મર્મર/મને થતું:
Jump to navigation
Jump to search
મને થતું :
ન રૂપ, નહિ રંગ, ઢંગ પણ શા અનાકર્ષક!
નહીં નયન વીજની ચમક, ના છટા ચાલમાં,
ગુલાબ નહીં ગાલમાં; નીરખી રોજ રોજે થતું:
કલા વિરૂપ સર્જને શીદ રહ્યો વિધિ વેડફી!
અને નીરખું રોજ મોહક સુરેખ નારીકૃતિઃ
પડ્યે નયનવીજ જેની ઉરઅદ્રિ ચૂરેચૂરા
ઢળે થઈ અને વિરૂપ જડ નારીનો હું પતિ
અતુષ્ટ, દઈ દોષ ભાગ્યબલને વહંતો ધુરા.
વહ્યા દિન, અને બની જનની એ શિશુ એકની
ઉમંગથી ઉછેરતી લઘુક પ્રાણના પિણ્ડને,
અને લઘુક પિણ્ડ—જીવનથી ઊભરાતું શિશુ
થતું ઘટણભેર, છાતી મહીં આવી છુપાય ને
હસે નયન માતને નીરખી નેહની છાલક;
તને અગર ચાહવા બની શકાય જો બાલક!