સાત પગલાં આકાશમાં/૧૧
બીજા દિવસની બપોર પડતાં તો જાણે દિવસોના દિવસ લાગ્યા. દીપકની એ નજ૨ વસુધાથી ભુલાતી નહોતી. શા માટે તેણે પોતાની તરફ એ રીતે જોવું જોઈએ? એ નજરનો શો અર્થ હોઈ શકે? તેનું મન આખો વખત ગૂંચવાયેલું રહ્યું. વ્યોમેશને આ વાત કહેવાનું મન થયું, પણ પછી કહ્યું નહિ. વ્યોમેશને હંમેશા પોતાના બિંદુએ જ ઊભા રહીને ઘટનાઓને જોવાની ટેવ હતી. વસુધાને ખાતરી હતી : વ્યોમેશને પોતે આ વાત કહેશે તો તે જવાબ આપશે : ‘એ તો તને ખાલી ભ્રમ થયો હશે, દીપક તો સરસ માણસ છે. કેટલો ઉદાર અને મિત્રો માટે મરી પડે એવો છે! વિજયના ઑપરેશન વખતે દિવસ-રાત એ હૉસ્પિટલમાં રહ્યો હતો અને એણે સહુથી વધુ આંટાફેરા ખાધા હતા, એ ભૂલી ગઈ?’ પણ વસુધા, દીપકની એ નજ૨ને આંખમાં પડેલું કસ્તર માની કાઢીને ફેંકી દઈ શકી નહિ. એમાં ચોક્કસ જ કોઈ ભેદ હતો. કદાચ વાસંતી કંઈક વધારે જાણતી હોય. મારા કરતાં તે બધાંને વધારે ઓળખે છે અને ધારો કે ભેદ ઊકલી ન શકે, તો પણ વાત કહીને હૃદય હળવું કરવા માટે વાસંતી સહુથી યોગ્ય વ્યક્તિ હતી. હવામાં મીઠો સૂર વેરીને ઊડી જતા પંખી જેવી આનંદી અને ગતિશીલ. સહેજ લંબગોળ મોં, અતિશય સ્વચ્છ કુમાશભરી ત્વચા, અણિયાળું નાક અને અણિયાળી આંખો, ઊંચી પાતળી દેહલતા અને માથે ભારો એક વાળ. વસુધાની આસપાસની સ્ત્રીઓમાં તે સૌથી સુંદર હતી, અને વસુધાના માનવા પ્રમાણે સૌથી સુખી પણ. તે સાથે હોય ત્યારે વસુધાને જીવવાનું થોડું ઓછું અઘરું લાગતું. દીપકની વાત તેને કહેવા વસુધા અધીર થઈ ગઈ, પણ બપોરે દીપંકર ને ફૈબા સૂઈ ગયાં પછી તે ઉતાવળે પગલે વાસંતીને ઘેર ગઈ તો બારણે તાળું જોયું. યાદ આવ્યું : આજે શુક્રવાર હતો. વાસંતી દર શુક્રવારે તેની માંદી માની ખબર કાઢવા જતી. નિરાશ થઈને વસુધા બંધ બારણાં પાસે ઊભા રહી, પછી અસમંજસમાં જ પગથિયાં ઊતરી. નીચેના માળ પર રંજનના ફ્લૅટ પર નજર પડતાં જ ફરી તેનું હૃદય જોરથી ધબકી રહ્યું. અચાનક જ તેને સમજાયું કે દીપકની નજ૨, એ શિકાર પાછળ પડેલા એક પ્રાણીની નજર હતી — એવી જ અનાવરિત, ક્ષોભસંકોચથી રહિત, એકાગ્ર, એના ઘરને બહાર તાળું નહોતું. રંજના આવી ગઈ હશે? દીપક ઘે૨ હશે? પણ દીપક તો અત્યારે કામ પર ગયો હોય! તેણે બારણું ખટખટાવવાનો વિચાર કર્યો ત્યાં જ બારણાની અંદરની સ્ટોપર વસાતી હોય એવો અવાજ આવ્યો. ચમકીને તે ત્યાંથી દૂર ખસી ગઈ અને સામે જ લલિતાનો ફ્લૅટ હતો ત્યાં જઈ ઝડપથી તેની ઘંટડી દાબી દીધી. બારણું ઊઘડ્યું નહિ. અકારણ જ વસુધાનાં અંગોમાં ભયની એક લહ૨ ફરી વળી. લલિતા તો અત્યારે ઘેર જ હોય. તેણે ફરી વાર ઘંટડી દાબી. પછી ત્રીજી વાર દાબી ત્યારે ધીરેથી કોઈએ બારણું ઉઘાડ્યું. સામે હતી એ લલિતા હતી કે તેની છાયા? વસુધાને જોતાં જ લલિતાના મોંમાંથી એક નાનો ચિત્કાર સરી પડ્યો. સ્પષ્ટ જ હતું કે અત્યારે વસુધાની તેને જરા પણ અપેક્ષા નહોતી. પણ વસુધાએ તેની અનિચ્છાની ચિંતા કર્યા વગર ઘરમાં પ્રવેશ કરીને બારણું બંધ કરી દીધું. તેનું કંપી રહેલું હૃદય જરા શાંત પડ્યું. તે લલિતાને કંઈક કહેવા જતી હતી ત્યાં લલિતા ‘હમણાં આવું છું,’ કહીને ઉતાવળે પગલે અંદર ચાલી ગઈ. વસુધા ગૂંચવાઈને ખંડની વચ્ચોવચ્ચ ઊભી રહી. સુઘડપણે ગોઠવાયેલા ઘ૨માં સંપન્નતાની એક હળવી મુદ્રા હતી. ઝરૂખામાં જવાના બારણા પર ગાઢ લાલ રંગનો ભારે પડદો એટલી શાંત રીતે પડી રહેલો હતો કે તેને ક્યારેય ખસેડીને બારણું ઉઘાડવામાં આવતું નહિ હોય એમ લાગે. છતમાંથી બે સુંદર ઝુમ્મર લટકતાં હતાં. ખૂણામાં મોટા શેડવાળો ઊભો લૅમ્પ હતો. દીવાલનો આછો પીળો રંગ નમેલી બપોરના અજવાળામાં સોનેરી અને જાજ૨માન લાગતો હતો. લલિતા ધીમા પગલે બહાર આવી. તેણે હમણાં જ મોં ધોયું હતું. વસુધા સામે તે હસી, પણ એ નામનું જ હાસ્ય હતું અને મોં પર આવતાંવેત એ સુકાઈ ગયું. પાંત્રીસની ઉંમર વટાવી ગયેલી લલિતા એક સુરૂપ સ્ત્રી હતી. તે વ્યવહારકુશળ હતી. હંમેશા તે કાંઈ ને કાંઈ કામ કર્યા કરતી અને લાગણીમય અભિવ્યક્તિમાં ઝટ દઈને સરી પડતી નહિ. મૃત્યુ જેવા પ્રસંગે તે સહુથી પહેલાં પહોંચી જતી અને ‘બસ હવે, કોઈએ રડવાનું નથી. ભગવાનનું નામ લો. આવરદા પૂરી થાય પછી કોઈ કોઈને માટે રોકાતું નથી. આપણું કર્યું કાંઈ કામ આવે છે? હિંમત રાખો અને છોકરાં સામે જુઓ. તમારે તો હવે મા ને બાપ બન્ને થવાનું છે. આંસુ સારીને બેસી રહ્યું કેમ ચાલશે?’ — જેવાં જૂનાં ચવાયેલાં વાક્યો તે પૂરા વજન સાથે આત્મવિશ્વાસથી બોલી શકતી, અને તેની સાંભળનાર ૫૨ અસર પણ થતી. વસુધાને હંમેશા એમ લાગતું કે લલિતા બહુ સ્વસ્થ સ્ત્રી છે. આજે લલિતાને બધી પાંખડીઓ છૂટી થઈ ગયેલા ફૂલ જેવી વિખરાયેલી સ્થિતિમાં જોઈને તે હલી ગઈ. ભાવપૂર્વક બોલી : ‘ઠીક નથી?’ ‘હા-ના-અમસ્તું જ જરા.’ ‘શું થયું છે?’ લલિતા બોલી નહિ. વસુધાએ તેના ખભા પર હાથ મૂક્યો : ‘કહોને, શું થયું છે?’ લલિતાએ તેની સામે આંખો માંડી, ‘ખરેખર જાણવું છે? સહી શકશો?’ વસુધા અપલક જોઈ રહી. ‘તો જુઓ’ — લલિતાએ પોતાનું મોં જરા ફેરવી ડાબો ગાલ વસુધા સામે ધર્યો. ‘ઓ મા રે! તમારા કાન પાસે કેટલો બધો સોજો છે! દુખે છે?’ ‘દુખે તો ખરું ને!’ ‘કેમ કરતાં આટલો બધો કાન સૂઝી ગયો?’ લલિતા એક ક્ષણ એની સામે તાકી રહી. પછી એક એક શબ્દને સ્પષ્ટપણે ઉચ્ચારતી બોલી : ‘એને આમળવામાં આવ્યો છે.’ વસુધા પગથી માથા સુધી ખળભળી ગઈ : ‘પણ કોણે? કોણે તમારો કાન આટલી ક્રૂરતાથી આમળ્યો છે?’ અને આ પૂછતાં તેને સહસા થયું કે ઉત્તરની તો તેને ખબર છે, તેની અંદર બેઠેલા પ્રાણ જાણે છે આ ચિરકાળની કથા. લલિતા કડવું હસી : ‘બીજું કોણ આમળે?’ ‘સુધીરભાઈએ? પણ શા માટે? શા માટે?’ ‘એમને મારા પર વહેમ આવે છે એટલે.’ વસુધા આંખ ફાડીને તાકી રહી. શું બોલવું તે તેને સૂઝ્યું નહિ. ‘આજે જરા વધારે અમળાઈ ગયો છે. આમ તો લગભગ રોજ આમળે છે — ઑફિસે જતાં જોરથી કાન આમળીને મને યાદ આપતા જાય છે કે — ’ ‘કે?’ ‘કે એમના આજ્ઞાપ્રદેશની બહાર મારે એક ડગલુંયે મૂકવાનું નથી.’ ‘ઓ ભગવાન… ઓ ભગવાન… પણ આ શા માટે?’ શી…સ… આ ઘરમાં ભગવાનનું નામ ન લેતાં. એ ભગવાનમાં માનતા નથી. કહે છે, કામ કરો; કામ એ જ ભગવાન છે.’ વસુધાને એવું લાગ્યું — જાણે એનું પોતાનું હૃદય કોઈ ધીરે ધીરે નિર્મમપણે આમળી રહ્યું હોય! અસ્વસ્થ થઈને તે બોલી : ‘પણ આમાં તો કોઈક વાર મોટી ઈજા ન થઈ જાય?’ મને પણ એમ થાય છે કે કોઈક વા૨ મારો કાન બહેરો થઈ જશે તો? પણ પછી એમ માનીને આશ્વાસન લઉં છું કે કાન બહેરો થઈ જશે તો પછી એ કશું ક૨વાની મને લાખ ના પાડે તોયે મને સંભળાશે નહિ. કેમ ખરું ને?’ વસુધા આર્જવપૂર્વક બોલી : ‘પણ આનું તો તમારે કંઈક કરવું જોઈએ. ડૉક્ટ૨ને બતાવવું જોઈએ. ચાલો, હું સાથે આવું.’ લલિતાએ ડોકું ધુણાવ્યું. ‘એ આવશે ને એમને લાગશે કે બહુ વધારે છે, તો એ જ લઈ જશે. કયા ડૉક્ટર પાસે જવું તે એ જ નક્કી કરશે.’ બોલતાં બોલતાં તે ભભૂકી ઊઠી : ‘અમારે માટે બધું એ નક્કી કરે છે. અમારે શું ખાવું, શું પહેરવું, શું વાંચવું — બધું જ. શું પહેરવું તે જ નહિ, કેવી રીતે પહેરવું તે પણ. બોલો તો, તમે મને કોઈ દિવસ ઊંધા છેડાની સાડી પહેરતાં જોઈ છે?’ વસુધા થોથવાઈ. ‘પણ… મને એમ કે… તમે પહેલેથી આમ આપણી ગુજરાતી ઢબે જ સાડી પહેરતાં હશો.’ ‘પહેલેથી… પહેલાં હું શું હતી તમને ખબર છે?’ લલિતા તીવ્રતાથી બોલી : ‘તમને ખબર છે હું સંસ્કૃતનો વિષય લઈને એમ.એ. થઈ છું.’ વસુધાની આંખ પહોળી થઈ ગઈ. કંઈ બોલવા જતાં એના હોઠ ખુલ્લા રહી ગયા. ‘વર્ષોથી બધું પેટીમાં મૂકી, પેટીને તાળું મારી, ઉપ૨ માળિયામાં એને બધા સામાનની પાછળ મૂકી દીધી છે. હવે તો એ તાળું પણ કટાઈ ગયું છે — કોઈ ચાવીથી હવે એ ઊઘડે એમ નથી. હજી મને યાદ આવે છે — આ વાસંતીને જોઈને રઘુવંશની પંક્તિ યાદ આવે છે : સંચારિણી દીપશિખૈવ રાત્રૌ — રાતના અંધારામાં સંચરતી દીપશિખા જેવી. હું શાકુન્તલની પ્રેમી. ઉત્તરરામચરિતના કેટલાય અંશો મને મોઢે હતા. મોઢે હતી વેદની કેટલીયે ઉક્તિઓઃ વૃક્ષ ઈવ સ્તબ્ધો દિવિ તિષ્ઠતિ એકઃ — તે એક, વૃક્ષની જેમ આકાશમાં સ્થિર ઊભો છે. તે એક — તે પરમ પરમાત્મા — એક વૃક્ષના જેવો છે. પણ એ વૃક્ષને જોવા હું બારીએ ઊભી રહું ત્યારે એમને વહેમ આવે છે. તું વારે વારે બારી પાસે જઈને કેમ ઊભી રહે છે? કોને જોવા ત્યાંથી વારંવાર બહાર નજર નાખે છે? ઑફિસેથી આવીને હંમેશા પૂછે : આજે કોણ ઘેર આવ્યું હતું? કોની સાથે શું વાતો કરી? છોકરાંઓને આડકતરું પૂછે : ‘આજે કોઈ મહેમાન આવેલા? બેઠા હતા? કેટલું બેઠા હતા?’ ‘ઓહ… ઓહ…’ એ મોટી કંપનીમાં અધિકારી છે. બહુ સારો પગાર મેળવે છે. ફડફડાટ અંગ્રેજી બોલી શકે છે, એથી લોકો એને માન આપે છે… આ વહેમી, શંકાખોર, હલકા પ્રતિભાવો અને અહંકારથી આકંઠ ભરેલા માણસની બધે પ્રતિષ્ઠા છે અને હું — હું કેવળ રસોઇયણ છું, એની પત્ની હોવા સિવાયનું મારું બીજું કોઈ મૂલ્ય સમાજમાં નથી. મારાં મૃચ્છકટિક ને મેઘદૂતની, ભાવ ને સૌંદર્યના એ ખજાનાની ધૂળ જેટલીયે કિંમત નથી. એમનાથી જુદો મારે કોઈ રસ હોય તે એમનાથી સહન નથી થતું. એમને સંસ્કૃત, શાસ્ત્રો, પ્રાચીન ભારતીય સાહિત્ય — બધું નકામું લાગે છે. એટલે એ સૃષ્ટિમાં મારો વાસ તેમને ગમતો નથી. તેમને ગમતાં હોય તે જ પુસ્તકો અમારે વાંચવાનાં હોય છે.’ વસુધા ચિકત થઈ ગઈ. મૃત્યુ પ્રસંગે પેલાં ડાહ્યાંડમરાં કંગાલ વચનો બોલતી, સાવ રૂઢિચુસ્ત દેખાતી લલિતા તે આ જ સ્ત્રી છે? બારણે અવાજ થયો. વસુધાને ફાળ પડી. તે ગભરાઈને ઊભી થઈ ગઈ. સુધીરભાઈ આવ્યા હશે? લલિતા હસી. ‘બેસો, બેસો, એ આવે તો કાંઈ અવાજ કરીને આવતા નથી. લેચ-કી વડે ચુપચાપ બારણું ઉઘાડીને અંદર પ્રવેશે છે, જેથી એ જોઈ શકે કે એમની ગેરહાજરીમાં ઘરમાં કોઈ આવ્યું તો નથી!’ તેણે બારણું ઉઘાડ્યું. સુધીરની ઓફિસનો માણસ હતો. ‘સાહેબે અંદરના કબાટમાંથી લાલ કપડામાં બાંધેલી ફાઈલો મંગાવી છે.’ લલિતાએ ફાઈલો શોધીને આપી, એ લઈને માણસ ચાલ્યો ગયો. લલિતાએ બારણું બંધ કર્યું. વસુધાને પૂછ્યું : ‘કાંઈ સમજ્યાં?’ વસુધાએ અબુધની જેમ માથું હલાવ્યું. ‘એમની ઑફિસનો માણસ હતો. એ પાછો જશે એટલે પૂછશે — ઘરમાં કોઈ હતું? બાઈ શું કરતાં હતાં? અવારનવાર આવી રીતે એ કોઈને મોકલતા હોય છે. એ પોતે પણ સાંજે નક્કી સમયે ન આવે. વહેલા-મોડા ગમે ત્યારે આવે, જેથી હું કાંઈ ખોટું કરતી હોઉં તો મને પકડી પાડી શકાય.’ વસુધાએ માથે હાથ દીધો : ‘ઓ લલિતાબહેન. તમે આ બધું શા માટે સહન કરી લો છો?’ ‘સહન ન કરું તો ક્યાં જાઉં? ક્યાં રહું? છોકરાઓનું શું થાય?’ ‘પણ તમને સુધીરભાઈના સ્વભાવની ખબર નહોતી? તમે આવા માણસ સાથે લગ્ન જ કેમ કર્યાં?’ ‘કૉલેજમાં એક છોકરો મને ગમતો હતો. પણ પાછળથી ખબર પડી કે એણે તો ઘણી છોકરીઓને પરણવાનું એકીસાથે વચન આપ્યું હતું. એ જાણ્યું તેના આઘાતની મૂઢ સ્થિતિમાં માબાપે જે સૂચન કર્યું તે સ્વીકારીને પરણી ગઈ. મારી એટલી ભૂલ, કે સુધીરને મેં આ વાત કરી. હવે થાય છે કે ન કરી હોત તો સારું હતું. આ લોકો નિખાલસતાને શું લાયક હોય છે? પણ મને એમ કે આ સૌથી નિકટનો સંબંધ, સૌથી વિશ્વાસમય સંબંધ બની રહેવો જોઈએ. માત્ર કોઈક જણ ગમતું હતું. કોઈક ગમે, અને તેની સાથે લગ્નની ઇચ્છા કરવી એ કોઈ અપરાધ તો નથી! પણ કહ્યું તે દિવસથી એમને થઈ ગયું છે — શી ખબર, તું એને મળતી હશે તો? એના ટેલિફોન આવતા હશે તો? આમ તો એ આવે ત્યારે હું ઘરમાં જ હોઉં છું. ગઈ કાલે મારી એક બહેનપણી આવી હતી તેને મૂકવા નાકા સુધી ગઈ હતી. પાછી આવી ત્યારે એ આવી ગયા હતા. કેટલુંય ક્રૉસ-એક્ઝામ કર્યું! છતાં વિશ્વાસ ન બેઠો એટલે મારા કાન…’ જરા વજનદાર ચહેરાવાળો, સશક્ત, સેંકડો બાબતોની જાણકારી ધરાવતો, વ્યોમેશ સાથે વાત કરતો હોય ત્યારે જરા જરામાં મોટેથી હસી પડતો સુધીર… એ ચહેરાનું સ્મરણ વસુધાને બિહામણા સ્વપ્નની જેમ ઘેરી વળ્યું. ફરી વાર બારણે ઘંટડી વાગી. વસુધા ઊભી થઈ ગઈ. પણ એ ઇલા હતી. બળતી આંખો જેને જોઈને ઠરે એવી કિશોરી. ‘મા, અમારી સ્કૂલમાં ડ્રામા થવાનો છે તેમાં હું ભાગ લઉં?’ ‘તારા પપ્પાને પૂછજે, બેટા.’ ‘બધી વાતમાં પપ્પાને શું પૂછવાનું?’ ઇલાએ પગ પછાડ્યા. ‘તને કાંઈ પણ પૂછીએ એટલે તું હંમેશા આમ જ કહે છે. તારી પોતાની કાંઈ હા-ના ખરી કે નહિ?’ નારાજ થઈને તે અંદર ચાલી ગઈ. જતાં જતાં બોલતી ગઈ : ‘પપ્પા કદાચ ના પણ પાડે, તો તું એમને જોરપૂર્વક સમજાવી શકે નહિ?’ લલિતાએ કરુણ નજરે વસુધા સામે જોયું. ‘હું ઇલાનો પક્ષ લઈ એમને સમજાવવા જાઉં તો એ કહેશે : તું જ છોકરાંને બગાડે છે… આ છોકરીને મારે એ શી રીતે કહેવું?’ બોલતાં બોલતાં તેના ખભા નીચે નમી ગયા. ‘આ ઝુમ્મર કેવાં સુંદર છે! અને પેલો કેસરી શેડવાળો ખૂણાનો કૅમ્પ. ટેબલ પર આ નાનો લૅમ્પ. એમને લૅમ્પનો બહુ શોખ છે! પણ અહીં…’ લલિતાએ પોતાના હૃદય પર હાથ મૂક્યો. ‘અહીં દીવો સળગ્યો નથી.’ વિશ્વાસને ખોળે નચિંતતાથી પોતાને ઢબૂરી દેતું પ્રેમનું એક શાંત માધુરીમય રૂપ હોય છે. એને પામવાની ઇચ્છાના છલનામય માર્ગ પર કેટલા દીવા જ્યોતિર્મય બન્યા પહેલાં જ હોલવાઈ જતા હશે — એની કોઈને ખબર નથી. કોઈક વાર એકાદ પળ માટે પડદાનો એક છેડો ઊંચકાઈ જાય છે. ક્ષણાર્ધ માટે નજરે પડે છે એક હણાયેલું મોં… પછી પાછો રોજિંદા જીવનનો રંગહીન પડદો બધું ઢાંકી દે છે. ભારે પગલે વસુધા બહાર આવી. જેણે અંદરનું અશ્રુઘર જોયું નથી તે કહેશે : ‘કેવું સરસ ઘ૨! ખૂબ કમાતો પતિ. બે છોકરાં. સ્ત્રીને સુખી થવા માટે આથી વિશેષ જોઈએ શું? પોતાની અસ્મિતા? એ વળી કઈ બલા છે?’ ઘરમાં આવી ત્યારે હર્ષ અને અશેષે નાસ્તો કરેલો તેનો કચરો બધે વેરાયો હતો. ભોંય પર ખાલી પ્યાલા પડેલા હતા. પલંગની ચાદરો તેમણે ખૂંદી નાખી હતી… તોપણ વસુધાને સારું લાગ્યું. વ્યોમેશ સુધીર જેવો તો નથી જ! એકાએક ખ્યાલ આવ્યો. પોતે દીપક વિશે પૂછવા માગતી હતી, એ વાત તો બાજુ પર જ રહી ગઈ. પણ હવે હમણાં વધુ જી૨વવાની શક્તિ નથી. શી ખબર અંદરથી શુંયે નીકળે. અમૃત તો નહિ જ નીકળે. કદાચ ન જાણવું જ વધારે સારું. તે ઝટપટ બધું ઊંચકીને સરખું ગોઠવતી હતી ત્યાં ફૈબા આવ્યાં. ‘અત્યાર સુધી ક્યાં હતી?’ ‘લલિતાબહેનને ત્યાં.’ વસુધાએ ચાદર ઝાપટતાં કહ્યું. ‘કેમ આટલી બધી વાર ત્યાં લાગી?’ ફૈબાએ પ્રશ્ન પૂછ્યો. અને આ પહેલી વા૨ વસુધાએ જવાબ આપ્યો નહિ. ‘સુધીરભાઈ પણ ઘરે હતા?’ સારું થયું કે તે જ વખતે વ્યોમેશ ઘરમાં પ્રવેશ્યો, નહિ તો વસુધાના જવાબથી ફૈબા હૈબતાઈ જ ગયાં હોત. મોંએથી ભલે કદી કબૂલ ન કર્યું હોય, પણ મનથી હંમેશ જેને સુશીલ, સૌમ્ય, મૃદુ, પતિભક્તિપરાયણ માની હતી તે વસુધાના મોંમાથી કડવા કાંટાળા શબ્દો સાંભળીને તેમને મૂર્છા જ આવી ગઈ હોત.