ધૂળમાંની પગલીઓ/૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શાળા ક્યારેય મારી પ્રીતિનું ભાજન બની શકી નથી; અને આમ છતાં તે મારા શૈશવની રમણીય આધારશિલા તો રહી જ છે. કેટકેટલી નાનીમોટી ખટ-મધુરી સ્મૃતિઓના રંગબેરંગી તાર કરોળિયાનાં જાળાં જેમ એની આસપાસ વણાઈને ચમકે છે! શાળાના સ્મરણ સાથે જ ઉનાળાના લાંબા દિવસની આળસભરી કઠોર બપોરનું ધારણ મારા મનમાં ને તનમાં વ્યાપી વળે છે. અમારી એ સરકારી શાળા! સરકારી શાળાનો તો ચહેરોમહોરો જ જુદો! એની સફેદ મેલી ભીંતો, એનાં નજરને સાંકડી કરી દે એવાં જાળિયાં, મનને ભારેખમ કરી દે એવાં એનાં બારીબારણાંનાં સખત-કઠોર લાકડાં અને ટાઢા-ઘેરા રંગો, એનું આકાશ ને જાણે રાતી આંખ બતાવતું હોય એવું લાલ નળિયાંવાળું છાપરું, શાળાના મકાનની પાછળ જ ભૂતિયા આંબલી અને એના કમ્પાઉન્ડને બાંધીને ઊભેલો કંઈક જીર્ણ એવો કોટ અને રાંટો ઝાંપો; એનાં જડસા જેવાં ખુરશી, ટેબલ તે કબાટ, આંખને ઊંઘ પ્રેરે એવાં બ્લેકબોર્ડ; પીળાં હાજરીપત્રકો અને કાળી શાહીના ખડિયા ને લાલ હૉલ્ડરો – આ સર્વ શાળાના ચહેરામાંથી ઊપસતું જોવા મળે છે. વિદ્યાર્થી કરતાં હાજરી અહીં મહત્વની છે! માણસ કરતાં ફ્રાઈલ અહીં વધારે ભરોસાપાત્ર છે. મંત્ર ગૂંગળાઈ જાય એવી તંત્રશ્રદ્ધાને સંકેત કરતું પ્રાથમિક શાળાનું એ મકાન! એમાં મેં ચાર વર્ષ સફળતાથી કાઢેલાં! મને આજે માન ઊપજે છે મારી એ ઝળહળતી સફળતા માટે! શાળાની વાત સાંભળતાં જ કોઈને બગાસાં આવવા લાગે, માથું ને પગ ભારે ભારે થઈ જાય, પેટમાં દુઃખાવો શરૂ થઈ જાય તો એમાં ઢોંગ હોય તોયે મને અગાધ સહાનુભૂતિ જ થાય છે. કોઈ બાળક તેડાગર સાથે બાળમંદિર નહીં જવા ધમપછાડા કરે છે ત્યારે વિનાવિચાર્યે હું તો બાળકના પક્ષે જ હોઉં છું. બાળમંદિરના મારા મહાભિનિષ્ક્રમણના પ્રયોગો પછી ઘરનાં મોટેરાંએ મારામાંથી શ્રદ્ધા ગુમાવેલી ને તેથી તેઓ કોઈ રીતે હવે મારી માંદગીની કે આકસ્મિક કે એવી તેવી રજા મંજૂર કરે એવી આશા નહોતી. શાળા દૂરથી જોતાં જ ત્યારે અળખામણી લાગતી હતી પણ એનો ઉપાય નહોતો. પડયું પાનું નિભાવી લેવાનું હતું. મને અનેકવાર પાર્સલની જેમ પટાવાળાની ચોકી હેઠળ શાળાએ પહોંચાડવામાં આવતો. દરબારના માણસનો દીકરો, એટલે મારી અમુક કિંમત હતી. મને શાળામાં બરાબર સાહેબની સીધી નજરનો લાભ મળે એમ બેસાડવામાં આવતો. સાહેબનો માર તો કયારેક પડતો, પણ પ્રમાણમાં ઓછો. મારા આવા વિશેષાધિકારના કારણે હું વિના વાંકે મારા અનેક સહાધ્યાયીઓની ઈર્ષ્યાનો પાત્ર થતો; પણ હું લાચાર હતો. મને અનેકવાર થતું કે પટાવાળો મારી જોડે ન આવે તો સારું; મને ખાસ જગાએ ન બેસાડાય તો સારું. પણ ઓછું જ કંઈ બધું આપણા ધાર્યા પ્રમાણે થાય? આમ છતાં પટાવાળાની ચોકી તો થોડા દિવસોમાં ઉઠાવી લેવાઈ ને મેંય એથી થોડો રાહતનો દમ ખેંચ્યો. અમારો શાળાનો સમય તો બપોરના અગિયારના પણ સાડાનવ-દસથી અમે કેટલાક ત્યાં પહોંચી જતા; ભણવા માટે નહીં, રમવા માટે. શાળાના કોટ પર જઈને અમે અમારી બેઠકો જમાવીએ. આંબલીના કાતરા વીણ્યા હોય તો આરોગીએ. તે સાથે બપોરનો નાસ્તો શાળા શરૂ થતાં પૂર્વે જ પૂરો કરી નાખીએ અને પછી બપોરે શાળાની રિસેસ પડતાં ઘેર દોડતા જઈને, વિનમ્ર વિનંતીઓથી વધારાનો નાસ્તો મેળવવાની પેરવી કરીએ. શાળાના ઓરડા સાહેબની પહેલાં એમના પાઈલોટ જેવા જે 'વડા વિદ્યારથી' ચાવીના ઝૂડા ખખડાવતા પધાર્યા હોય તે ખોલે અને બંધનાં બારણાં ખૂલતાં જેમ પાણી ધસે એમ અમારા વિદ્યાર્થીઓનો પ્રવાહ બારણું ખૂલતાંવેંત સારી બેઠક મેળવી લેવા ધસે. જાતભાતનાં કોલાહલ-લડાઈ-મારામારીનાં, રિસામણાં-મનામણનાં દશ્યો સર્જાય. આવા ધસમસાટમાં મારા જેવા શરીરથી તે મનથી દુબળા છોકરાને ભાગે વધારે વેઠવાનું આવતું'. મેં સિફતથી સારી જગા બોટી હોય, પણ કોઈ બાંગડ છોકરો આવીને શરીર અને ઉપવાણીના પ્રભાવ માત્રથી મારી જગા આંચકી લે અને મને કૃપાગુણ આપતો હોય એમ ક્યાંક પોતાની પાછળ ગોઠવી દે. અલબત્ત, શાળામાં કસોટીઓ કે પરીક્ષાઓ આવતી ત્યારે અમારા જેવા ભણેશ્રીઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવા છોકરાઓ જ ઉપયોગી થતા. અમારામાંથી જોઈ જોઈને કસોટીના-પરીક્ષાના પ્રશ્નોના જવાબો લખી શકાય એવી સુવિધાનો વિચાર કરીને અમને ત્યારે માનપૂર્વક સારી બેઠક આપવામાં આવતી પણ આવે વખતે ‘અક્કરમીનો પડિયો કાણો' – એ ન્યાયે સાહેબ આવીને પોતાની મનસુફી પ્રમાણે અમારી બેઠકો બદલાવી દેતા અને પેલા છોકરાઓના ચહેરા પર જાણે શાહીના ઓઘરાળા ફેલાઈ જતા. એમનો સાહેબ માટેનો પ્રકોપ એકવચનમાં ગાળાના ગરમ મસાલા સાથે પ્રગટ થતો. શાળાના ઘંટ અને ઘડિયાળની સેવા અમને ખૂબ ગમતી. કોઈક પ્રકારે શાળામાંથી છુટ્ટી અપાવતો ઘંટનો અવાજ અમને અત્યંત મીઠો લાગતો. ક્યારેક જો સાહેબ ઘંટ વગાડવાનું ફરમાન કરતા તો એ કહે તેથી બે-પાંચ ટકોરા વધારે વગાડવાનું મન અમને થતું. આ ઘંટ વગાડવાની તક પણ સામાન્ય રીતે પેલા બડકમ છોકરાઓ અમને લેવા દે ત્યારે મળતી. સાહેબના ફરમાને એવી તક મળે એ તો ઠીક. અમે શાળાએ જવાનું શરૂ કર્યું કે ખાસ કામ ઘડિયાળ જોતાં શીખી લેવાનું કરેલું. એકીપાણીની રજાના બહાને અમે ઘડિયાળવાળા ખંડમાં ડોકિયું કરી આવતા અને રિસેસ પડવાની કે શાળા છૂટવાની કેટલી વાર છે તેની ખબર આખાયે વર્ગને કર્ણોપકર્ણ બિનતારી રીતે અત્યંત ત્વરાથી પહોંચાડતા. અમે શાળા છૂટવાની થાય તે પૂર્વે જ લગભગ અરધા કલાક અગાઉ ઠેકડો મારીને શાળાની બહાર નીકળી પડવા તૈયાર રહેતા. ક્યારેક અમારી આવી ગુનાહિત અધીરાઈ સાહેબની આંખે ચડતી તો અમને શાળા છૂટવાનો ઘંટ વાગ્યા પછીયે પાએક કલાક વધુ રોકાવાની આસનકેદ થતી. એનો અમલ સાહેબના પેલા ચાવીઝૂડાવાળા પાઈલોટો દ્વારા કરાવાતો. અમે ત્યારે મને મન ખૂબ ઊકળતા પણ અમે નિરુપાય હતા. મને યાદ છે, અમારા એક સાહેબ અમને જરા વધારે અળખામણા હતા. બપોરે એમના ઘેરથી ચાનું ડોલચું મગાવડાવે. એમના ઘેર નાનાંમોટાં કામ કરવા તેડાવે ને તેય વધુ ભણાવવાના બહાને. અમે આથી ખૂબ ખિજાતા. માંડ પા-અડધો કલાક ભણાવે ને પછી એમનાં વહુ વિણામણ માટે ઘઉંની થાળીઓ અમારી વચ્ચે ‘પાસ ઓન' કરે. થોડાં દિવસ તો આવું કામ નિષ્ઠાપૂર્વક થયું; પણ પછી સૌએ જોયું કે સાહેબને તો આ ટેવ પડી છે ને તેથી અમારામાંથી કોઈ કોઈ છોકરા તો જાણી જોઈને ઘઉં વીણતાં વીણતાં એમાં પાંચદશ કાંકરા પણ જવા દેતા. આ સાહેબને વિદ્યાર્થીઓ પાસેથી અવનવી વસ્તુઓ ઉધરાવવાની પણ ટેવ. કોઈને કહે, ‘કેમ લ્યા, આ વખતે ખેતરમાં તુવેરો નીકળી છે કે નહીં?' બીજાને કહે, ‘કેમ શંકર, આ વખતે તો તેં પોંક જ નહીં ચખાડ્યો!' ત્રીજાને કહે, ‘કેમ 'લ્યા, તારે ત્યાં વલોણું થયું કે નહીં?’ એક વટલોઈ ઘી આપી જતો હોય તો? ' આ રીતે અનેકને એ લપેટમાં લેતા. એકવાર એક વિદ્યાર્થીને ગિલોડાં લાવવાનું કહ્યું. બીજે દિવસે તે લાવ્યોયે ખરો. સાહેબે પ્રસન્નતાપૂર્વક એની લાવેલી થેલી ખુરશીના હાથાએ લટકાવીને રાખી. આ થેલી અમારામાંન બારૈયાનો એક છોકરો જોઈ ગયો. એને સાહેબ સાથે પાડાખાર ચાલે. દર બીજે-ત્રીજે દહાડે સાહેબના તાડનપ્રયોગનો એ પ્રિય વિષય હોય જ. એને આ ગિલોડાંની થેલી જોતાં કંઈક સ્ફુર્યું અને તે રિસેસમાં ઊપડ્યો બહાર. ક્યાંકથી થોડાં કડવાં ગિલોડાં ખિસ્સામાં ભરી લાવ્યો અને સાહેબ સાથે વિદ્યાર્થીઓ જ્યારે કમ્પાઉન્ડમાં સફાઈ માટે ગયા ત્યારે તેમની નજર ચુકાવી એ ગિલોડાંને પેલી થેલીમાં સેરવી આવ્યો. મારા જેવા બેત્રણ વિદ્યાર્થીઓ સિવાય આ વાત કોઈ જાણતું નહોતું. બીજા દિવસે સાહેબ આવ્યા. એમના ચહેરા પર રતાશભરી કડકાઈ હતી. અમે એનું મૂળ જાણતા હતા ને તેથી મનમાં ને મનમાં મલકાતા હતા. સાહેબની તવાઈ આવી પેલા બશેરેક ગિલોડાં લાવનાર પર. કહે : 'બેવકૂફ! કાલે ગિલોડાં લાવ્યો તેમાં કેટલાંક તો કડવાં હતાં!' પેલાએ એ બાબતનો ધરાર ઇનકાર કર્યો. સાહેબ વધુ ખિજાયા : ‘બદમાશ, જૂઠું બોલે છે?’ સાહેબને ક્રોધ અને સરસ્વતીનું વરદાન હતું. પેલાએ મૂંગા રહેવામાં સાર જોયો. સાહેબે એને માસ-બેમાસ સારી પેઠે ઊંચોનીચો કર્યો. એ વર્ષે તેને પાસ થવામાંયે સારી મુશ્કેલી પડેલી. અમારા મોટાસાહેબ (એટલે કે આચાર્યશ્રી) પણ દુર્વાસાના બીજા અવતાર. એમનું નામ સાંભળતાંયે કંપારી વછૂટતી. રસ્તેથી પસાર થાય ત્યારેય તેમને જોઈને છોકરાઓ આમતેમ આઘાપાછા થઈ જતા. રજાના દિવસે બપોરવેળાએ છોકરાઓ ભમરડાં રમતા હોય ને તે આવી ચઢે તો સૌ કૂંડાળામાં ભમરડાઓને પડતા મેલીને ઝટપટ ભાગી છૂટતા અને એ સાહેબ કૂંડાળામાંના બધા ભમરડાં લઈ જતા. નિશાળમાં એમના ટેબલનું ખાનું આવા અનેક નોંધારા ભમરડાઓથી ભરેલું હતું પણ એ લેવાની કોઈની હિંમત નહીં ચાલતી. આ સાહેબ કડક હતા પણ ગણિત આદિ વિષયો ભણાવવામાં એક્કા હતા. જો કોઈ છોકરો ગેરશિસ્ત આચરે તો એને પાસે બોલાવી ઘડિયાળને ચાવી દેતા હોય તેમ કમર અને સાથળમાં ચૂંટી ખણીને ઊંચો કરતા. ક્યારેક તો આંકણુ લઈને કોઈ માથાભારે છોકરાને બરાબર સીધો કરતા. ઘરના વાલીવડીલોનેય પાલ્ય અંગે જરૂર જણાયે ઘટિત સલાહસૂચન કરતા. ક્યારેક અમારા વર્ગશિક્ષક ન આવ્યા હોય અને આ સાહેબની નિશ્રામાં બેસવાનું આવતું ત્યારે અમારી સ્થિતિ હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવી થઈ જતી. જાણે અમે કોઈ વડા જેલર આગળ અમારી નોંધણી કરાવવા ન જતા હોઈએ! એ સમયે દરબારના એક અમલદારના છોકરા તરીકે – ખાસ તો એક ભણેશ્રી તરીકે મારી છાપ ઠીક. તનના મુકાબલે મનની સ્ફૂર્તિ વધારે, તેથી સાહેબના સવાલોના જવાબે આપવા માટે મારી આંગળી હંમેશ ઊંચી રહેતી. એકવાર આ મોટાસાહેબની નિશ્રામાં અમે બેઠેલા અને એમને એકાએક બહાર જવાનું થયું. કોણ જાણે શાથી પણ એમની નજર મારા પર ઠરી અને મને વર્ગની દેખભાળનું કામ સોંપી એ નીકળ્યા. મારે તો ઘણીયે ના પાડવી હતી; પરંતુ મોં ખૂલી જ ન શક્યું. પરા વાણી વૈખરીમાં ન પરિણમી. એ શાળાનાં પગથિયાં ઊતર્યા નથી ને દાબ જતાં સટ કરતીકને સ્પ્રિંગ ઊછળે એમ વર્ગ ઊછળ્યો નથી. મારો ઝીણો અવાજ તો જંગી ઢોલના જેવા ગડગડાટમાં કોઈનેય કાને નહીં પડયો. એકાદ છોકરાએ ચૉક લઈ મોટાસાહેબનું ઠઠ્ઠાચિત્ર દોરવાનું શરૂ કર્યું. બે-ત્રણ નકશાઓના રોલ ઉકેલીને જોવા લાગ્યા. ત્રણચાર લેજિમ, ડંબેલ્સ ફૂટવા લાગ્યા અને એકબેએ મને ખસેડી સાહેબના મેજનું ખાનું ખોલી સારા સારા ભમરડા શધીને ખિસ્સામાં મૂકવા સાથે તેની ખેરાત પણ શરૂ કરી. એ સાથે મને ધમકી પણ અપાઈ : ' ખબરદાર, સાહેબને જો ચાડી ખાધી છે તો!’ મારી સ્થિતિ સૂડી વચ્ચે સોપારી-શી થઈ હતી. એક બાજુ મોટાસાહેબ, બીજી બાજુ માથાભારે છોકરાઓ. હું તો જાણે મારું અસ્તિત્વ સંકોચીને બને એટલો મને પાતળો પાડીને આ સર્વ ધાંધલધમાલને સાક્ષીભાવે અનુભવતો રહ્યો. ક્રમશઃ ધાંધલ એટલી વધી કે દૂરના વર્ગોમાંથીયે એકબે શિક્ષકો ધસી આવ્યા. તેમણે આખા વર્ગને અંગૂઠા પકડવાનું જણાવ્યું. મને તોફાની છોકરાઓનાં નામ પૂછયાં, મેં નહીં કહ્યાં તેથી મારેય અંગૂઠા પકડવાના થયા. મને અંગૂઠા પકડેલો જોઈ મારા કેટલાક અદેખા સાગરીતો ગુલગુલાબી થઈ ગયા. કેટલાક મને 'હૂંસી (છી), આ તારા લીધે થયું' એમ કહીને મને વઢવા પણ લાગ્યા. સૌનાં મોં અંગૂઠા પકડવાની સજાથી લાલચોળ થઈ ગયાં. છેવટે સૌની સહનશક્તિનો છેડો આવ્યો, આખો વર્ગ અંગૂઠા પકડવા છોડીને બેસી ગયો એક મારા સિવાય! પેલા આગંતુક શિક્ષકો આથી વધુ ખિજાયા. મારી સુધ્ધાં સૌને અદબપલાંઠી વાળીને બેસી રહેવાની સજા થઈ. આ સજાય, અનુભવે લાગ્યું કે, અંગૂઠા પકડવાની સજાથી જરાય ઊતરતી નથી. આ દિવસે સાથી મિત્રોની અવહેલનાથી મારું મન ખાટું થઈ ગયું હતું. નિર્દોષ છતાં મને ‘હૂંસી' કહેવાનું કારણ? પણ જેમ પ્રેમનાં તેમ દ્વેષનાંય કારણો, શોધવાં કેટલીક વાર મુશ્કેલ થતાં હશે, એવું નહીં? આ પછી થોડાક દિવસ તો એમ થયું કે હું શાળાએ જ ન જાઉં. પણ ઘરનાંને મન તો શાળા જ મારા ઊજળા ભવિષ્ય માટેનું પ્રવેશદ્વાર હતી. એ દ્વારેથી હું પાછો વળું એ તો તેઓ સાંખે જ નહિ ને! હું પરાણે મને શાળા તરફ ઢસરડી જતો. શાળામાં બેઠો હોઉં ને છતાં કોણ જાણે કઈ રીતે હું જાણે બહાર નીકળી જતો. મને દૂરના લીમડા પર હૂપ હૂપ કરતાં જે વાંદરાં આવતાં તે જોવાની મજા પડતી. એકવાર આવી મજા લૂંટતો હતો ત્યારે જ સાહેબના હાથે મેં મારો કાન ખેંચાતો જોયો. મને ખબર નહીં કે સાહેબ મને કશુંક પૂછતા હતા. સાહેબે મારું બેધ્યાનપણું જોઈ આમ કાન આમળ્યો તેથી વર્ગ આખો ખડખડ હસી પડ્યો અને હું સાવ હોલવાયા-શો ઘુમાઈ રહ્યો; પરંતુ મારા સાહેબની આંખોને મારી ધૂમ્રસેર ઓછી જ સ્પર્શવાની હતી? હું શાળાએથી છૂટી ઘેર જઈ, દફતર પડશાળમાં ફગાવી ઓટલે બેઠો બેઠો કેટલોય સમય જતાં આવતાં હળલાકડાં, ગાડાં-ગધેડાં, લોકો વગેરેને જોયા કરતો. કેટલીક વાર આકાશમાં આળોટતી તરતી વાદળીને પીછો કરતો. બીજ હોય ને પિતાજી સંધ્યાકાળે ઓસરીમાં માળા ફેરવતાં એ બીજનું દર્શન મને કરાવતા. શુક્ર ને મંગળની દોસ્તીયે એમણે જ કરાવેલી. એકાદવાર એમણે રોહિણીનું યે દર્શન કરાવ્યાનું આછું પાતળું સ્મરણ છે. મને ક્યારેક શાળાનાં મિત્રો કરતાં આકાશની વાદળી સાથે, ચંદ્ર સાથે દોસ્તી કરવાનું વધારે ગમતું. શાળાની આખા દિવસની જે કડવાશ! એનો કંઈક ઉતાર મને ઘરના ઓટલા પર, આકાશ તળે બેસવાથી મળી રહેતો. ક્યારેક શાળા સવારની હોય ત્યારે બપોરે લૂના સપાટા ઝીલતો ઓટલે બેસી રહેતો અને રસ્તામાં જે વંટોળો થાય, ભૂત ચડે તે રસપૂર્વક જોયા કરતો; અને એમાંય જો બમ્બઈ કી ગાડીવાળો, રીંછવાળા મદારી કે જાદુગર આવે તો અહાહા! આખું ગામ ફરીને એ એના ઉતારે પાછા ફરે ત્યાં સુધી હું એનાં પગલાં દાબતો. મદારી કે જાદુગરના ખેલ તો મફત જોવા મળતા પણ બમ્બઈ કી ગાડી જોવા માટે પૈસો-બે પૈસા મને કોણ આપે એ વિરાટ સવાલ હતો. હું કાચના કબાટમાંની મીઠાઈ માટે બહાર આંટા મારતી માખીની જેમ પેલા બમ્બઈ કી ગાડીવાળાની ચિત્રપેટીની આસપાસ ફરતો. કોઈ જોતું તો એની પાસે કેવું દેખાય છે એની વિગતો પૂછતો. ક્યારેક હું સાવ નિમાણો થઈ જતો, રોવા જેવો થઈ જતો. એકવાર ઘેર એ માટે જીદ કરતાં માર ખાધેલો પણ પૈસો નહીં મળેલો ને મને માર્યા પછી મા પણ પોતાને વાગ્યું હોય એમ રોઈ પડેલી એ મને યાદ છે. એના માટે પ્રત્યેક પૈસો ઘરને ટકાવવા માટેની કીંમતી ઈંટ જેવો હતો. એકબે વાર પાડોશીઓએ મને પૈસો આપવાનું કહ્યું હેાય અને મા તથા સમજ ખીલ્યા પછી તો મેં પણ ત્યારે સ્વમાનભેર એ પૈસો લેતાં મને રોક્યો હોય એવુંયે બન્યું છે. ચિત્રપેટીમાંની બમ્બઈ કી ગાડી આમ છતાં – ભલે ફક્ત બેચાર વાર - પણ જોયેલી ખરી. એ ગાડી એમ ને એમ જોવી અને એ બતાડનારની લહેકંતી વાણી સાંભળતાં જોવી એ બે અનુભવ જ જુદાં. સાચી બમ્બઈ કી ગાડી તો વર્ષો પછી મેં મારી કમાઈને જ પૈસે જોઈ, પણ એ ગાડી પેલી ચિત્રપેટીમાંની-રમકડાંની બમ્બઈ કી ગાડીની તોલે તો ન જ આવે! એની તો યાત્રા જ અનોખી!