સોનાનાં વૃક્ષો/વૃક્ષો, વરસાદ અને હું

Revision as of 06:09, 26 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૩. વૃક્ષો, વરસાદ અને હું
Sonanam Vruksho - Image 19.jpg

વનના વાઘ જેવા ઉનાળાને પહેલા વરસાદે નંદવી નાખ્યો છે. થોડોક તડકો ઘાયલ થયેલા પ્રાણી જેવો પડેલો દેખાય છે. હજી આભ ક્રુદ્ધ છે. વાદળો મન મૂકીને વરસ્યાં નથી એથી ગ્રામદેવતા ઉદાસ છે. વાયરા ગૂંચવાઈ ગયા છે, દિશાઓ ના સૂઝતી હોય એમ એ જ્યાં ને ત્યાં ચક્કરભમ્મર ભમ્યા કરે છે ને પોતાનો ગુસ્સો વૃક્ષો ઉપર ઠાલવે છે. ઘડીમાં એક દિશામાંથી આવે છે ને પાછી કંઈક ભૂલ થતી લાગતાં સાવ પડી જાય છે.. ભણતરમાં ભૂલેલા યુવાનની જેમ એમનો રઝળપાટ એમને ઠેરના ઠેર રાખે છે. જોકે ક્યારેક એક સામટા જોમે સડસડાટ વાઈને આ વાયરા તો સોંસરા નીકળી જવાના છે – મલકપાર! આપણે જ ઝટ બધું છોડી શકતા નથી. માયાએ, અરે! કહેવાતા આ ગૃહસ્થીપણાએ આપણને મુશ્કેટાટ બાંધી રાખ્યા છે. કોઈએ આપણને મોકો જોઈ જોઈને કેટકેટલું પકડાવી દીધું છે. – આપણેય જાણેઅજાણે ભોળપણમાં કે રાજી થઈને બધું પકડી લીધેલું, તે હવે મૂક્યું મૂકાતું નથી, ઝૂકીને બેવડ વળી જવાય છે પણ છોડાતું નથી. મારા જેવાને તો વૃક્ષોનીય માયા લાગે છે... ‘મુખડાની માયા’ લગાડવાના દિવસો વહી ગયા; સમયે આપણને શાણા બનાવી દીધા છે, હવે તો ‘મોહન પ્યારા…’ –ના મુખડાની માયા લગાડવા મથવાનું છે. પણ આ વાંદરપૂંછુ મન માનતું નથી. હજી ‘અરમાન ભરા દિલ હૈ–’ ખબર નથી આપણે કોને હવાલે છીએ? ને હવાલાકાંડવાળા બરોબરના સલવાઈ ગયાનું છાપાં બોલ્યા કરે છે... વેડાઈ ગયેલા આંબે વધીઘટી કેરી સૂડો કરકોલ્યા કરે છે... નવી સરકારમાં વધુ ‘ભૂખ્યા’ લોકો આવ્યા છે તે પ્રજાનું વધારે ‘ખાશે’ – એવી ચર્ચાઓ ચારેકોર સંભળાય છે. શિક્ષણમાંય ટકાવારી સસ્તી થઈ ગઈ છે – ઊંચા ગુણાંકેય પ્રવેશ નથી મળતો એવાં રોદણાં આ ઋતુમાં વર્ષોવર્ષ સંભળાયા કરે છે... પછી ધોધમાર વરસાદ પડે છે ને બધા પ્રશ્નો દબાઈ જાય છે. સો વાતની સાક્ષી જેવાં વૃક્ષો પાસે જો જબાન હોત તો એ આપણને ઘણું ઘણું કહેત... પણ એમની પાસે તો ફૂલપાંદની ભાષા છે – જે સમજનારા ઓછા છે. આ બોરસલી જ જુઓને! લખપતિના બંગલા બહારનાં વૃક્ષો વચાળે જાત સંતાડીને ઊભી છે તે, કેટકેટલાં વર્ષો પછી મેં આજે સવારે શોધી કાઢી... એ તો ભારે સંકોચશીલ; પણ કન્યાનાં કર્ણફૂલ જેવાં એનાં ઝીણાં પણ ઝમકદાર ફૂલોને જોતાં જ હું એની પાસે પહોંચી ગયો! રે, રે! ક્યાં હતી તું આટલાં વર્ષ?... ને એ મને પૂછતી હતી... ‘આટઆટલી રાહ જોવડાવવાની? ક્યાં ખોવાઈ ગયો હતો?’ ઈડરમાં ઘરેથી કૉલેજ જવાના મારા સવારિયા રસ્તા ઉપર ઊભું હતું એક બકુલ. વર્ષારંભે કોઈ પરીના કાલાકાલા શબ્દો જેવાં ફૂલો ખેરવતું... મને લાગેલું કે આ પુષ્પો નથી આ તો છે વિરહિણી શકુન્તલાનાં નકશીદાર આંસુ! કોઈ મોટા વ્યાપારી કોમ્પ્લેક્સે ભરખી લીધું હતું મારું ઘટાદાર બકુલ! આ એ જ છે એનો બીજો અવતાર; નાનકડી બોરસલીરૂપે; આ વૃક્ષનગરમાં પ્રથમવાર પામ્યો હું મારાથી વિખૂટી થઈ ગયેલી બકુલિકાને! મારાથી નારાજ થઈ ગયેલી એ મારાથી અંતર રાખીને ઊભી છે જાણે! હાસ્તો, અનુનય તો માગે જ ને! હું હવે રોજ સવારે આવીશ એની પાસે; વર્ષાભીની ખટમીઠી ગંધ ખોબે ભરવા… સાંજના આભમાં જાંબલી મેઘ મંડરાવા માંડ્યા છે. જાંબુડા ઉપર જાંબુ પાકી ગયાં છે. વરસાદ સાથે એય મહેર કરે છે આપણા ઉપર. એ બેઉને એક સાથે માણવા તો શૈશવ પાછું મેળવવું પડે. વર્ષાનો સ્વાદ તે તો જાંબુનો સ્વાદ, જેમ ઉનાળો કેરીમાં નહીં એટલો તરબૂચ–ટેટીમાં વહાલો લાગે છે. જાંબુનો તો રંગ પણ મેઘશ્યામ! પહાડોની તળેટીઓનાં જાંબુ વનોમાં વરસાદી સાંજ – સવારો ગાળવા મન લલચાય છે... આપણે કાંઈ જૈન મુનિ થોડા છીએ? આપણું તો સ્વાદ એ જ જીવન... રસ જ નહીં, રંગ, રૂપ, ગંધ, સ્પર્શ, સ્વાદરવ! વર્ષા આવે છે ને આવી આસક્તિઓ લાવે છે. લીંબોળીઓ પાકી ગઈ છે. રાયણની ભ્રાન્તિ કરાવતી લીમડા ડાળીઓ લચી પડે છે. પંખીઓ ચાખે છે કડવી કડવી મીઠાશ. લીંબોળી પાકે એટલે ઉનાળોય પાકી ગયો ગણાય; લીંબોળી ખરે એ સાથે ખરી જાય જેઠના આકરા તાપ.. ને વરસાદનો વાસ થાય વનોમાં.. વસતિમાં! યુનિવર્સિટી પાસેના લીમડાઓ નીચેથી સાંજસવારે પસાર થાઉં છું. કડવી કડવી સુગંધ ફોરે છે. હું એને શ્વાસમાં ભરી લઉં છું. એ ગંધમાં ભળી છે બીજી વાર મહોરેલાં શિરીષ પુષ્પોની સુવાસ! એક જુદી જ સિમ્ફની સંભળાય છે નાકને! આ રસ્તાઓ રસ્તાપણું ખોઈ દઈને રૂપાંતરિત થઈ જાય છે એક સુગંધિત ટનલમાં! એ ટનલમાં રણક્યા કરે છે તીવ્રમંદ લયાન્વિત સુગંધના સ્વરો. મિશ્ર ગંધસ્વરોની ફુહાર ભરાઈ જાય છે છાતીમાં – મસ્તિષ્કમાં... એક આખો આયુર્વેદિક સમય પસાર થતો હોય છે મારામાં! તોફાની વરસાદ વેળાએ ઊભો હોઉં છું આ વૃક્ષોરચિત ટનલમાં. વલોવાતાં વૃક્ષો માટે આવી વેળામાં આર્દ્ર થઈ જાઉં છું... પછી તો વૃક્ષો ને હું... વૃક્ષો, વરસાદ અને હું... બસ! ટપટપ ટપકતાં વૃક્ષો મને ધીમે ધીમે ઓગાળી દે છે. હું જળમાં જળરૂપે વહેતો વહેતો માટીમાં ભળીને પહોંચી જાઉં છું તરુમૂળમાં, મારા અસલ કુળમાં! મોડો મોડો ઘેર પહોંચું છું ત્યારે હું હું નથી હોતો, હોઉં છું કોઈ અવરગ્રહનો આદિમજન!

વિદ્યાનગરી, તા. ૧૭–૬–૯૬