૬૫
કોઈક વાર એમ થાય, ભગવાન!
કે જીવનમાં અમને કોઈ અસાધારણ સિદ્ધિ મળી નહિ.
કોઈ અદ્ભુત સર્જન, કોઈ મહાન કાર્ય અમારા હાથે થયાં નહિ.
બુદ્ધિનો પ્રખર વૈભવ, મોહક સૌંદર્ય, આંજી નાખતી છટા
કે વાક્શક્તિ અમને મળ્યાં નહિ.
જિંદગી આખી પ્રાણ રેડીને કામ કર્યું, પણ
સ્વજનોમાં કે સમાજમાં તેની જોઈતી કદર થઈ નહિ.
આવું આવું મનમાં થાય,
પછી અંદર અસંતોષ જન્મે, ગુસ્સો આવે,
ઈર્ષ્યાથી હૃદય ભરાઈ જાય
આ ભાવોને ફરી ફરી ઘૂંટવાથી અમારો અભાવ વધુ પુષ્ટ બને
અને અમે વધુ નિમ્નતામાં સરીએ.
આ તે કેવી મૂર્ખતા! આ કેવું મિથ્યાભિમાન!
જે હૃદયમાંથી તારું નામ ઊઠ્યું છે, તે હૃદય સુંદર છે, મોહક છે.
જે તને સંપૂર્ણ સમર્પણ કરી શકે, એના જેટલો મહિમા
બીજા કોનો છે?