મર્મર/ઉનાળાનો દિવસ

Revision as of 09:33, 14 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉનાળાનો દિવસ

દિવસ વહતો ઉનાળાને ધીમેપદ નીરવ
રણ મહીં યથા ધીમી ચાલે જતાં ઊંટ-કાફલા;
ચહુદિશ રહ્યો રેતી કેરો લૂખો પટ વિસ્તૃત,
પશુગણની છાયામાં ટૂંકી મૂકે પથિકો ડગ.

વરસતી લૂમાં ચાલે ઊંટો સ્થિર, ક્ષિતિજે દૃગ
મૃગજલ તણું દૃષ્ટિ સામે તરંત સરોવર
ઝૂકી તરુ રહ્યાં જેને કાંઠે છળંત મુસાફિર
જહીં દૃગ રહ્યા, રોધી રેતી તણા ઢગ એકલા.

તહીં દિવસને અંતે દેખે દૃગો રણદ્વીપને
જહીં ખજૂરીનાં, ફુવારા શાં લીલા જલને દ્રુમ;
નીરખી ઊંટ ઝોકાવી થાક્યા ઢળંત મુસાફિરો
શીતલ જલના પાને તાજા, મુલાયમ રેતમાં.

દિનદહનને અંતે કેવું શશીમુખઅમૃત!
રજની અરબી રાત્રિઓની કથા સમ અદ્ભુત!