મંગલમ્/જાગો જાગો જન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જાગો જાગો જન



જાગો જાગો જન


જાગો જાગો જન, જુઓ, ગઈ રાત વહી
રાત વહી ને ભોર ભઈ… જાગો…

હિમડુંગરનાં શિખરો ઝળક્યાં, મરક મરક વનરાઈ થઈ;
સાગર જાગ્યો ભૈરવ રાગે, ઝરણ જલે નવ ઝલક ધરી. જાગો…

દૂરે દૂરે ઝાલર બાજે, ક્યાંક બજી શરણાઈ રહી,
વન ઉપવનમાં ફૂલડાં જાગે, પવન ફરે પમરાટ ભરી. જાગો…

શ્યામલ-વરણી પલટી ધરણી, તેજ તણા શણગાર કરી,
જાગે છે નવ જોમ ગગનમાં, લાલ રંગ સૌ અંગ ધરી. જાગો…

— પ્રહલાદ પારેખ