ઉનાળો
રે આવ્યો કાળ ઉનાળો
અવની અખાડે, અંગ ઉઘાડે, અવધૂત ઝાળજટાળો.
રે આવ્યો૦
એના શ્વાસે શ્વાસે સળગે
ધરતી કેરી કાયા;
એને પગલે પગલે ઢળતા
પ્રલય તણા પડછાયા.
ભરતો ભૈરવ ફાળો. —રે આવ્યો૦
એના સૂકા હોઠ પલકમાં
સાત સમુન્દર પીતા
એની આંખો સળગે જાણે
સળગે સ્મશાન ચિતા.
સળગે વનતરુડાળો. —રે આવ્યો૦
કોપ વરસતો કાળો
રે આવ્યો કાળ ઉનાળો.