ધ્વનિ/પૂર્ણિમા નિત્ય રમ્ય

Revision as of 02:15, 5 May 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પૂર્ણિમા નિત્ય રમ્ય}} {{Block center|<poem> સોહે કેવી શરદ તણી આ પૂર્ણિમા સ્નિગ્ધ શાન્ત! જેનાં ઝીલી કિરણ, જગ જોને બન્યું દૃષ્ટિ કાન્ત. આંહી છે જાગ્રતિ નહિ, નહિ સુપ્તિ વા, કો તુરીય લાધી જાણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પૂર્ણિમા નિત્ય રમ્ય

સોહે કેવી શરદ તણી આ પૂર્ણિમા સ્નિગ્ધ શાન્ત!
જેનાં ઝીલી કિરણ, જગ જોને બન્યું દૃષ્ટિ કાન્ત.
આંહી છે જાગ્રતિ નહિ, નહિ સુપ્તિ વા, કો તુરીય
લાધી જાણે અગમ સ્થિતિ વાણી થકી જે અકથ્ય.

આને કે’વી રજનિ? દિન વા?-બેઉથી યે નિરાળી
એની તેજોમય રિધ શી અંધારને રહે ઉજાળી!
ઊંચા નીચાં પુર ભવન, કાસાર, તે વૃક્ષ પેલાં
દીઠેલાં તે અદીઠ સમ લાગે, અરૂપે રસેલાં.

ને વાયુની લહરિમહીં વેરાય શી મંદમંદ
તારી વેણી થકી પ્રગટતી કુંદ કેરી સુગંધ!
વ્રીડા-ઝીણી તવ મધુર વાણી અહો જાદુપૂર્ણ,
હૈયા-વ્યોમે રણઝણી છવાઈ રહી, થૈ બુલંદ.

બીજી તે શી અધિક ગરવી? રે મને નિત્ય રમ્ય,
લાધ્યો મારી હૃદય-રતિનો સ્પર્શ જેને અનન્ય.
૩-૧૧-૪૬