સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/રસધ્વનિ : માનસી સાક્ષાત્કાર
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> રસધ્વનિ : માનસી સાક્ષાત્કાર
અહીં અત્યાર સુધી જે ધ્વનિસ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે તે બહુધા કાવ્યશાસ્ત્રીઓ જેને વસ્તુધ્વનિ કહે છે તે છે. વસ્તુધ્વનિ એટલે કે વિચાર કે હકીકતની વ્યંજના. એમાં વ્યંગ્યાર્થને શબ્દમાં, વાક્યમાં મૂકી શકાય છે, પણ કાવ્યશાસ્ત્રીઓની ધ્વનિવિચારણા વસ્તુધ્વનિમાં સમાપ્ત થતી નથી. રસધ્વનિનો – સાચી રીતે કહીએ તો રસાદિધ્વનિનો પ્રકાર પણ એ વર્ણવે છે. રસાદિધ્વનિ એટલે રસ કે ભાવની વ્યંજના. રસરૂપ વ્યંગ્યાર્થને શબ્દમાં મૂકી શકાતો નથી, એ કેવળ અનુભવનો વિષય છે, માનસી સાક્ષાત્કારનો વિષય છે. આપણું જૂનું દૃષ્ટાંત ફરીને લઈએ તો ‘કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે’ એ પંક્તિમાંથી દોમદમામવાળા પુરુષના નિર્દોષ ખેલકૂદભરી કન્યાપરના આધિપત્યનો જે અર્થ સૂચવાય છે તે વસ્તુધ્વનિ છે, ને એમાંથી નારીજીવનની કરુણતાનું જે સૂચન સાંપડે છે તે રસધ્વનિ કે ભાવધ્વનિ છે. કાવ્યશાસ્ત્રીઓ રસધ્વનિનો પ્રકાર સ્વીકારે છે એટલું જ નહીં, પણ એને ઊંચે સ્થાને મૂકે છે. વસ્તુધ્વનિનું રસધ્વનિમાં પર્યવસાન થવું જોઈએ, ખરેખર કાવ્યનો આત્મા તે રસધ્વનિ છે એમ કહેવા સુધી એ જાય છે. જેમાં રસાદિનું તાત્પર્ય ન હોય તેવું અલંકારાદિની શોભાવાળું કાવ્ય તે દેખાવે જ કાવ્ય છે, એમાં કાવ્યનું પ્રાણતત્ત્વ નથી, એ નિર્જીવ ચિત્ર સમાન એટલે કે ચિત્રકાવ્ય છે, ખરા અર્થમાં એ કાવ્ય નથી અને એવી રચના કરવાનું પરિપક્વ કવિને શોભતું નથી એમ પણ તેઓ કહે છે. ધ્વનિવિચાર સાથે આમ રસવિચાર જોડાય છે અને કાવ્યશાસ્ત્રીઓ રસનિષ્પત્તિનું – રસાનુભવનું પણ એક શાસ્ત્ર રચે છે, જેની વાત આપણે હવે પછીથી કરીશું, પણ કાવ્ય અંતે અનુભવનો વિષય છે એ વિચાર આપણને અદ્યતન લાગે એવો છે. રસની એક કાવ્યાર્થ તરીકે સ્થાપના અને વાચ્યાર્થથી રસરૂપ અર્થ સુધીની જે સાંકળ કાવ્યશાસ્ત્રીઓએ રચી આપી છે એમાં તો એમની ઊંચી કોટિની ને સૂક્ષ્મ શાસ્ત્રબુદ્ધિ પ્રગટ થાય છે, જે આપણા મનમાં આદર જગવ્યા વિના રહેતી નથી.