ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૨૫

[આ નગરના રાજા કુલીનને સ્વપ્ન આવે છે. ગાલવ ઋષિ સ્વપ્નનો અર્થ બતાવી છ માસમાં જ રાજાનું મૃત્યુ થશે એવી ભવિષ્યવાણી કરે છે. અંતકાળ નજીક આવેલ જોઈને રાજા પુત્રીનું લગ્ન ન કરી શક્યાનો વસવસો કરે છે ત્યારે મદન કહે છે તમારી દીકરીનું લગ્ન ચંદ્રહાસ સાથે કરો. રાજા ચંદ્રહાસને તેડવા મદનને મોકલે છે ત્યાં જ બ્રાહ્મણના વેશમાં પૂજાની થાળી લઈને ચંદ્રહાસ સામે મળે છે. અરધી રાતે પૂજા કરવાનું કામ પિતા ધૃષ્ટબુદ્ધિએ સોંપ્યું છે એવું જાણી મદનને ફાળ પડે છે. રખે પિતા ચંદ્રહાસને કાવતરું કરી મારી નાખે! એટલે પૂજાની થાળી લઈ પોતે પૂજા કરવા જાય છે અને ચંદ્રહાસને લગ્ન માટે મોકલે છે. અંધારામાં પૂજા કરીને બહાર નીકળતાં ખડ્ગ લઈને બારણે ઊભેલા મારાઓ મદનને ચંદ્રહાસ માની તેનો વધ કરી નાખે છે.]

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> રાગ : મેવાડો

હવે જૈમિનિજી એમ કહે : તું સંભાળ જનમેજય રાયજી.
તે નગ્રમાંહે કુંતલ રાજા, તેને એક કન્યાયજી.         

ચંકમાલિની નામ તેનું, વિષયાની સહિયારીજી,
કષ્ટ પામી તે કલેવરમાં[1], પોતે રહી કુંવારીજી.         

ચંપકમાલિની મને વિમાસે, ‘વિષયાના વરને વરુંજી;
એથી અધિકું મુંને કોણ મળશે? તે સાથ વિવાહ કરુંજી.’         

પણ વૃદ્ધ પિતાને કહેવાય નહિ, જે છત્રપતિ મહારાજજી.
કન્યાએ મદનને કહ્યું, મૂકી મનની લાજજી.         

મદન મંત્રી મહારાજ પાસે નિત્યે સેવા કરવા રહેતોજી.
કુંતલ રાજા મનની વાત તે મદનને માંડી કેહેતોજી.         

પણ પૌર્ણમાસીની પહોર રાતે આવ્યું રાજાને સ્વપનજી,
તે વેળાએ ભડકી ઊઠ્યો, પાસે દીઠો મદનજી :         

‘અરે મદન, કોઈ બ્રાહ્મણ છેજે જાણે ત્રિકાળનું જ્ઞાનજી?’
તે વેળાએ મદને તેડાવ્યા ગાલવ મુનિ ભગવાનજી.         

કર જોડીને પ્રશ્ન પૂછ્યું જે આવ્યું ઘોર સ્વપનજી :
‘ઊંટે ચઢી દક્ષિણ ગયો હું કરતો રુધિર પ્રાશન[2]જી.         

કાળપુરુષ વાટમાં મળ્યો તે ગ્રસવા પૂંઠે ધાયોજી.
ગળીના કુંડ વિષે હું પડિયો, કાંપે કરી લેપાયોજી.’         

એવું સાંભળી ગાલવ બોલ્યા, વિચારી અંતકર્ણજી :
‘મહારાજ આજથી છઠ્ઠે માસે આવ્યું તમારું મર્ણજી.’          ૧૦

કહેતાં માંહે કુંતલ ઊઠ્યો. મદનને સોંપ્યો રાજભારજી :
‘હું તપ કરીને સ્વર્ગે જઈશ, તું મારો કુમારજી.          ૧૧

પણ દાઝ[3] રહી એક મોટી મનમાં, કુંવરી નવ દેવાઈજી,
મેં દશ વરસ લગી પુત્રીને ન ખોળિયો જમાઈજી.          ૧૨

હવે તું પરણાવજે કુંવરીને, એ બહેન છે તારીજી.’
ત્યારે કર જોડીને મદન કહે છે : ‘સાંભળો વિનતિ મારીજી.          ૧૩

મેં વિષયા બહેનને પરણાવી, ચંદ્રહાસ રાજનજી,
કુળે ગુણે બલે પૂરો, સાધુ ને સુજનજી.          ૧૪

ચૌદ વિદ્યા સંપૂર્ણ જાણે, નરખ્યે હરખે મનજી;
આજ્ઞા હોય જો તમારી, તો તેડી લાવું, રાજનજી.’          ૧૫

ત્યારે ગાલવ કહે : ‘એ વર કેરું લગ્ન કરો થૈ મગ્નજી;
વિવાહ કરો તો આજ મધરાતે છે ઘડિયા[4]ળાં લગ્નજી.’          ૧૬

‘હે મદન, જાઓ તે સાધુને શીઘ્રે તેડી લાવોજી;
હું દેખતાં હરિભક્તને પુત્રી મારી પરણાવોજી.’          ૧૭

મદન ચાલ્યો ચંદ્રહાસને તેડવા અશ્વે થઈ અસવારજી;
એવે વાટમાં સામો મળ્યો, કુલિંદ તણો કુમારજી.          ૧૮

પીતાંબરની પલવટ વાળી પૂજાની થાળી લીધીજી;
સોમ સરખું વદન વિરાજે, કેસરની અરચા[5] કીધીજી.          ૧૯

હરિભક્તને દેખી અશ્વથો મદન કુંવર ઊતરિયોજી;
વિસ્મે થઈને આવ્યો પાસે, પ્રણામ પ્રેમશું કરિયોજી.          ૨૦

‘અરે મહારાજ, આ મધરાત્રે સેવક રહિત ઉઘાડું ગાત્રજી;
શસ્ત્રવસ્ત્ર વિના બંધુ, કાં જાઓ? કર ગ્રહ્યું કાં પૂજનપાત્રજી?’          ૨૧

ચંદ્રહાસ કહે : ‘પિતા તમારે મુજને આજ્ઞા આપીજી,
શ્વસુર તે પિતાને થાનક; વચન લોપે તે મહાપાપીજી.          ૨૨

તેણે કહ્યું, કુળદેવી પૂજે, જે થાય નવો પૂજનીકજી,
મધરાત્રે કાલિકા જાઓ, કોની ન ધરશો બીકજી.’          ૨૩

થર થર ધ્રૂજે, કાંઈ ન સૂઝે, મદને તે વાત જાણીજી :
‘પિતા મારો માહપાપી છે, રખે લેતો પૂજ્યના પ્રાણીજી!          ૨૪

અરે સુરધીશ, પ્રાતઃકાળે કુળદેવીનું પૂજન કરવું જી,
રાજપુત્રી વરજો, રાજ કરજો, મહારાજ, નિર્મ્યું છત્ર ધરવુંજી.’          ૨૫

‘કો મેરુ આપે કનકનો તોહે હું એ નવ મૂકુંજી;
સસરાનું વચન લોપી, સાધુ થઈ કેમ ચૂકુંજી’          ૨૬

મદન કહે : ‘તમને પ્રાણ સોંપ્યો છે, સાટે[6] હું કરું પૂજાયજી;
તમે પધારો રાજભવનમાં કાં જે[7] લગ્નવેળા જાયજી.’          ૨૭

શસ્ત્ર વસ્ત્ર અશ્વ આપીને, વળાવ્યો બનેવીજી;
પૂજા-સામગ્રી પોતે લીધી, ચાલ્યો જ્યાં કુળદેવીજી.          ૨૮

મદનને મારગમાં જાતાં મંડાયા માન-શુકનજી;
વામાંગ તે ફરકવા લાગ્યું, ફરકે વામ લોચનજી.          ૨૯

મારગમાં જાતાં જમણે પાસ બે સર્પ ઊતર્યા આડાજી;
વળી વઢતાં પગે અફળાયા વાટમાં રાની બિલાડાજી.           ૩૦

નિશાચર જે ઘુવડ પક્ષી, તે મદનને મસ્તક બેઠોજી :
રખે ચંદ્રહાસને વિઘન થાતું! તે ખરખરો મનમાં પેઠોજી.          ૩૧

‘અરે પરમેશ્વર, એટલું માગું હું, સાધુને હજો કલ્યાણજી;
વિઘન ઓલવજો વિષ્ણુભક્તનું, સાટે મારા જજો પ્રાણજી.’          ૩૨

એમ દુઃખને ધરતો દહેરે પોહોંતો, આઈની પૂજા કીધીજી :
‘આ સેવાનું ફળ હજો ચંદ્રહાસને’, આશિષ એવી લીધીજી.          ૩૩

પછે દહેરામાંથી બહાર નીસરવા ભર્યાં ઉતાવળાં ડગજી;
મુખ નીસરતાં મદન-મસ્તકેે ચાર પડિયાં મહા ખડગજી.          ૩૪

ચાર કટકા કાપી કીધા, સચવાયું નહિ ઓસાણ[8]જી,
‘હે ચંદ્રહાસ, હે ચંદ્રહાસ’ એમ કહેતાં નીસર્યા પ્રાણજી.          ૩૫

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> વલણ


એમ કહેતાં પ્રાણ ગયા, સુણ પારથ બળવાન રે,
મરણ થકો ઊગર્યો રાજા, જેને માથે શ્રીભગવાન રે.          ૩૬




  1. કલેવરમાં – હૃદયમાં
  2. પ્રાશન – પીવું
  3. દાઝ – અસંતોષ
  4. ઘડિયાં – તે જ ઘડીએ કરાય તેવાં લગ્ન
  5. અરચા – લલાટે ચારેય આંગળીએ કરતી આડય
  6. સાટે – બદલે
  7. કાં જે – કારણ કે
  8. ઓસાણ – ખ્યાલ

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted