ધ્વનિ/સર્જક-પરિચય

Revision as of 17:49, 5 May 2025 by Atulraval (talk | contribs)


સર્જક-પરિચય

રાજેન્દ્ર શાહ (જન્મ: કપડવણજ-૧૯૧૩) પૂંઠાંના આ ઉપરણા પરની એમની જન્મતિથિ પ્રમાણે તો એ નવિન કવિઓની પેઢીના કવિ છે, પણ બે પૂંઠાં વચ્ચેનાં પાનાંઓ પરની કાવ્યકૃતિઓની જન્મતિથિ પ્રમાણે એ નવીનતર કવિઓની પેઢીના કવિ છે. પણ વચમાં એકાદ દશકો એમની કવિતાએ બંગાળનો પ્રવાસ કર્યો એમ એમની અપ્રગટ કાવ્યપોથીઓ કહે છે.

આ શ્રેયસ્સાધક અધિકારી વર્ગના વિદ્યાર્થી અને ફિલસૂફીના સ્નાતક, કવિ થવાને માટે પૂરતો સંસારનો અનુભવ લઈને તથા એમનું જન્મસ્થાન કપડવણજ હોવાથી વાત્રક-કાંઠાના પ્રદેશના એમના શૈશવનાં સ્મરણો લઈને ૧૯૪૪થી મુંબઈમાં વસ્યા ત્યાર પછીની મુખ્યત્વે આ રચનાઓ છે. આથી જ તો જીવનના અનુભવોનું રહસ્યદર્શન અને ગ્રામપ્રદેશનાં વાસ્તવચિત્રો એમની કવિતાના સૌથી વધુ પ્રિય અને સૌથી વધુ સફળ વિષયો છે.

એમની શૈલીમાં અનેક શૈલીઓનું મિશ્રણ, એટલે કે વૈચિત્ર્ય હોવા છતાં એમાં પ્રૌઢિ અને પ્રાસાદિક્તા છે. એમને, એક પ્રૌઢ કવિમાં જે અનિવાર્ય તે, શબ્દની શક્તિનો પરિચય છે, શબ્દના સૌન્દર્યની પરખ છે, શબ્દના સંગીતની સૂક્ષ્મ સમજ છે. શબ્દના ધ્વનિ-એના સ્થૂલ અને સૂક્ષ્મ બન્ને અર્થમાં-ની આ સૂઝ સંગ્રહનું નામ સાર્થ કરે છે.

આમ, ‘ધ્વનિ'ની કવિતાને સંગીતમય ચિત્ર અથવા ચિત્રમય સંગીત કહી શકાય.

નિરંજન ભગત