નવલકથાની નાડીપરીક્ષા
વડોદરા ખાતે લેખકમિલન મળ્યું ત્યારે ગુજરાતી નવલકથાની તાત્કાલિક સ્થિતિ વિશે ચિંતાભર્યા ખબરઅંતર પુછાયેલા. એ વેળા આ લખનારે એ ચર્ચામાં ભાગ લેતાં કહેલું કે ગુજરાતી નવલકથાનો આજે નાભિશ્વાસ ચાલી રહ્યો છે. એ અરસામાં પશ્ચિમમાં પણ આવી જ ચિંતા વ્યક્ત થઈ રહી હતી અને અંગ્રેજી સામયિકોમાં ‘ઈઝ ધ નોવેલ ડેડ?’ એવી પૂછતાછ સાથે ચર્ચાઓ થઈ રહી હતી એનો મારા વક્તવ્યમાં આડકતરો પડઘો પણ હતો. હવે મુંબઈમાં ગુજરાતી નવલકથાકારોનું સંમેલન મળી રહ્યું છે ત્યારે પેલી નાભિશ્વાસ લઈ રહેલી નવલકથાની નાડીપરીક્ષા કરવાનું પ્રાસંગિક ગણાશે. આજે કોઈ કહે કે ગુજરાતી નવલકથાનો હજી પણ નાભિશ્વાસ જ ચાલી રહ્યો છે, તો એ વિધાન વદતવ્યાઘાત જેવું ગણાય. છતાં નાભિશ્વાસ લઈ રહેલ દરદીને હવે આરામ થઈ ગયો છે કે એનો કાયાકલ્પ થઈ ગયો છે એવું કહેવાની પણ કોઈ તબીબ હિંમત કરી શકે એમ નથી. ‘નેતિ નેતિ’ ઢબનું નિરાશાના પયગંબર જેવું વલણ લેવાનો ઇરાદો નથી. પણ પ્રામાણિકપણે નિરીક્ષણ કરતાં, જૂજ એકલદોકલ અપવાદ બાદ કરતાં, ગુજરાતી નવલકથાએ બહુ મોટી હરણફાળ ભરી દેખાતી નથી. કશી લઘુતાગ્રંથિથી પીડાયા વિના કે પારકે ભાણે મોટો લાડુ ભાળવાનો પ્રયત્ન કર્યા વિના પણ એટલું તો કબૂલવું જ રહ્યું કે, પ્રજાજીવનને ઝણઝણાવી મૂકે એવી પ્રાણવાન નવલકથાઓ ગુજરાતમાં બહુ ઝાઝી નીપજતી નથી. બંગાળીમાં બિમલ મિત્રકૃત ‘સાહેબ બિબિ ગોલામ’નું આજે અગિયારમું મુદ્રણ ચાલે છે, મનોજ બસુની કથા, ‘ભૂલી નાઈ’માં બેંતાલિસની કથાવસ્તુ હોવા છતાં આજે એ વીસમી આવૃત્તિ વટાવી ગઈ છે. દિલ્હીની દુનિયાના રંગરાગ આલેખતી યાયાવરકૃત ‘દૃષ્ટિપ્રદીપ’ તેત્રીસમી આવૃત્તિમાં પ્રવેશે છે. એને સામે પડછે ગુજરાતમાં નવલકથાનાં વાચન-વેચાણ નહિવત્ જ લાગે. પરપ્રાંતમાંની નવલકથાઓના વેચાણ ખપતના સ્થૂળ આંકડાઓથી અંજાઈ નહિ જઈએ પણ બંગાળ કે મહારાષ્ટ્ર જેવા, મુકાબલે ઓછા સાધનસંપન્ન પ્રાંતોમાં કોઈ પ્રાણવાન નવલકથાનું પ્રકાશન પ્રજાજીવનમાં એક ચેતનાનો સંચાર કરી મૂકે છે એ અનુભવ આપણે ત્યાં અજાણયો જ છે. નવલથાકાર સંમેલન આ સ્થિતિનું પણ નિદાન કરે એમ ઇચ્છીએ. નાટકની પેઠે નવલકથાનું સર્જન પણ એકંદરે સમાજજીવનની ચેતના ઉપર આધાર રાખતું હોય એમ માનવાનું મન થાય એવી સામ્પ્રત જીવનની તાસીર જણાય છે. ગદ્યલેખન પ્રકાર પોતે જ પ્રજાજીવનની સામૂહિક ચેતનાની નીપજ છે. પ્રજાની પોતાની પ્રાણશક્તિ સોળે કળાએ પાંગરી હોય ત્યારે ઉત્તમ નાટકો નીપજ્યાં હોવાનું પ્રાચીન ગ્રીસથી માંડીને એલિઝાબેથનયુગી ઇંગ્લૅન્ડ સુધીના ઇતિહાસમાં નોંધાયું છે. નવલકથા વિશે પણ આવા જ અનુમાન પર આવવું પડે એવી સ્થિતિ છે. કામૂ કે કૉલિન વિલ્સનનાં ચાંદૂડિયાં પાડ્યે આપણી નવલકથાનું દળદર નહિ ફીટે. આપણી પોતાની સમગ્ર પ્રજાજીવનની પ્રાણશક્તિ જ આપણી સર્જકતાની પારાશીશી બની શકે. ગુજરાતી નવલકથા એથી ઊંચેરું ગજું ન દાખવી શકે તો કોઈને દોષ નહિ દઈએ. તેથી જ, આ પ્રકારનાં સંમેલનો પણ નવલકથાની સર્જકતાનો આંક રાતોરાત ઊંચો લાવી આપશે એવી આશા કોઈ ન રાખે. બહુબહુ તો સર્જક માટે કેટલીક સાનુકૂળ હવા ઊભી કરવામાં આવાં મિલનો મદદગાર બની શકે. જોકે, જે દરદીની નાડીપરીક્ષા કરવાની છે એને માટે તો જાહેર કે જંગી સભાઓ કરતાં શાંત લેબોરેટરી કે ઑપરેશન થિયેટર જેવાં નાનાં વર્તુળો જ વધારે અનુકૂળ ગણાય. છતાં જાહેર મેળાવડાઓમાં થતી બે વિચારોની આપલે પણ આડકતરી રીતે ઉપયોગી બની રહે ખરી અને એવી ફળશ્રુતિની અપેક્ષા સાથે આ સંમેલનને સફળતા ઇચ્છીએ.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> *
નવલકથાના નાભિશ્વાસની નાડીપરીક્ષા વિષેનો મારો લેખ છપાઈ ગયા પછી અમદાવાદના એક વાયુઅનુકૂલિત ઉપાહારગૃહની ઠંડકમાં ગરમાગરમ એસ્પ્રેસો કૉફી પીતો બેઠો હતો ત્યારે નિરુભાઈ દેસાઈએ એ ઠંડાગાર રેસ્ટોરાંની ઠંડક ઉડાડી મૂકે એવો મારકણો પ્રશ્ન પૂછ્યો : ‘નવલકથા મરી ન પરવારે તો બીજું શું થાય?’ એમનો કહેવાનો ભાઈનો મતલબમાં આ જાતનો હતો : ગુજરાતી નવલકથા મરણપથારીએ પડી છે એની પાછળ લેખકોની જ જવાબદારી છે. આપણા નવલકથાકારો નવું વાંચે, વિચારે કે સંવેદે નહિ તો પછી સારી નવલકથા લખાય જ શી રીતે? નિરુભાઈએ તો નામ પાડીને કેટલાક લેખકોના દાખલા આપ્યા. ‘આ લોકોએ પોતાના સિવાય બીજા કોઈનાં લખાણો વાંચવાના સમ ખાધા છે...મિત્રોનાં લખાણ પણ નથી વાંચતા.’ મારાથી મજાક થઈ ગઈ : ‘અરે બીજાઓનાં લખાણની મોકાણ ક્યાં માંડો છો, પોતાનાં જ લખાણોનાં પ્રૂફ પણ તેઓ નથી વાંચતા. પોતાનું લખાણ લખ્યા પછી તેઓ એકાદ વાર ફરી જોઈ જતાં હોય તો પછીની નવલકથાઓમાં એનું જ પુનરાવર્તન તેઓ ટાળી શકે.’ મજાકમાંથી ગંભીર ચર્ચા શરૂ થઈ. નિરુભાઈની વાત સાચી હતી. તેમણે લેખકોને જે ટોણો માર્યો એ આજે એકલા નવલકથાકારોએ જ નહિ, સહુ સર્જકોએ વિચારવા જેવો લાગે છે. આજે આપણે ત્યાં નવલકથાકારોની સર્જકતાને વૃદ્ધિગત કરે, સમૃદ્ધ બનાવે એવી આબોહવા નથી. પણ એ માટે સર્જક પોતે પણ ઓછો જવાબદાર નથી. એક સરેરાશ અને નમૂનેદાર નવલકથાલેખકનો દાખલો લઈને વિચારીએ તો એની રોજ-બ-રોજની રહેણીકરણી, હરફર, વાતચીત-વિચાર આદિમાં સર્જકતાને પોષનારું તત્ત્વ ભાગ્યે જ સાંપડતું હોય છે. એની દિનચર્યા ઘણુંખરું તો ઘટિકાયંત્ર જેટલી નિયત થઈ ચૂકી છે. રોજ ઊઠીને એ એકની એક જ વ્યક્તિઓને મળતો હોય છે, એકના એક જ પડોશીઓ સાથે વહેવાર રાખતો હોય છે, એક જ મિત્રજૂથમાં મહાલતો હોય છે, એમની જોડે એક જ પ્રકારની વાતચીત, ટોળટીખળ કે નિંદા–પ્રશંસા કરતો હોય છે. એના જીવનની ઘટમાળામાં જાલિમ એકવિધતા હોય છે. જિંદગીની આવી ચીલાચાલુ રફતારમાં એને કોઈ નવો અનુભવ, નવું વિચારબીજ, નવી ચિંતનકણિકા કે નવું સંવેદન સાંપડે ક્યાંથી? વર્ષો પહેલાં રમણલાલ વસંતલાલ દેસાઈએ ઘણું કરીને ‘હૃદયનાથ’ નવલકથાની પ્રસ્તાવનામાં આ મતલબનું જ નિરીક્ષણ કર્યું હોવાનું આજે સાંભરે છે. એમણે અર્ધગંભીર શૈલીએ ટકોર કરેલી કે ગુજરાતીઓની અનુભવસૃષ્ટિ અત્યંત મર્યાદિત છે. કોઈ મગનલાલ નામનો માણસ એવરેસ્ટનું આરોહણ કરે એ કલ્પના જ અશક્ય છે, એવું એમણે સોઈઝાટકીને કહેલું. આજે અમદાવાદમાંથી ગુજરાતી યુવાનો નહિ, યુવતીઓ પણ પર્વતારોહણ કરી આવી છે અને હવે એ જ તરુણીઓ નંદાદેવી શિખર પર પહોંચવા માગે છે. છતાં આપણા લેખકોસર્જકોની અતિ મર્યાદિત અનુભવસૃષ્ટિ અંગેની રમણલાલની ટકોર તો આજે પણ એટલી જ સાચી રહે છે. અલબત્ત, સર્જકને કશા સ્થૂલ અનુભવની અનિવાર્યતા નથી રહેતી. સર્જકના અનુભવો આંતરિક હોય, માનસિક હોય, એનાં સંવેદનો સૂક્ષ્મ હોય, એનું રસાત્મક વિશ્વ પૃથ્વીના પટ કરતાંયે વિશેષ તો પોતાના માનસપટ પર પથરાયું હોય, પણ પ્રશ્ન એ થાય છે કે આજના નવલકથાકારની આ મનઃસૃષ્ટિ પૂરતા પ્રમાણમાં વિશાળ છે ખરી? સૂક્ષ્માતિસૂક્ષ્મ સંવેદનો ઝીલી શકે એવું રડારયંત્રની કક્ષાનું એનું સંવેદનતંત્ર છે ખરું? બીજી રીતે કહીએ તો, આજનો કલાકાર સ્થૂલ ઘટનાઓ નહિ તોય અવનવીન મનોઘટનાઓ અનુભવે છે ખરો? સાહિત્ય પ્રત્યે સૂગ ધરાવનારા લોકો આજ સુધી તુચ્છકારથી કહેતા : ‘પેમલાપેમલીની વાતોમાં તે શું વાંચવાનું બળ્યું હોય...!’ આજે પણ આ ‘બળ્યું’ આપણે સર્વાંશે ટાળી શક્યા છીએ એમ નહિ કહી શકાય. પ્રેમ અને એનો ત્રિકોણ એ દુનિયાભરની નવલકથાઓમાં એક માનીતો વિષય છે. હૃદયનો એ એક અત્યંત ઉમદા અને દિવ્ય વ્યાપાર છે એની ના નહિ, પણ એનું આલેખન આપણે ત્યાં જે રીતે થઈ રહ્યું છે એમાં એનું ઉમદાપણું કે એમાં રહેલી દિવ્યતા કશું સચવાય છે ખરું? એમ લાગે છે કે લેખકો આજકાલ નવલકથાનો એક જ ઢાંચો વાપરી રહ્યા છે. પરિણામે ઘણી રચનાઓ ઢાંચાઢાળ જ નહિ, એકબીજાની અનુકૃતિ જેવી પણ દેખાય છે. ઘણી નવલકથાઓ નિષ્પ્રાણ દેખાય છે, એનું કારણ એ છે કે જે કૃતિઓ પરથી એનો ઘાટ ઘડાયો હોય છે એ મૂળ રચનાઓ પણ નિષ્પ્રાણ હોય છે. પરિણામે બજારમાં એકસરખો નિઃસત્ત્વ માલ ઉભરાતો દેખાય છે. આજે ચીલાચાલુ ગુજરાતી નવલકથા ઘોંચમાં પડી ગઈ છે. એ ચીલો એટલો બધો વપરાઈ ચૂકેલો છે કે એમાં ઘોંચ ઊભી ન થાય તો જ નવાઈ. અને નવલકથાનું ગાડું એ ઘોંચમાંથી બહાર નથી આવી શકતું એનું કારણ કોઈ નવી સત્ત્વશીલ સર્જકતાનો અભાવ છે. વગવશીલા ધરાવનાર કોઈ એકાદ લેખક પોતાની કૃતિ યુગપ્રવર્તક કે શકવર્તી ગણાવતા ઢોલતાંસા વગડાવે ત્યારે તો આપણી સર્જનદરિદ્રતા જ નહિ, વિવેચનદરિદ્રતા પણ છતી થઈ જાય છે. એક મિત્રે પૂછ્યું : ‘આપણી નવલકથાને કોણે મારી નાખી...? મેં કહ્યું : ‘ખુદ નવલકથાએ જ.’ વીંછણ પોતે જ પોતાને ઝેરી ડંખ મારીને મરણ-શરણ થાય છે એવું સાંભળ્યું છે. એ વાત, સાચી ન હોય તો પણ ગુજરાતી નવલકથા માટે એ રૂપક બહુ બંધબેસતું જણાય છે.
ઑકટોબર-નવેમ્બર, ૧૯૬૨