સોનાનાં વૃક્ષો/પ્રકૃતિનું આક્રમણ
વર્ષાના દિવસો આવે છે અને પ્રકૃતિનું આક્રમક સ્વરૂપ છતું થઈ જાય છે. ડાળે ડાળે કૂંપળોના મેળા ભરાયા છે. પીળો રંગ દેશવટો પામ્યો છે. સવારનો સૂર્ય કંચનનો લેપ લઈ આવ્યો છે.. આભમાંથી વરસાદ નહીં, જાણે કે લીલાશ વરસી છે. તડકો સુવર્ણ પીંછીથી તરુવરોને હરિતપુટ ચઢાવ્યા કરે છે. વૃક્ષો આ પૂર્વે આટઆટલાં લીલાં ક્યારેય નહોતાં. બદામડીને જોબન આવ્યું છે. પીપળો જાંબલી કૂંપળોથી સાવ જુદો તરી આવ્યો છે. મહુડા – શીમળા – ગરમાળા નવાંનકોર વસ્ત્રો પહેરીને ઊભા છે. એમની લીલીછમ ઘટાઓ મેઘાડંબર ટાણે વધુ ઊંડી અને રહસ્યમયી લાગે છે. ક્યારેક થાય છે કે બધું જ છુપાવીને બેઠાં છે તરુવરો! મેઘ, તડકા, અંધકાર – બધું એમની સરહદોથી બહાર બનતું નથી. કાળ ઓઢીને ઊંઘી ગયેલું ઠૂંઠુંય આ ઋતુમાં જાગી જાય છે ને લીલી પાઘડી પહેરી જાનૈયાની જેમ વૃક્ષોના વરઘોડા વચ્ચે ઊભું રહી જાય છે. આમલી બદામપીળા કેસરી રંગના મોરથી ખચાખચ ભરાઈ – ઉભરાઈ જાય છે. લીમડા આભ આંબવા નીકળે છે એ જોઈને વાણિયા જેવો આંબો પણ થોડાં પાંદડાં પ્રગટાવી પોતાની શક્તિનો અણસાર આપે છે. સીતાફળીઓ પણ સાહસિક બને છે. ફૂટવું – ઊગવું આ ઋતુનો ગુણધર્મ છે.. બલકે મૂળ ધર્મ છે! માટી રૂપાંતરણ પામીને માયા રચાવે છે. વૃક્ષોની ભીતરમાં ભારે હલચલ થતી હશે, આવનારી ઋતુઓની – કૂંપળ ઉપરાંત ફૂલ–ફળની તૈયારી તળ–મૂળમાં તો આ જ દિવસોમાં આરંભાતી હશે. એટલે વૃક્ષો ફૂટે છે એમાં જીવનના કલ્યાણનો સંકેત છે. આપણા જમાનામાં તો માણસો ફૂટે છે.. આમ તો પથ્થર હૃદયના હોય છે... એ ‘ફૂટે છે’ એટલે કે જીવનના તાલને, ચેતનાને, સત્યને, મૂલ્યોને એ ફોડી–તોડી નાખે છે. એ ચૈતન્યને ખળભળાવીને ખોટે માર્ગે દોરવા મથે છે. જ્યારે વૃક્ષો તો ચૈતન્યને સ્વસ્થરૂપ આપીને સૃષ્ટિને ‘સૌંદર્યવતી ધરા’માં ફેરવી આપે છે. વૃક્ષો છે તો જીવવાનું ગમે છે. ઘર પાસેનું ઝાડ આપણી દોહ્યલી વેળાઓને હળવી બનાવે છે એ ઘણાને પમાતું નથી. તરુવરોનો સહવાસ કે અભાવ આપણો સ્વ–ભાવ નક્કી કરે છે. આપણી મનસ્ ચેતના ઉપર પ્રકૃતિનો સૌથી વધુ પ્રભાવ હોય છે. વર્ષાના દિવસોમાં એમાં ભરતી આવે છે. દરિયો પહાડો ઉપર જવા ઊછળે છે... ને નદીઓ એને ટાઢો પાડવા દોડતી જાય છે. પ્રકૃતિનું આ આક્રમણ અતિ ભોગ્ય છે. ઓછો વરસાદ અને વધુ તાપ છે. લોકોને એનોય સંતોષ છે. કોઈકના આવવાની આશાએ ગુલમોરોએ હજી ફૂલો સાચવી રાખ્યાં છે. શૈશવની કોઈ મૂલ્યવાન સ્મૃતિને વાર્ધક્યે ગળે વળગાડી રાખનાર સજ્જન જેવા અમલતાસે કેટલાંક સુવર્ણ પુષ્પો ઘટાની ભીતર સંતાડી રાખ્યા છે. હું એ સુવર્ણસેરો જોઉં છું ને અલંકારધારી નવોઢાઓ સામે આવે છે. કર્ણિકારનાં આ સુવર્ણફૂલો જ પ્રાચીન નાયિકાઓ માટે અલંકારો હતાં. જોકે આ દિવસો તો કેસિયાના ફૂલોના દિવસો છે. કોઈ પિંકવર્ણાં છે તો કોઈ કેસરવર્ણાં... કથ્થાઈ જાંબલીની ઝાંયવાળાંય છે. આખો અષાઢ – શ્રાવણ આ કેસિયાઓ પુષ્પાભિષેક કરતા રહેવાના. પાંદડાય ન કળાય એટલી માત્રામાં ખીલેલા આ નવાસવા જુવાન કેસિયા જોઉં છું ત્યારે થાય છે કે આપણી યુવાનીને આવો ઉત્સાહ હોય તો? આ તો માટીની મિરાત છે. માટી ફૂલફળ થઈને, અન્નકણ અને અમૃતજળમાં સત્ત્વ થઈને આપણી સેવામાં હાજર થાય છે. એટલે તો હું કહું છું કે માટીથી મોટું કોઈ નથી. માટી તો મા છે.. મા–ની ય મા છે માટી! એનાથી મોટો કોઈ દેવ નથી. એને માથે ચઢાવવાનો એ સ્તો મહિમા છે. પ્રકૃતિ આ જ દિવસોમાં વિજય ટંકાર કરે છે. એનો ઘોડો છૂટો મૂકે છે. જેમનો શિરચ્છેદ કરાયો હતો એ આસોપાલવોએ, યુનિવર્સિટીની આંખ સામે, નવાં માથાં ઉગાડી લીધાં છે! કેવો મોટો પડકાર છે આ! કાપો, ભલે કાપો… તમને તો કાપતાં જ આવડે છે... અમારે તો ઊગવું જ છે… ઊછરવું છે… અમારો ગુણધર્મ જ ઊગવાનો છે... એક ડાળી કાપશો ને શતશત ઉગાડીશું નવી. જો કે આરણ્યક મટી ગયેલા કઠોર માણસે પ્રકૃતિને કૂંપળે કૂંપળે કાપી છે... કૂંપળ ફૂટી નથી કે લોભી માણસે એને ચૂંટી નથી!... ને તોય પ્રકૃતિ પ્રત્યેક વર્ષે નવું આક્રમણ લૈને આવે છે. પ્રકૃતિનું આ આક્રમણ જ આપણને ઉગારી લે છે – પ્રજાનાં હિતોની વાતો કરનારા તો નિષ્ઠુર ને નરાધમ નાયકો છે. આથી, હું જ્યારે આકાશમાં પ્રથમ મેઘને જોઉં છું ત્યારે મને પ્રભુની કૃપા પ્રગટ્યાનો અહેસાસ થાય છે. પછી તો મેઘ તાંડવ કરે છે – પહાડો વૃક્ષોને ક્ષણવાર ડરાવે છે... આક્રમણને અંતે જે ટકે છે તેને એ અમૃત છાંટીને ઉગારી લે છે. મેઘને પણ એટલા માટે ભારતીય પરંપરામાં દેવ ગણ્યો છે. વૃક્ષો એની પ્રસાદી છે. એ પ્રસાદીને સતત પ્રત્યક્ષ પામીને મારી ચેતના પુલકિત બને છે... વૃક્ષ પણ દેવતારૂપ છે. તરુદેવ! મને દેવત્વની કશી સ્પૃહા નથી છતાં વૃક્ષ થવાની મારી ઇચ્છા પ્રત્યેક આષાઢમાં પાંગરે છે... વૃક્ષ બની જવાના દિવસો આવ્યા છે...
મોટા પાલ્લા, તા. ૪–૭–૯૬