બાળ કાવ્ય સંપદા/જળકમળ છાંડી જાને

Revision as of 04:29, 10 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જળકમળ છાંડી જા રે

લેખક : નરસિંહ મહેતા
(ઈ. સ. 15મી સદી)

જળકમળ છાંડી જા રે, બાળા ! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મા૨શે, મને બાળહત્યા લાગશે.
કહે રે બાળક ! તું મારગ ભૂલ્યો ? કે તારા વેરીએ વળાવિયો ?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયાં તે શીદ આવિયો ?'
‘નથી નાગણ ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જૂગટું રમતાં નાગનું શીશ હું હારિયો’
'રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો ?'
'મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નહાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.’
'લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો.’
'શું કરું, નાગણ ! હાર તારો ? શું કરું તારો દોરિયો ?
શાને કાજે, નાગણ ! તારે ઘરમાં કરવી ચોરીઓ ?'
ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયોઃ
'ઊઠો રે બળવંત, કોઈ બારણે બાળક આવિયો.'
બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ર ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો.
નાગણ સહુ વિલાપ કરે છે: નાગને બહુ દુ:ખ આપશે,
મથુરાનગરીમાં લઈ જશે, પછે નાગનું શીશ કાપશે.
બેઉ કર જોડીને વીનવે: 'સ્વામી ! મૂકો અમારા કંથને;
અમો અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.’
થાળ ભરી શગ મોતીએ શ્રીકૃષ્ણને રે વધાવિયો;
નરસૈંયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવિયો.