. એ જ ક્ષણે બસની પાછળની દિશાના આકાશમાં આંખોને આંજી દેતો ઝબકારો થયો હતો. જાણો સો સો વીજળી એકસામટી પ્રગટી! અને પ્રચંડ ગગનગામી ડમરી. રાખોડી વાદળાંઓનો પહાડ રચાઈ ગયો. ‘પ્રલય આ તો...’ બેચાર ચીસો પડી હતી. તુનાકી નાનું છોકરું માતાને વળગી પડે તેમ એ પુરુષને વળગી પડી હતી. ‘કશું ભયાનક થઈ રહ્યું છે, આપણા નગર પર?’ બીજી ચીસ સંભળાઈ હતી. ‘દુશ્મનોનો નાશ થાવ.’ ત્રીજો અવાજ. ડ્રાઈવરે ગતિ વધારી. એક જ નેમ હતી. મોતના તાંડવથી દૂર દૂર ચાલ્યા જવું. સન્નાટો હતો. કોસિજીએ કંપતા હાથ વતી તુનાકીની પીઠ થપથપાવતાં કહ્યું : ગભરાતી નહીં. હું તારી પાસે છું. તે અળગી થઈ ગઈ હતી. વસ્ત્ર પસીનાથી ભીનું હતું. તેણે અહોભાવથી કોસિજી પ્રતિ જોયું હતું. તે હળવાશ અનુભવતી હતી. બસ... દોડતી જ રહી હતી. ભૂખ, તરસ, હાજતો - બધું અપ્રસ્તુત થઈ ગયું હતું. ત્યાં કોઈ બોલ્યું : જુઓ... હવે પાછલું આકાશ સાવ સ્વચ્છ છે. ‘આપણે કદાચ, બચી ગયા. કૃપા ઈશ્વરની’ સામટા બે અવાજો આવ્યા હતા. એક ગામ આવ્યું. ત્યાં રાતવાસો કરવાનું નક્કી થયું. ડ્રાઈવરની હાલત સૌથી ખરાબ હતી. તેની પ્રેયસી હિરોશિમામાં હતી. ઉતારા માટે પાંચ ઓરડાની ગોઠવણ થઈ હતી. તુનાકીએ કહ્યું કે કોસિજી સાથે રહેશે. તે પથારીમાં પડી હતી. ગ્રામજનોને આટલી પણ જાણ નહોતી, કોસિજી વિચારતા હતા કે તેઓ સુખી હતા. રાતે કેટલી ધખધખતી હતી તુનાકી? તાવ ચડ્યો હતો; લવતી હતી : બૉમ્બમારા વિશે, હિરોશિમાની મનોરંજનશાળાની તેની સખીઓ વિશે, તેને છોડીને ચાલી ગયેલી તેની મા વિશે. એકબે ઉલ્લેખો કોસિજી વિશે પણ હતા – સંત, મદદગાર, ઈશ્વરની ભેટ એવા શુભ શુભ! તે આખી રાત તેની સેવાચાકરીમાં ઝૂઝ્યા હતા. ૭ ઑગસ્ટ, ૧૯૪૫ ગઈ કાલના સંહારની હૃદયદ્રાવક વિગતો આવી હતી. એ અણુબૉમ્બનો પ્રહાર હતો. પહેલો જ પ્રહાર હિરોશિમા પર! થથરી જવાયું હતું. કશું બચ્યું નહોતું. જળની વરાળ થઈ કાળાં વાદળાં બની ગયાં હતાં. અને માણસ તો રાખ! હાહાકાર, અરેરાટી, આંસુ, હીબકાં અને દુશ્મનોને શ્રાપ! ક્યારેક બન્યુ નહોતું પૃથ્વી પર. એથી સાવ અજાણ તુનાકીને કોસિજી પૂછી રહ્યા હતા : તને ખ્યાલ છે કે તાવમાં ધખધખતી હતી? મેં તને સવાર લગી ઠંડા જળનાં પોતાં મૂક્યાં હતાં? મેં તારું મોં ખોલીને ઔષધ આપ્યું હતું. તને ઊંચકીને ભીની પથારીમાંથી સૂકી પથારીમાં સુવડાવી હતી? તુનાકીને કેટલો સંકોચ થયો હતો? હેં... આમ બન્યું હતું? કોસિજીએ તેની શૂશ્રુષા પણ...? શરીર પર ચાદર ઓઢતાં તે બોલી : મેં આપને કેટલું કષ્ટ આપ્યું? ક્યારે ઋણમુક્ત થઈશ? કોસિજીએ સાંત્વના આપતાં કહ્યું : એવું ના વિચાર. મેં કોઈના માટે આમ કર્યું હોત. અને તું તો ક્યાં અજાણી હતી? હું તારા માટે ગરમ સેરવો લઈ આવું. તેં ગઈ સાંજથી ક્યાં કશું પેટમાં નાખ્યું છે. કોસિજી ગયા ને તેણે રડી લીધું. કોસિજી... સેરવાનું પાત્ર લઈને પાછા ફર્યા. ઓરડો સ્વચ્છ અને વ્યવસ્થિત હતો. બારીમાંથી સૂર્યપ્રકાશ પ્રવેશી ચૂક્યો હતો. તે સ્નાન કરીને નાવણિયામાંથી બહાર આવી હતી. અંદરનાં વસ્ત્રો પહેર્યા હતાં. કિમોના હાથમાં હતો. ‘કોસિજી મહાશય, વસ્ત્રો પહેરું છું’ કહેતી તે ભીંત ભણી ફરી હતી. તુનાકી સજ્જ થઈને ફરી ત્યારે તે ત્યાં નહોતા. સેરવાના પાત્રમાંથી વરાળ નીકળીને છત ભણી જતી હતી, ઉર્ધ્વ દિશામાં. તેને વિચાર આવ્યો કે ક્યાં અજાણી હતી તે પુરુષથી? કાલે વળગી પડી હતી ને રાતે તેમણે તેની શુશ્રૂષા કરી હતી! વિકાર જેવું કશું નહીં થયું હોય? મૃત પત્ની યાદ આવી ગઈ હશે? તેને પણ આવું તો થાય. ખરે ભદ્ર પુરુષ હતા. સંયમ જાળવ્યો હશે. સંતપણું શોભાવ્યું હશે. તુનાકીએ બાજોઠ પર બેસીને, ઘૂંટડે ઘૂંટડે સેરવો પી લીધો. જીભથી ચાટી પણ લીધો. સારું લાગ્યું. બહાર આવી. કંંડક્ટરે તેને હિરોશિમાના મહાસંહારની વાતો કહી. થીજી જવાયું : તો તેની એકેય સખી બચી નહીં જ હોય ! સડકો, મકાનો, બગીચાઓ, નાટકશાળાઓ, તેનો ઓરડો-પલંગ-અરીસો ! બધું ભસ્મ. તેની પાસે આવતા પુરુષો ! ઘરે રાહ જોતી તેઓની પત્નીઓ ! ઓહ, સર્વનાશ. તે એકલી જ બચી હતી ! હા... તે એકલી ! જો ઊંઘરેટી સખીઓને મળવા રોકાઈ હોય તો તે બચી ના હોત. તેને વહેલાં જાગી જવાની આદત હતી. રાતે ‘શુભરાત્રિ’ કહીને પથારીમાં પડી ત્યારે કોસિજી બાજોઠ પર બેઠા હતા. તેમણે ઉપદેશ આપ્યો હતો : તુનાકી, બહુ બોજો ના રાખતી. શરીર કથળી જાશે. આખરે શરીર જ વાહન છે આ જિંદગીનું. મિત્સુ પણ મારું માની નહોતી. તે હોત તો? હું કદાચ અલગ માર્ગ પર વિહરતો હોત! સંભાળજે શરીરે. ઔષધ લીધું તેં? ૮ ઑગસ્ટ, ૧૯૪૫ તુનાકી પરોઢે જાગી ગઈ હતી. આદત હતી. કોિસજી ધ્યાનમાં બેઠેલા જણાયા. શાન્ત આકૃતિ, બંધ આંખો અને બાહ્ય જગતથી વિમુખ. તે કેટલી પ્રભાવિત થઈ હતી. તેનો સમય કેટલો સુખમય હતો? સંત થવા જતી વ્યક્તિનું સામીપ્ય મળ્યું હતું. ને ક્યારેય કોસિજીને નહીં ભૂલી શકે. તેણે તેમને કેટલાં કષ્ટો આપ્યાં હતાં? તે આળસ મરડીને ઊભી થઈ ને કામો આટોપવા લાગી હતી. સ્નાન પછી વસ્ત્રો ધારણ કરવાનું ત્યાં નાવણિયામાં પૂરું કર્યું. બહાર આવી ને તેમનું સસ્મિત અભિવાદન સંભળાયું હતું. શુભ દિવસ, તુનાકી. પછી અટકીને ઉમેર્યું : બસ પ્રવાસ કાલે પરોઢે શક્ય બનશે. ડ્રાઈવર સ્વસ્થ છે હવે. ઈંધણની ગોઠવણ પણ થઈ છે. તે બોલી : શુભ સમાચાર આપ્યા. આખરે આ એક પડાવ છે, ક્યાં ઘર હતું? હવે ત્વરા કરવી પડશે. કેટલાં કામો આટોપવાનાં છે? હં... પહેલું તો... આપનું છે. કોસિજી ચમક્યા; શાન્ત ચહેરો જરા ડખોળાયો હતો. ને તુનાકી તેમના ચરણો પાસે ડાહીડમરી થઈને બેસી ગઈ, આપ મને મિત્સુ વિશેની રસિક વાતો કહો. આપ ક્યાં મળ્યા હતા પ્રથમ વાર? બે પળ પછી કોસિજી બોલ્યા : તેનું નામ મિત્સુ. સુંદર ખરી પણ તારા જેવી નહીં. તું તો સૌંદર્યની મૂર્તિ છું. કાષ્ઠશિલ્પ જેવી કમનીય છું... અને... ને તેણે અમગમાથી કહ્યું : મારી નહીં, મિત્સુની વાત કહો. ભારે ભુલકણા છો. શું બળ્યું છે મારામાં? તુચ્છ છું હું તો. અધ્યાય બહુ લાંબો ના ચાલ્યો. બહારથી અકુરા સાદ પાડી રહી હતી : ક્યાં છે તુનાકી? તે અચંબો પામતી ઊભી થઈ હતી. તે ગઈ અને કોસિજીએ રાહત અનુભવી હતી : વળી શું કહેવું મૃત પત્ની વિશે ? તુનાકીને જોયા પછી તે યાદ આવી ગઈ હતી, પણ આખરે તેનું સ્મરણ તુનાકી સુધી પહોંચી ગયું હું. તુનાકીમાંથી બહાર નિકળવું મુશ્કેલ બનતું જતું હતું. શું હતું તેનામાં? કશું તો હતું જે તેમને ખેંચતું હતું. ક્યાં શાસ્ત્રો યાદ આવતાં હતાં? બસ, તે જ ધસી આવતી હતી બળજબરીથી. આ તરફ અકુરા, પ્રૌઢ વયની અકુરા, તુનાકીને તેના ઘરે ખેંચી ગઈ હતી. ‘તું જ તુનાકીને? તને જ શોધતી હતી’ જાણે વર્ષોથી પરિચિતા હોય એ રીતે વર્તી રહી હતી. કેમ ના આવી આ અકુરા પાસે? આ ત્રીજો દિવસ થયો. એકલી જ સ્ત્રી છું, પંદર મુસાફરોમાં? અને જેની સાથે છું એ મરદ શું થાય છે તારો? કશું જ નહીં? મૂરખ છું તું તો? રહેવાય પરપુરુષ સાથે ? બે રાત? તેણે બૂરું કર્યું તો નથી ને તારી સાથે? કેટલી રૂપાળી છું? મેં તારા જેવી સુંદર સ્ત્રી હજી સુધી જોઈ નથી. ખા સમ્રાટના સોગન, તેણે.. તારી સાથે...! ભદ્ર પુરુષ છે? નાગાસાકીના મઠમાં ધર્મદીક્ષા લેવાનો છે? ‘તારી મા હોત તો તને જરૂર રોકત. જો સાંભળ, આજે રાતે અહીં આવજે, મારું આતિથ્ય માણજે. તું પરણી નથી? મોય મા! કોની વાટ જોતી હતી? નાગાસાકી જઈને પહેલું કામ એ જ કરજે. જોજે, એ ડોસા સાથે ના પરણતી.’ અકુરાએ ભાવથી કહ્યું હતું. તેને મા યાદ આવી હતી. આંખો ભીની થઈ હતી. અકુરા ક્યાં જાણતી હતી કે એ ગેઈશા હતી? માંડ સમજાવી શકી હતી. કેવું લાગે એ ભદ્ર કોસિજીને? અવિશ્વાસ લાગે. તે નગુણી ઠરે. વચન આપ્યું કે તે પરોઢે વિદાય લેવા આવશે. તેને ક્યારેય નહીં ભૂલે? માતાને કોઈ ભૂલી શકે? અકુરા રાજી થઈ હતી. રાતે બંનેએ પોતપોતાના સામાન પેક કર્યા હતા. ‘શુભરાત્રિ’ પણ બોલ્યા હતાં. આખી રાત, મીણબત્તીની જ્યોત થરથરતી હતી. એક મટકું પણ માર્યા વગર તે જાગતી રહી હતી. ૯ ઑગસ્ટ, ૧૯૪૫ પરોઢે તુનાકીએ અકુરાના ઘરની સાંકળ ખખડાવી હતી. પ્રૌઢા પણ જાગતી જ હતી. ‘આવી ને વચન આપ્યા મુજબ? જુઓ, મારા શરીરને કશું થયું નથી. એવી ને એવી જ છું. માડી, ક્યાં છે નાવણિયું? ઝટપટ પરવારું.’ તેણે પ્રૌઢાને ખુશ કરી હતી. ‘વાહ, મારી દીકરી. લે, હું સૂપ ગરમ કરી નાખું. પીને જજે. લે, બતાવું નાવણિયું.’ તુનાકીએ ત્યાં રડી લીધું. તેણે કહ્યું એ અર્ધસત્ય હતું. અકલ્પનીય ઘટના બની હતી. તે અકુરાના વિચારોમાં લીન હતી : કેવાં પ્રેમાળ હતાં? તેને મા યાદ આવી ગઈ હતી. ક્યાં હશે મા? ક્યાં કશી ભાળ હતી? કેવું બની ગયું? હિરોશિમાના મહાસંહારમાંથી બચી ગઈ. આનું નામ નસીબ. કે પછી અકસ્માત? સંયોગવશ! સંયોગવશ મળી ગયા કોસિજી. સંચાર થયો ને પડખું ફરી તો કોસિજી. કામી પુરુષની આંખો તો તે ઓળખે જ ને? જબરજસ્ત આઘાત લાગ્યો હતો. જાણે શાન્ત નગર પર...! શબ્દો સંભળાયા : તુનાકી, તને પામી શકું તો નથી લેવી દીક્ષા, નથી થવું સંત. એક ઇચ્છા છે. આ અજંપો એમ નહીં શમે. તેના હાથ લંબાયા હતા, શરીર સુધી. તે બેઠી થઈ હતી. શું બકો છો? ભાન છે તમને? ના લેતા ધર્મદીક્ષા. દૂર જ રહેજો. મને આપશે તો હું દીક્ષા લઈશ. આ તુચ્છ શરીરમાં શું હતું? તમને મિત્સુએ પણ ના રોક્યા? તે ગુસ્સાથી કંપી રહી હતી : આગળ વધશો તો હારાકીરી કરીશ. પછી શું મેળવશો? પછી સામાન લેતીક નીકળી પડી હતી. અકુરાએ સૂપ આપ્યો ત્યારે પણ એ કંપ ક્યાં શમ્યો હતો? તે બસમાં ગોઠવાઈ, બીજાઓનાં અભિવાદન ઝીલ્યા. તેણે બેઠક બદલી નાખી હતી, આંખો મીંચી લીધી હતી : નથી જોવો એ ચહેરો. ડ્રાઈવરે સ્ટિયરિંગ હાથમાં લીધું હતું. કોઈના શબ્દો કાને પડ્યા : હવે એકાદ કલાકમાં નાગાસાકી. પણ ત્યાં શબ્દો સંભળાયા કંડક્ટરના : મિત્રો, અશુભ સમાચાર છે. આપણામાંના એક - કોસિજીએ હારાકીરી કરી. છેલ્લો શ્વાસ પણ... ! આપણે ત્યાં જવું પડશે. ‘હેં... હારાકીરી? કોસિજીએ...? ઓહ! ઈશ્વર..’ તુનાકી બોલી શકી નહોતી, ચીસ પણ પાડી નહોતી, ખળભળ હતી. શ્રદ્ધાંજલિ, મૌન, મૃત્યુ સંબંધી નિવેદનો, સામાનની તપાસ, આંસુ. થોડી ચણભણ : ક્યારના પહોંચી ગયા હોત! તુનાકી અક્ષરશઃ ભાંગી પડી હતી. કેવું કર્યું એ પુરુષે? કેવી નબળી ક્ષણોમાંથી ગુજર્યો હશે? મનોમન કેવો રિબાયો હશે? અંતે આવેગો રોકી શક્યો નહીં હોય. હિરોશિમાના વિનાશની પીડાઓ પણ ગૌણ બની ગઈ હશે. તેનું રૂપ, ખરેખર તો તેનું સુડોળ તન કારણભૂત હતું. ભલા હતા બિચારા પણ ભાન ભૂલ્યા! કોઈના શબ્દો સંભળાયા : ભલા હતા, હિરોશિમાના વિનાશથી વ્યગ્ર હતા. અરે, સંત થવા જઈ રહ્યા હતા. અમલદારે વિધિઓ આટોપી હતી. સામાનમાંથી પુત્રનું ટોકિયોનું સરનામું મળ્યું હતું. અને ત્યાં જ નાગાસાકી તરફની દિશા અગન-જ્વાળાથી સળગી હતી. કાળાંડિબાંગ વાદળાંઓએ આકાશ ઘેરી લીધું હતું. ઓહ? નાગાસાકી પર ? સર્વનાશ, મૃત્યુ તાંડવ, રાખના ઢગલાં? ચીસો પડી ગઈ. પરિચિત હતાં સૌ. માણસો કંપતા હતા. તેમના અવાજો પણ. આખોમાં ડર અંજાઈ ગયો હતો. તુનાકી અકુરાને વળગી પડી હતી. કલાકો પછી બધું શમ્યું હતું. પહેલો પ્રત્યાઘાત એ હતો કે બચી ગયા આ તો! બીજી વાર બચી ગયા! ચહેરાઓ પર હળવાશ હતી, હરખ હતો. પછીનો પ્રત્યાઘાત : કોસિજીને કારણે બચ્યા. તેમના મૃત્યુએ જીવન પામ્યા. કોસિજી તો સંત હતા. પછી કોરસમાં શરૂં થયું : કોસિજી સંત પુરુષ હતા. ખરે... સંત હતા. એકમાત્ર તુનાકી મંદ સ્વરમાં બબડી રહી હતી : તે માણસ હતા. હા, તે માણસ જ હતા. માટીના માણસ. ઇતિહાસની બે તારીખો વચ્ચે આ ઘટના પણ બની હતી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ⚬❖⚬❖⚬❖⚬❖⚬