મર્મર/ગ્રીષ્મ-સંધ્યા
Jump to navigation
Jump to search
(૨)
ગ્રીષ્મ-સંધ્યા
ગ્રીષ્મ-સંધ્યા
પૃથ્વી દઝાતી રહી ઉત્સુક દેખી રાહ
ઊની ઊની મુખથી જાય મુકાઈ આહ.
ભૂંજાય સર્વ વડવાનલમાં પ્રચંડ
શું ઊકળંત ઉદધિનું વિરાટ ભાંડ.
રૂંધાઈ મૂર્છિત પડ્યાં સહુ સૃષ્ટિગાત્ર
પ્રવૃત્ત કાળ તહીં જાગ્રત એક માત્ર,
એણે પ્રતપ્ત જલધિજલભીતરેથી
ધીમે રહી ધરતીને નિજ દંતૂડીથી
ખેંચી–ઊઠ્યાં ખળભળી જળ સિંધુકેરાં
સંચાર મૂર્છિત ધરા પર પ્રાણકેરો
થાતાં ઊઠી શીતળ વાઈ સમીરલ્હેરો.
મૂર્છાથી જાગી નીરખે વસુધા નિજાંગે
સૌ દગ્ધ, તેજનું ઝમે અમી કેવું શાંત!
સંધ્યાર્કનું, રજનીનાથનું સૌમ્ય, કાન્ત!