વીતી વર્ષાઋતુ, થંભ્યું ગભીરું ઘનગર્જન,
ધારે આકાશને સ્વચ્છ, સ્વચ્છ કાસારદર્પણ.
ગઈ વર્ષા પુનઃ શોભી રહ્યું આકાશ ઉજ્જવલ
નીલું, ઝૂલી રહ્યું જાણે પૃથ્વીપંકે નીલોત્પલ.
કૃતસ્નાન ધરા શોભે સુન્દરી નવસ્નાત શી
વસ્ત્ર આભૂષણે સજ્જ અલેતી અભિજાત શી!
સુકાયો પંક ને ખીલ્યાં કાસારે શ્વેત પંકજ
સીમથી આવતાં સાંજે ધણોની ઊડતી રજ.
વર્ષાસમૃદ્ધ સંસારે પ્રયોજ્યા કૈંક ઉત્સવ
દેવોને તોષવા, પીવા ઉલ્લાસાનંદઆસવ.
સમૃદ્ધ શાલિનાં ક્ષેત્રો, નિહાળી ડોલી ઊઠતા
કૃષિકારો, રહે ડોલી વાયુસ્પર્શે ડૂંડાં યથા.
હોમ ને હવનો કેરો ઉત્સરે ધૂમ ગોંદરે
ગામના, શુચિતા ગંધે વાતાવરણને ભરે.
ચઢેલા વાડવેલાનાં પીળાં ફૂલ પરે વસી
પીતાં પતંગિયાં મીઠા મધુના ઘૂંટ ચશ્ચશી
ભર્યાંપૂર્યાં નવાણોની કાયા જો ઓસરી ગઈ
ઓસરે જેમ ગર્ભિણીકાયા પ્રસૂતિની પછી.
પ્રભાતે તૃણપર્ણોમાં ઝગે ઝાકળબિન્દુઓ
રાતે રૂપે રસે વ્યોમ શશીનાં સૌમ્ય રશ્મિઓ.
રમણી નમણી ઠેકે, પડે રાસની તાલીઓ
ઢોળાતી રસની તાજી ભરી યૌવનપ્યાલીઓ.
સ્થળ સૌ જમનાતીર બન્યાં ને નરનારીઓ
વ્યગ્ર સૌ ગોપગોપીશાં, ચંદ્ર પૂનમનો ચઢ્યો.
નીલા આકાશમાં સોહે બિંબ શું મનભાવન
ઢળેલું કૃષ્ણના સ્કંધે જાણે રાધાનું આનન!