મર્મર/વાંછા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાંછા

મળસ્કે આયુના ચહું જીવવું અસ્પષ્ટ મધુરું:
ઉષાના રંગો ને કલરવ સરીખું વિહગના;
શુચિત્વે સીંચેલું અધરસ્મિત ખીલન્ત અધૂરું,
અને હૈયાને ર્હે કુટિલ પથ અજ્ઞાત જગના.

યુવાના મધ્યાહ્ને ઉર ઊછળતું પૌરુષભર્યું,
વહે બે–કાંઠે, વ્હે ઉભય તટ સમૃદ્ધ કરતું,
ગણે ડાહ્યાઓની ભયકથની જુઠ્ઠાણું જ નર્યું;
પ્રયત્ને શક્તિ છે સફલ, પરિણામે ન, ગણતું.

નમેલી સંધ્યાએ ચહું જીવવું હું વૃદ્ધ વયની
પ્રયત્ને લાધેલા અનુભવતણી ઓથ ગ્રહીને;
રહેલી શક્તિને ખરચું શતવારે ગણીગણી,
અને પ્રાર્થું: પ્રેરો શિવપથ પ્રભો હાથ ગ્રહીને.

નિશામાં મૃત્યુની પરિણતઅહર્શો વિરમતાં,
મૂકી જાઉં પૂઠે સ્મરણ ઉડુઓ શાં ચમકતાં.