બહેન મારી ને…
લાલ ને લીલી, વાદળી પીળી,
કેસરી વાળી, જાંબલી વાળી,
રંગબેરંગી ઓઢણી લઉં,
બહેન મારીને ઓઢવા દઉં?
ચંપા, બકુલ, માલતી, પારુલ,
મોગરાનાં ફૂલ, બોરસલી ફૂલ,
બાગમાંથી હું ચૂંટી લાવું,
બહેન મારીને ગૂંથવા દઉં?
સોને ઘડ્યા, રૂપે ઘડ્યા,
નાના નાના ઘૂઘરા ઝીણા,
એવાં બે ઝાંઝરિયાં લઉં,
બહેન મારીને પહેરવા દઉં?
ઓઢણી તમે ઓઢજો બહેની,
વેણી માથે ગૂંથજો બહેની,
ઝાંઝર પગે બાંધજો બહેની,
બાગમાં ઘૂમી, હીંચકે હીંચી,
સાંજરે ઘેરે આવજો બહેન?
ભાઈને સાથ લાવજો બહેન?
— સોમાભાઈ ભાવસાર