ધ્વનિ/સંધિકાળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંધિકાળ

વીતી ગઈ મિલનની રજની, જતાં જતાં
ચંદ્રે દીધું ચરમ ચુંબન શ્વેત પદ્મને :
ને એ કપોલ પરના લઘુ મૌક્તિકે હતું
માધુર્ય વિશ્વભરનું વિલસી રહેલ રે!
નિઃશ્વાસ ત્યાં થકી સુણ્યો ઉરની વ્યથા તણો.

પંખીગણે નવ પ્રભાતનું ગાન હર્ષથી
રેલાવિયું દ્રુમ દ્રુમે પૃથિવી નભે વળીઃ
પ્રાચી મહીં પિયળની સુરખી છવાઈ ને
વ્યાપી વસંતને પરાગ સમીરણે ભળી.
ઉલ્લાસનો નિધિ ત્યહીં ભરતીથી ઊછળ્યો.

મેં સંધિકાળ દીઠ આવત ને જનારનો,
આનંદનો કરુણ-વિહ્વલ ક્રંદના તણો :
મેં સંધિકાળ દીઠ ભૂમિ પરે અપાર્થિવ
મેળો થતો જ્યહિ નિરંતર જન્મ મૃત્યુનો.

૬-૭-૪૫