કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/કૃષિગીત
વહેલી સવારે રઈવર પાણતમાં હાલ્યા,
પાણત કરતાં રે રઈવર હૈયે ભીંજાયા.
આભે ચંદરવો સાહ્યો ઝાકળનો નીચે,
ગોરીને એકલ મેલી – જીવ થાતો ઊંચો.
ઊગે ઉગમણી કોરે સોનેરી માયા
પડખું બદલે છે ધીરે ગોરીની કાયા.
ચાંદાને જોતો સૂરજ ઉગમણે ભોળો,
દાતણિયાં કીધાં, વંદી પાણેરો ઢોળ્યો.
ખેતરની વાડે ડમરો મઘમઘતો ડોલે
આંગણમાં તુલસીક્યારે ચરકલડી બોલે.
ઝટપટ ભાથું લઈ ગોરી લીલેરી વાટે,
વનરાવન આવે સામું રુદિયાને ઘાટે.
ભોજનિયાં જમતા રઈવર ટીંબાના ઢાળે
કાછોટો વાળી ગોરી ડામાં બે વાળે.
પાનીનું રૂપ સરકતું રમતું જુવારે,
ભોજનિયાં ભૂલી રઈવર આ શું નિહાળે!
૨૯-૧૦-૧૩
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (ધરાધામ, ૧૧૧)