ચંદ્રહાસ આખ્યાન/કડવું ૯

Revision as of 08:48, 7 March 2023 by Meghdhanu (talk | contribs) (કડવું ૯ Formatting Completed)
કડવું ૯

[ભણવા બેઠેલા ચંદ્રહાસના ધર્મજ્ઞાનથી વિદ્યાર્થી અને ગુરુ પ્રભાવિત થાય છે. બાળકોને ચંદ્રહાસ કક્કો શીખવે છે. આ કક્કામાં મોક્ષ મેળવવા અને જીવનના રહસ્યને પામવા કેવી રીતે જીવન જીવવું એનો ભક્તિસભર માર્ગ ચંદ્રહાસ બતાવે છે.]

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> રાગ : કલ્યાણી

મહારાજાએ વિમાસ્યું, દિન જોયો એક વારું;
પુત્રને ભણવાને કાજે ઘેર તેડાવ્યો અધ્યારુ[1].         

ત્યાં સોંપી આપ્યો પુત્રને ભણવાને ભૂપાળે;
અશ્વે થઈ અસવાર કુમાર ગયો ગુરુનિશાળે.         

ત્યાં ખડખડ હસિયો સાધુ દેખીને સઘળો સાથ;
‘શું ભણો છો સર્વે, ભૂર[2] મૂકી બ્રહ્માંડનાથ?         

તમો ગુરુ કરો ગોવિંદને, જેથી ન નિસરે વાંક;
નિર્મળ નામ નારાયણ ભણિયે, બીજો આડો આંક.         

ત્યારે નિશાળિયાએ મૂક્યું ભણવું, પાસે આવી સૌ બેઠા;
નિજ જ્ઞાન પ્રગટ્યું સૌ-હૃદયમાં, ભગવાન અંતરમાં પેઠા.         

નિશાળિયા પ્રત્યે ચંદ્રહાસ બોલ્યો, પ્રેમમધુરી વાણી :
‘સાંભળો નિશાળિયાનો સાથ, નાથની કહું કાહાણી.’         

કરો નિર્મળ મુખકમલશું નેહ, દેહ છે કાચી[3];
ખોટી સંસારની રીત છે, પ્રીત પરબ્રહ્મશું સાચી.         

ગુણ ત્રણ રહિત વિશ્વરાય, જેને નારદજી નમે;
ઘર ઘર ગતિ ગહન ચલવે, ડૂલ્યો ભૂલ્યો બ્રહ્માજી ભમે.         

નરહરજીને વંદો રે ભાઈ, નંદો પુત્ર-પરિવાર;
ચૌદ ભુવનનો જે સ્વામી કા’વે, નવ લહે તેનો કો પાર.         

છૂટો માતાના ગર્ભપાશથી, અવિનાશી અંતર આણો,
જગમાં છે જગદીશ સાચો, અનુભવ એવો જાણો.          ૧૦

ઝાંઝવાંનીર સંસાર વીરા, છે મૃગતૃષ્ણા જેવું,
નરહરજીનું નામ મુખે શત કામ મૂકી લેવું.          ૧૧

ટાળો, ભાઈઓ, મનનો દ્વેષ, એક જાણો અવિનાશી;
ઠાલો એક ઠામ નથી નિશ્ચે, મુરારિ રહ્યો પ્રકાશી.          ૧૨

ડગ ભરજો વિચારી મન, ન્યારી માયાની જાળ;
ઢુંકડું જાણો મૃત્યુ માથે, સત્ય નહિ મૂકે કાળ.          ૧૩

રણે છૂટશો આ અવતાર, બીજી વાર ગર્ભે નહિ આવો;
ત્રણ લોકને માંહે શ્રેષ્ઠ વિષ્ણુ કોણે નથી વહાવો.          ૧૪

થાવર જંગમ જેહ એહ રહ્યો વિસ્તારી;
દેવ વૃક્ષ દયાળ ડાળ ચાર કોર રહ્યો પ્રસારી.          ૧૫

ધરો ધ્યાન તમે ઊંચે પાગ, મુખભાગ હેઠો રાખી;
નમો નીચા થઈ ગોપાળ, ડાળ દોરડું નાખી.          ૧૬

પત્ર ત્યાંહાં ત્રિભુવનરાય છાય કરીને રહેશે;
ફળ સાટે મુક્તિનું દ્વાર ચતુર્ભુજ દેખાડી દેશે.          ૧૭

પછે બંધ છૂટશે બાળકા, કાળ કર્મ નહિ દેખે;
ભમવું નહિ પડે આવળે કાગળ ચઢશે લેખે.          ૧૮

મન મારી કરો ચૂર શૂર શા માટે ન થઈયે?
યમુનાપતિ જગદીશ સાચો, રૂપ ભૂપ જેવું લહિયે.          ૧૯

રાતો પીળો નથી રંગ, સંગ લક્ષ્મીનો જેને;
લેશે હરિનું નામ, ઠામ અવિચળ તેને.          ૨૦

વામન રૂપ વૈરાટ, ચોઘાટ ચાલે જેનો;
સમરે તે તરે સંસાર, ભાર ન રહે કેનો.          ૨૧

હરિ ખોળી લો રે મૂઢ, ગૂઢ અહમેવ મૂકી;
સંસાર ગયો સર્વે દુઃખે, રખે ચાલતા રે ચૂકી.          ૨૨

હરી મળે મોટો હર્ખ, નર્ક તકો રે નિવારે;
ક્ષમાએ મળે વિશ્વરાય, સંસારસમુદ્ર તારે.          ૨૩


એ કહ્યું કક્કાનું જ્ઞાન, ભગવાને બુધ્યજ આપી.’
કર જોડી કહે પ્રેમાનંદ, ગોવિંદે દુર્મતિ કાપી.          ૨૪

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> વલણ


‘કાપી દુર્મતિ ગોવિંદે,’ એમ કહે હરિજન રે;
સાધુસંગે નિશાળિયાને લાગ્યું રામશું લગન રે.          ૨૫




  1. અધ્યારુ – શિક્ષણ
  2. ભૂર – મૂરખ
  3. કાચી – નાશવંત

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted